ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30% બનાવ માત્ર 4 મહાનગરોમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Suicide Cases: આજની ઝડપી જીવનશૈલી અને માનસિક તણાવને કારણે આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના તાજેતરના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન કુલ 8,984 લોકોએ વિવિધ કારણોસર આપઘાત કર્યો હતો. આ આંકડો દર્શાવે છે કે રાજ્યમાં દરરોજ સરેરાશ 24થી 25 વ્યક્તિઓ પોતાની જીવનલીલા સંકેલી રહ્યા છે.
પુરુષોમાં આપઘાતનું પ્રમાણ સૌથી વધુ
રિપોર્ટ અનુસાર, આપઘાત કરનારાઓમાં પુરુષોની સંખ્યા સૌથી વધુ છે. કુલ બનાવોમાં 71 ટકા પુરુષો અને 29 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને 18થી 45 વર્ષની વયના યુવાનોમાં આ પ્રમાણ 60-65 ટકા જેટલું ઊંચું જોવા મળ્યું છે.

મહાનગરોની સ્થિતિ અને રાજકોટ બીજા ક્રમે
ગુજરાતના કુલ આપઘાતના કિસ્સાઓમાંથી 30 ટકા કેસ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા મહાનગરોમાં નોંધાયા છે. દેશના તમામ શહેરોમાં સૌથી વધુ આપઘાતનું પ્રમાણ ધરાવતા શહેરોમાં રાજકોટ બીજા ક્રમે છે.
પારિવારિક ઝઘડા અને માનસિક બીમારી
આત્મહત્યા પાછળના કારણોનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું છે કે, 40 ટકા બનાવો પારિવારિક ઝઘડા અને કેન્સર, એઈડ્સ કે પેરાલીસિસ જેવી ગંભીર શારીરિક બીમારીઓ જવાબદાર છે. બીમારીના કારણે થતા આપઘાતમાં 45થી 50 ટકા કિસ્સાઓમાં માનસિક બીમારી મુખ્ય કારણ રહી છે.
વ્યવસાયલક્ષી વિગતો
આર્થિક અને સામાજિક કારણોસર વિવિધ વર્ગના લોકોમાં આપઘાતનું પ્રમાણ વધુ છે. જેમાં કુલ બનાવોના 35% દૈનિક વેતન મેળવતા મજૂરો છે. આશરે 20% ગૃહિણીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ધંધાર્થીઓ અને વિદ્યાર્થીઓમાં પણ આપઘાતનું પ્રમાણ નોંધપાત્ર રીતે જોવા મળ્યું છે.
રાજ્યવાર સરખામણી
વર્ષ 2023 ની સરખામણીએ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યોમાં આત્મહત્યાના દરમાં 2 થી 4% નો ઘટાડો થયો છે, જ્યારે તેની સામે ગુજરાતમાં 0.4% નો વધારો નોંધાયો છે. ગુજરાતની આત્મહત્યાની સરેરાશ દેશની રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધારે છે.








