જૂનાગઢના મેંદરડામાં આભ ફાટ્યું: 4 કલાકમાં 10 ઇંચ વરસાદ, તમામ સ્કૂલોમાં રજા જાહેર
Heavy Rain in Mendarda: જૂનાગઢના મેંદરડામાં 4 કલાકમાં અનરાધાર 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, જૂનાગઢના વંથલીમાં 5.31 ઇંચ, કેશોદમાં 4.8 ઇંચ, માંગરોળમાં 2.56 ઇંચ, માળિયા હાટીનામાં 2.56 ઇંચ, જૂનાગઢમાં 1.97 ઇંચ, જૂનાગઢ શહેરમાં 197 ઇંચ, માણાવદરમાં 1.02 ઇંચ અને માણાવદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જૂનાગઢ ઉપરાંત ભાવનગરના મહુવામાં 4.76 ઇંચ, ગીર સોમનાથમાં તલાલામાં 4.06 ઇંચ, અમરેલીના રાજુલામાં 3.35 ઇંચ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 2.8 ઇંચ અને ગીર ગઢડામાં 2.64 ઇંચ અને પોરબંદરમાં 2.52 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે, 16 તાલુકામાં સરેરાશ 1 ઇંચથી 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.
મધુવંતી નદી બની ગાંડીતૂર, રસ્તાઓ બંધ
મેંદરડામાં મુશળધાર વરસાદથી મધુવંતી નદી ગાંડીતૂર બની છે. નદીના 5 કોઝવે પર ઓવરટોપિંગ થતાં રસ્તાઓ બંધ થઈ ગયા છે. મીઠાપુર અને દાત્રાણા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.
જળાશયોમાં પાણીની આવક વધતાં ડેમના દરવાજા ખોલાયા
વંથલી તાલુકાના ખોરાસા ગામ પાસે આવેલા સાબલી જળાશયમાં ઉપરવાસમાં પાણીની આવક વધતાં હાલ ડેમના 11 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા છે. વંથલી તાલુકાના ખોરાસા, સેંદરડા અને કેશોદ તાલુકાના મઘરવાડા, માણેકવાડા, ડેરવાણ સહિતના ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે.
વંથલી તાલુકાના શાપુર ગામ પાસે આવેલા ઓઝત વિયર શાપુર જળાશયમાં પાણીની આવક થતા ડેમમાં હાલ ઓવરફ્લો 1.70 મીટર છે. જૂનાગઢ તાલુકાના બાદલપુર ગામ પાસે આવેલા ઓઝત-2 જળાશયમાં પણ પાણીની આવક વધતાં ડેમના 3 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે.
કંટ્રોલ રૂમ શરુ
વહીવટીતંત્ર દ્વારા 35-40 લોકોને અગમચેતીના ભાગરૂપે સલામત જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી જૂનાગઢના તમામ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા, કોઝવે/રસ્તા પરથી પાણી પસાર થતું હોય ત્યારે તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ આગાહી કરવામાં આવી છે. આજે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 13 જિલ્લામાં રેડ ઍલર્ટ અને 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
13 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર
હવામાન વિભાગે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર
આ ઉપરાંત, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભરુચ, તાપી અને ડાંગ સહિત 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે, તેથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.
17 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર
રાજ્યના અન્ય 17 જિલ્લાઓ જેમ કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરુચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં હળવા કે મધ્યમ વરસાદની સંભાવના છે.