માવઠાનો માર! ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather Update: ગુજરાતમાં આજે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ રાજ્યના મુખ્ય શહેરોમાં સૂર્યદેવ આકરા પાણીએ છે, ત્યારે બીજી તરફ ઉત્તર અને પૂર્વ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં કમોસમી વરસાદ (માવઠું) પડ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ સક્રિય થતાં વાતાવરણમાં આ ફેરફાર જોવા મળ્યો છે.
કયા જિલ્લામાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ?
આજે પાંચમી મે, 2026ની વહેલી સવારથી રાજ્યના ત્રણ જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. અરવલ્લીના મોડાસા, માલપુર, મેઘરજ અને યાત્રાધામ શામળાજી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. મહીસાગરના કડાણા તાલુકાના સરહદી ગામો અને ખાનપુર પંથકમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ નોંધાયો છે. ગોધર ઉતર, જોગણ અને સરસવા સહિતના વિસ્તારોમાં વરસાદથી ઠંડક પ્રસરી છે. દાહોદ જિલ્લામાં લાંબા વિરામ બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને વરસાદી ઝાપટાં પડતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.
ખેડૂતોની ચિંતામાં વધારો
ભર ઉનાળે થયેલા આ વરસાદથી સામાન્ય લોકોને ગરમીમાં રાહત મળી છે, પરંતુ જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે. ખેતરોમાં ઊભેલા મકાઈ, બાજરી અને પશુઓ માટેના ઘાસચારાના પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
અમદાવાદ સહિતના શહેરોમાં 'યલો ઍલર્ટ'
વરસાદી માહોલ વચ્ચે પણ રાજ્યના મોટા શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે. અમદાવાદ શહેરમાં આગામી 6 દિવસ માટે 'યલો ઍલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં તાપમાન 41°C સુધી પહોંચવાની શક્યતા છે. ગાંધીનગર અને રાજકોટમાં પણ ગરમીનો પારો 40°Cને પાર કરી શકે છે. સુરત અને દ્વારકા જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 31°Cથી 34°C વચ્ચે રહેતાં ગરમીનું જોર ઓછું રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 10 દિવસ સુધી વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉકળાટ અને બફારો હજુ પણ યથાવત્ રહી શકે છે.









