Get The App

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર્ણય

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર્ણય 1 - image


Gujarat Police Recruitment Board: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા 21 જૂને યોજાનારી વિવિધ ટેકનિકલ સંવર્ગની લેખિત પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભરતી બોર્ડ દ્વારા અગાઉથી નક્કી કરાયેલી પરીક્ષાની તારીખ અને અન્ય રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષા એક જ દિવસે આવતી હોવાથી વહીવટી કારણોસર આ ફેરફાર કરવાની ફરજ પડી છે. તંત્ર દ્વારા આજે બુધવારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરીને ઉમેદવારોને જાણકારી આપવામાં આવી છે. 

NEETની પરીક્ષા હોવાથી નિર્ણય

અગાઉના આયોજન મુજબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) તથા ટેકનિકલ ઓપરેટર (જાહેરાત ક્રમાંક: GPRB/202526/2), પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) (જાહેરાત ક્રમાંક: GPRB/202526/3) તેમજ હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1) (જાહેરાત ક્રમાંક: GPRB/202526/4)ની લેખિત પરીક્ષાઓ આગામી 21 જૂન 2026, રવિવારના રોજ યોજાવાની હતી. જો કે, આ જ દિવસે મેડિકલ પ્રવેશ માટેની પ્રતિષ્ઠિત 'NEET'ની પરીક્ષા પણ યોજાનાર હોવાથી બંને પરીક્ષાઓ એક જ તારીખે ભેગી થતી હતી.

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર્ણય 2 - image
પ્રેસ નોટ

બંને મોટી પરીક્ષાઓ એક જ દિવસે હોવાના કારણે ઉમેદવારો મુશ્કેલીમાં ન મુકાય તે હેતુથી પોલીસ ભરતી બોર્ડે 21 જૂનની લેખિત પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. બોર્ડના જણાવ્યા અનુસાર, મોકૂફ રાખવામાં આવેલી આ પરીક્ષાઓ માટેની નવી તારીખ હવે પછી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે, જેથી ઉમેદવારોને ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ (https://gprb.gujarat.gov.in/)ના સંપર્કમાં રહેવા અપીલ કરવામાં આવી છે.