Get The App

આંદામાનમાં ચોમાસાનું આગમન: કેરળમાં 27મીનો વરતારો, ચોમાસુ 5 દિવસ વહેલું બેઠું

Updated: May 14th, 2025

GS TEAM


Google News
Google News
આંદામાનમાં ચોમાસાનું આગમન: કેરળમાં 27મીનો વરતારો, ચોમાસુ 5 દિવસ વહેલું બેઠું 1 - image


Monsoon News :  હવામાન વિભાગે  સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે આજે  2025ની 13,મે એ  નૈઋત્યની વર્ષા ઋતુનું આગમન આંદામાન --નિકોબાર, બંગાળના ઉપસાગરમાં  થયું  છે. સામાન્ય રીતે કુદરતી ચક્ર મુજબ નૈઋત્યનું ચોમાસુ દર વર્ષે 18-22-મે દરમિયાન આંદામાન-નિકોબારમાં પ્રવેશ કરે છે. જોકે  હાલ  એક કરતાં વધુ  કુદરતી પરિબળો  સાનુકુળ   બની રહ્યાં હોવાથી 2025નું નૈઋત્યનું  ચોમાસુ  તેની કુદરતી પરંપરા કરતાં પાંચેક  દિવસ વહેલાં આંદામાન-નિકોબારમાં આવી પહોંચ્યું છે. 

હવામાન વિભાગની હેડ ઓફિસ (નવી દિલ્હી)ના હવામાનની રાષ્ટ્રીય સ્તરની આગાહી વિભાગના વડા ડો. આર.કે. જેનામણીએ  ગુજરાત સમાચારને એવી  માહિતી આપી છે કે આજે 2025ના નૈઋત્યના ચોમાસાનું આગમન આંદામાન સમુદ્રના દક્ષિણ અને ઉત્તર હિસ્સામાં,નિકોબાર ટાપુઓ પર, બંગાળના ઉપસાગરના કેટલાક હિસ્સામાં થયું છે. હાલના તબક્કે તો નૈઋત્યના ચોમાસાનો મિજાજ ઘણો સાનુકુળ છે.

એટલે કે આંદામાન,નિકોબાર, બંગાળના ઉપસાગર તરફથી પણ કેરળ સુધીના આગમન માટેનાં કુદરતી પરિબળો ઘણાં સાનુકુળ બની રહ્યાં છે. સાથોસાથ નૈઋત્યની વર્ષા ઋતુ આવતા 3-4 દિવસ દરમિયાન  અરબી સમુદ્રના દક્ષિણ હિસ્સામાં, માલદીવ, કોમોરીન (કન્યાકુમારી) વિસ્તાર, બંગાળના ઉપસાગરના વધુ વિસ્તાર, આખા આંદામાન -નિકોબારના સંપૂર્ણ ટાપુ વિસ્તારમાં પણ આગળ વધે તેવાં કુદરતી પરિબળો પણ અનુકુળ બની રહ્યાં છે. આમ  આ બધાં  કુદરતી પરિબળો આ જ રીતે  સાનુકુળ બની રહેશે તો નૈઋત્યની વર્ષા ઋતુનું કેરળ આગમન 2025ની 27,મે એ થવાની પૂરી શક્યતા છે. 

હાલના તબક્કે તો નિકોબાર ટાપુઓમાં મધ્યમથી ભારે વર્ષા થઇ રહી છે. ઉપરાંત, હજી આવતા બે દિવસ દરમિયાન પણ નિકોબાર  ટાપુઓમાં મુશળધાર વરસાદ વરસવાની સંભાવના  છે.હાલ છેલ્લા બે દિવસથી  આંદામાન, નિકોબાર,બંગાળના ઉપસાગરમાં પશ્ચિમના પવનો પૂરી તીવ્રતાથી ફૂંકાઇ રહ્યા છે.વળી, પશ્ચિમના પવનો સમુદ્રની સપાટીથી 1.5 કિલોમીટરની ગતિએ ફૂંકાઇ રહ્યા છે.

હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ(નિવૃત્ત) સુનિલ કાંબળેએ ગુજરાત સમાચારને એવી વિશેષ માહિતી આપતાં કહ્યું  છે કે ભારતમાં  નૈઋત્યના ચોમાસાનું આગમન આંદામાન-- નિકોબોરમાં તેની કુદરતી પરંપરા  અને ચક્ર કરતાં થોડું વહેલું થાય તે માટે એક કરતાં વધુ  કુદરતી પરિબળો સાનુકુળ હોય છે. 

ઉદાહરણરૂપે આંદામાન સમુદ્રમાં અને નિકોબાર ટાપુઓમાં સતત ત્રણ દિવસ સુધી સંતોષકારક વર્ષા થાય, પવનની દિશા ઇશાનમાંથી બદલાઇને નૈઋત્યની થાય, પવનની ગતિ નિશ્ચિત પ્રમાણમાં રહે, સમુદ્રની સપાટીનું તાપમાન ઘટે અને ઠંડુ થાય, વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકા કરતાં વધુ રહે, સમુદ્રમાંથી  ભરપૂર કરન્ટ મળી રહે. આ બધાં કુદરતી પરિબળો એક સાથે સાનુકુળ બની રહે તો નૈઋત્યની વર્ષા ઋતુનું આગમન આંદામાન સમુદ્રમાં અને નિકોબારના ટાપુઓ સહિત બંગાળના ઉપસાગરમાં પણ વહેલું  થાય.


Tags :