Get The App

2007થી ગુજરાત-રાજસ્થાન પોલીસની ઊંઘ હરામ કરનારા ગેંગસ્ટર પર સકંજો! દુબઈથી વડોદરા લાવવાની કવાયત તેજ

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
2007થી ગુજરાત-રાજસ્થાન પોલીસની ઊંઘ હરામ કરનારા ગેંગસ્ટર પર સકંજો! દુબઈથી વડોદરા લાવવાની કવાયત તેજ 1 - image


Bootlegger Anil Pandya: ગુજરાત અને રાજસ્થાન પોલીસ માટે માથાનો દુ:ખાવો બનેલા કુખ્યાત ગેંગસ્ટર અને હિસ્ટ્રીશીટર અનિલ ઉર્ફે પાંડ્યા જાટની આખરે દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. બોગસ દસ્તાવેજોના આધારે વિદેશ ભાગી ગયેલા આ ગેંગસ્ટરને હવે પ્રત્યાર્પણ વિધિ દ્વારા ગુજરાત લાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. તેને વડોદરાના કરજણ દારૂ કેસ અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓમાં તપાસ કરાશે. 

અનિલ પાંડ્યાની SMC કોન્સ્ટેબલ સાથેની સાંઠગાંઠે હતી

મળતી માહિતી અનુસાર, આ કેસમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો હતો જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના કોન્સ્ટેબલ સાજણ આહીર સાથે ગેંગસ્ટર અનિલ પાંડ્યાની ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. જેમાં અનિલ પાંડ્યાએ આંગડિયા મારફતે સાજણ આહીરને 15 લાખ રૂપિયા મોકલ્યા હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસથી બચવા આરોપી અનિલ પાંડ્યા હંમેશા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતો હતો, જેના કારણે તેનું લોકેશન ટ્રેસ કરવું અશક્ય બની જતું હતું. તે જ્યાં છુપાતો ત્યાંથી 50 કિ.મી. સુધી તેના માણસો વોચ રાખતા, જેથી પોલીસ રેડની તેને અગાઉથી જાણ થઈ જતી હતી.

આ પણ વાંચો: વડોદરાના છાણી ગામમાં 200 પરિવારો વચ્ચે 300થી વધુ દીક્ષા, હવે એન્જિનિયર યુવતી વૈરાગ્યના પંથે

બે રાજ્યોમાં ખોફનું સામ્રાજ્ય

રાજસ્થાનના સીકરનો વતની અનિલ પાંડ્યા વર્ષ 2007થી ગુનાખોરીની દુનિયામાં સક્રિય છે. રાજસ્થાનમાં હત્યાના પ્રયાસ અને લૂંટ જેવા 39 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે ગુજરાતમાં દારૂની હેરાફેરીના 25 જેટલા ગુનાઓમાં તે વોન્ટેડ છે.

વડોદરા પોલીસની કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે, કરજણ હાઈવે પરથી 1.77 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયા બાદ વડોદરા જિલ્લા પોલીસે સાજણ આહીરની સાથે અનિલ પાંડ્યાને પણ મુખ્ય આરોપી બનાવ્યો હતો. ગુજરાત પોલીસ દ્વારા મોકલવામાં આવેલી મોસ્ટ વોન્ટેડ યાદીના આધારે દુબઈ પોલીસે તેને દબોચી લીધો હતો.

હવે વડોદરા જિલ્લા પોલીસ હવે અનિલ પાંડ્યાનો કબજો મેળવી તેની પૂછપરછ કરશે. આ પૂછપરછમાં પોલીસ વિભાગના અન્ય કયા ઉચ્ચ અધિકારીઓ કે કર્મચારીઓ તેની સાથે સંકળાયેલા હતા, તેવા અનેક રહસ્યો પરથી પડદો ઊંચકાઈ શકે છે.