ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવઃ 16 જિલ્લામાં વરસાદની આગાહી, ત્રણ જિલ્લામાં ભારે ગરમીનો થશે અનુભવ
Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લાં એક અઠવાડિયાથી વરસાદે માઝા મૂકી હતી. ત્યારે છેલ્લાં બે દિવસથી વરસાદે પોરો ખાધો હોય તેવું જણાઈ રહ્યું છે. એવામાં હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે (14 મે) 16 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. જોકે, બીજી બાજુ ત્રણ જિલ્લામાં ગરમીનું તાપમાન 40 પાર જવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી
આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ, જેમ કે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ આંદામાનમાં ચોમાસાનું આગમન: કેરળમાં 27મીનો વરતારો, ચોમાસુ 5 દિવસ વહેલું બેઠું
આ ત્રણ જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીથી પાર થશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કમોસમી વરસાદની આગાહી સાથે બુધવારથી અમદાવાદ, રાજકોટ અને ભૂજમાં ગરમીનો પારો 40 ડિગ્રીની પાર પહોંચી શકે છે. આગામી સાત દિવસમાં મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.