મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા: ગુજરાતમાં 2.17 કરોડથી વધુ નાગરિકોનું મેપિંગ, 3.90 કરોડ ફોર્મનું વિતરણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar News: સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ રાજ્યભરના જિલ્લા ચૂંટણી અધિકારીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ તથા સહાયક મતદાર નોંધણી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીને સમગ્ર કાર્યપ્રગતિ પર નજર રાખવાની સાથે તેમને માર્ગદર્શન આપી રહી છે.
મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની સમગ્ર પ્રક્રિયામાં બૂથ લેવલ ઓફિસર પાયાના પત્થર સમાન છે. ગણતરી (એન્યુમરેશન) ફોર્મનું વિતરણ, મતદારને તેમના નામ અથવા સંબંધીઓના નામ સાથે મેચિંગ/ લિંકિંગમાં મદદ કરવી તથા નવા મતદારોને નામ ઉમેરવા માટે કરવી પડતી પ્રક્રિયાથી માહિતગાર કરવા સહિતના ખૂબ જ અગત્યની કામગીરી બૂથ લેવલ ઓફિસર સુપેરે સંભાળી રહ્યા છે. જેના માટે તેમને ફાળવવામાં આવેલા વિસ્તારના ઘરોની ત્રણ વખત મુલાકાત પણ લઈ રહ્યા છે.
હાલમાં રાજ્યભરના તમામ જિલ્લાઓમાં કુલ 50,963 બૂથ લેવલ ઓફિસર્સ ખંતપૂર્વક ફરજ નિભાવી રહ્યા છે. અદ્યતન મતદાર યાદી અનુસાર રાજ્યમાં કુલ 5.08 કરોડ મતદારો નોંધાયેલા છે. જેમના મેપિંગ માટે રૂબરૂ, મોબાઈલ એપ્લિકેશન તથા ઓનલાઈન ડેટાબેઝના માધ્યમથી 11 નવેમ્બર 2025ના રોજ ઉપલબ્ધ વિગતોને આધારે 2.17 કરોડથી વધુ નાગરિકોનું મેપિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે 3.90 કરોડ ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ થયું છે. આમ, રાજ્યભરમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કરતા BLO ખરા અર્થમાં ભારતના ચૂંટણીપંચના ધ્વજવાહક બન્યા છે.









