હવામાન વિભાગનું નાઉકાસ્ટ: અમદાવાદ સહિત કુલ 7 જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ, 19માં યલો ઍલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather Update, Nowcast: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાતમાં સાંજે 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાત્રે 10 વાગ્યા સુધી અમદાવાદ સહિત કુલ 7 જિલ્લાઓમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદ અને ઝડપી પવન ફૂંકાવવાની શક્યતાને જોતા 'ઑરેન્જ ઍલર્ટ' આપવામાં આવ્યું છે. રાજ્યના અન્ય 19 જિલ્લાઓમાં હળવા વરસાદ અને વીજળીના કડાકા-ભડાકાની શક્યતા સાથે 'યલો ઍલર્ટ' જાહેર કરાયું છે.

કયા જિલ્લામાં કયું ઍલર્ટ અપાયું?
ઑરેન્જ ઍલર્ટ
અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ,
યલો ઍલર્ટ
દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર સિવાયના સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, બનાસકાંઠા, વાવ, થરાદ, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને કચ્છ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, વડોદરા
ગ્રીન ઍલર્ટ (કોઈ આગાહી નહીં)
દક્ષિણ ગુજરાતના છેવાડાના ભાગો અને તેમજ સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વાતાવરણ મુખ્યત્વે સામાન્ય રહેવાની શક્યતા.

કેમ આવ્યો આ પલટો?
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રાજસ્થાન પર સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે વાતાવરણમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે. આ કમોસમી ફેરફારને કારણે ઉનાળો મોડો શરૂ થશે, હાલ ગરમીમાં લોકોને આંશિક રાહત મળશે, પરંતુ ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ છે. આગાહી મુજબ, વરસાદ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આગામી બે દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળશે.
આ પણ વાંચો: ભારતના આકાશમાં દેખાયા 1000 કિ.મી. લાંબા કાળા ઘટ્ટ વાદળ, કરા સાથે વરસાદની આગાહી
નાગરિકો માટે સૂચના
વીજળીથી સાવધાન, ગાજવીજ સમયે ખુલ્લા મેદાનમાં કે ઝાડ નીચે આશરો ન લેવો. તેજ પવન ફૂંકાતો હોય ત્યારે જૂના મકાનો કે નબળા હોર્ડિંગ્સથી દૂર રહેવું. ખેડૂતો માટે સૂચન કરવામાં આવ્યું છે કે ખુલ્લામાં રાખેલા અનાજ કે તૈયાર પાકને સુરક્ષિત સ્થળે ખસેડી લેવો. આ બદલાયેલા હવામાનની અસર આગામી 24થી 48 કલાક સુધી જોવા મળી શકે છે, ત્યારબાદ ફરીથી ગરમીનો પારો વધવાની શક્યતા છે.








