Gujarat

ચોમાસું તો વિદાય લઈ ગયું પણ ગુજરાતના 78 ડેમમાં ફક્ત 25%થી પણ ઓછું પાણી, દિવાળી બાદ 'અગ્નિપરીક્ષા'

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં નબળા ચોમાસાની વિદાય સાથે જળસંકટની ચિંતા ઘેરાઈ છે. રાજ્યના 206 ડેમમાં 69.56% જ પાણી છે, જ્યારે 78 ડેમમાં 25% પણ નથી. નર્મદા ડેમ 100% ભરાતા આશાનું કિરણ બન્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓછો વરસાદ નોંધાયો છે. દિવાળી બાદ પીવાના અને ખેતીના પાણીની વ્યવસ્થા સરકાર માટે પડકારરૂપ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોમાસું તો વિદાય લઈ ગયું પણ ગુજરાતના 78 ડેમમાં ફક્ત 25%થી પણ ઓછું પાણી, દિવાળી બાદ 'અગ્નિપરીક્ષા'

Gujarat Water Crisis 2026: ગુજરાતમાં ચાલુ વર્ષે નબળું ચોમાસું વિધિવત વિદાય લઈ ગયું છે અને હવે વરસાદની કોઈ સંભાવના દેખાતી નથી, ત્યારે રાજ્ય પર જળસંકટની ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. કારણ કે, રાજ્યના અનેક ડેમમાં પૂરતું પાણી આવ્યું નથી. અત્યારે નર્મદા ડેમ સિવાયના રાજ્યના 206 ડેમમાં કુલ ક્ષમતાના 69.56 ટકા પાણી જ ઉપલબ્ધ છે. આ પૈકી ફક્ત 23 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે, જ્યારે 78 ડેમ એવા છે જેમાં 25 ટકા પણ પાણી નથી. આવી સ્થિતિમાં દિવાળી બાદ જળ વ્યવસ્થાપનમાં સરકારી તંત્રની ખરી અગ્નિપરીક્ષા થશે.

ઓછો વરસાદ અને ડેમોની વર્તમાન સ્થિતિ

રાજ્યમાં આ વર્ષે સરેરાશના 89.19 ટકા વરસાદ નોંધાયો છે, તેમ છતાં ડેમોમાં પાણીનો સંગ્રહ 70 ટકા સુધી પણ પહોંચી શક્યો નથી. આ સ્થિતિને કારણે આગામી ઉનાળામાં પીવાના પાણી અને ખેતી માટે પાણીની વ્યવસ્થા કેવી રહેશે તે એક મોટો અને મહત્ત્વનો સવાલ બની ગયો છે. રાજ્યના મુખ્ય જળાશયોની પરિસ્થિતિ પર નજર કરીએ તો સીપુ ડેમમાં માત્ર 4.11 ટકા, ઉન્ડ-1માં 13.80 ટકા, ભાદરમાં 19.45 ટકા અને દાંતીવાડા ડેમમાં 23.80 ટકા પાણી જ બચ્યું છે. બીજી તરફ, ધરોઈ ડેમમાં 52.22 ટકા અને મચ્છુ-1 ડેમમાં 60.10 ટકા પાણીનો સંગ્રહ છે.

નર્મદા ડેમ બન્યો આશાનું કિરણ

અન્ય નાના-મોટા ડેમોની સરખામણીએ સરદાર સરોવર નર્મદા ડેમની સ્થિતિ ઘણી સારી છે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે અને તેમાં 3,34,080 એમસીએફટી પાણીનો સંગ્રહ નોંધાયો છે, જે આવનારા સમયમાં રાજ્ય માટે મોટી રાહત સાબિત થઈ શકે છે.

વિસ્તાર મુજબ વરસાદ: દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, સૌરાષ્ટ્ર-કચ્છ કોરાં

રાજ્યમાં વરસાદની સ્થિતિ પણ વિસ્તાર પ્રમાણે અલગ-અલગ જોવા મળી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ 114.23 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 89.67 ટકા અને ઉત્તર ગુજરાતમાં 71.04 ટકા વરસાદ થયો છે. બીજી તરફ, સૌરાષ્ટ્રમાં 71.43 ટકા અને કચ્છમાં માત્ર 57.60 ટકા જ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં ખાસ કરીને ધીમીધારે વરસાદ થયો હોવાથી જળાશયો સુધી પૂરતા પ્રમાણમાં પાણી પહોંચી શક્યું નથી.

રાજ્યના 206 ડેમનો સંપૂર્ણ હિસાબ

  • 100% ભરાયેલા ડેમ: 23 (કુલ ડેમના 11.2 ટકા)
  • 70%થી 100% સંગ્રહ: 45 ડેમ
  • 50%થી 70% સંગ્રહ: 22 ડેમ
  • 25%થી 50% સંગ્રહ: 38 ડેમ
  • 25%થી ઓછો સંગ્રહ: 78 ડેમ.