સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા જળબંબાકાર, સરદાર સરોવર ડેમ હાલ 77 ટકા ભરાયો
Rain in Saurashtra Coastal Area: ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન શ્રીકાર વરસાદ પડ્યો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં કલ્યાણપુર તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 10.75 ઇંચ તથા દ્વારકા તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે પોરબંદર તાલુકામાં 4 ઇંચ જેટલો, માંગરોળ તાલુકામાં 3.74 ઇંચ, સૂત્રાપાડા તાલુકામાં 3.35 ઇંચ, જાફરાબાદ તાલુકામાં 3.07 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં માત્ર 4 કલાકમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં 5 ઇંચથી વધુ તથા કેશોદમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં 4.76 ઇંચ તથા ગીર સોમનાથના તાલાલા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: હવામાન વિભાગે કરી મોટી આગાહી, 13 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર, આગામી 3 કલાક ભારે
સરદાર સરોવર ડેમની સ્થિતિ
રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ 26,0174 એમ.સી.એફ.ટી.જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ 77.88 ટકા ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,15,537 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે.જે કુલ સંગ્રહ ક્ષમતાના 74.48 ટકા છે. રાજ્યમાં હાલ 64 ડેમને હાઇ ઍલર્ટ, 29 ડેમને ઍલર્ટ તથા 21 ડેમને ચેતવણી આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ આજે 20 ઑગસ્ટ, 2025ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 71 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 73 ટકાથી વધુ, ઉત્તર ગુજરાત ઝોનમાં 72 ટકાથી વધુ, મધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં 69.92 ટકા તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો 69.06 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
મધુવંતી નદી બની ગાંડીતૂર, રસ્તાઓ બંધ
મેંદરડામાં મુશળધાર વરસાદથી મધુવંતી નદી ગાંડીતૂર બની છે. નદીના 5 કોઝવે પર ઓવરટોપિંગ થતાં રસ્તા બંધ થઈ ગયા છે. મીઠાપુર અને દાત્રાણા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.
આ પણ વાંચો: દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામા મેધમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્યો
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ આગાહી કરવામાં આવી છે. આજે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 13 જિલ્લામાં રેડ ઍલર્ટ અને 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
13 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર
હવામાન વિભાગે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો: જૂનાગઢના મેંદરડામાં આભ ફાટ્યું: 4 કલાકમાં 10 ઇંચ વરસાદ, તમામ સ્કૂલોમાં રજા જાહેર
6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર
આ ઉપરાંત, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભરુચ, તાપી અને ડાંગ સહિત 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા છે, તેથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.
17 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર
રાજ્યના અન્ય 17 જિલ્લા જેમ કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરુચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લામાં હળવા કે મધ્યમ વરસાદની સંભાવના છે.