ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 17 પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પુલ પણ તૂટ્યો
Gujarat Bridge Collapse: વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ આજે 9 જુલાઈએ તૂટી પડ્યો, જેમાં 7 વાહનો નદીમાં ખાબક્યા અને એક ટ્રક બ્રિજ પર લટકી રહી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના મોત થયા હોવાની સત્તાવાર માહિતી મળી છે, જ્યારે 9થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જોકે, આ ગુજરાતમાં બ્રિજ ધરાશાયી થવાની પહેલી ઘટના નથી. છેલ્લાં પાંચ વર્ષમાં આવા 17 જેટલા પુલ અને માળખાકીય વિકાસના પ્રોજેક્ટ્સ ધરાશાયી થઈ ચૂક્યા છે, જે તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચાર પર ગંભીર સવાલો ઊભા કરે છે, અને વિકાસના દાવાઓની પોલ ખોલે છે
ગંભીરા બ્રિજ દુર્ઘટના (9 જુલાઈ 2025):
વડોદરાના પાદરા-જંબુસરને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, જેમાં 9 લોકોના મોત થયા. આ બ્રિજ જર્જરિત હોવા છતાં તેની જાળવણી કે સમારકામ કરવામાં આવ્યું નહોતું.
બોટાદમાં પુલ ધોવાયો (જૂન 2025 – 20 દિવસ પહેલાં):
બોટાદના જનડા ગામમાં પાટલિયા નદી પર માત્ર ત્રણ વર્ષ પહેલાં લાખો રૂપિયાના ખર્ચે બનેલો પુલ ધોધમાર વરસાદને કારણે ધોવાઈ ગયો. આટલા ટૂંકા ગાળામાં નવા બનેલા પુલનું ધરાશાયી થવું એ ગુણવત્તા પર મોટો પ્રશ્નાર્થ છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ (5 નવેમ્બર, 2024):
આણંદ જિલ્લામાં મહીસાગર નદી પાસે નિર્માણાધીન બુલેટ ટ્રેન બ્રિજનું કામચલાઉ માળખું ધરાશાયી થઈ ગયું, જેમાં ત્રણ કામદારોના મોત થયા અને એક ઘાયલ થયો. આ એક રાષ્ટ્રીય મહત્ત્વના પ્રોજેક્ટમાં પણ સુરક્ષા અને ગુણવત્તાના પ્રશ્નો ઊભા થયા.
આ પણ વાંચોઃ રાજ્યની 8 મોટી દુર્ઘટના, જેમાં સરકારના 'કડક પગલાં' માત્ર કાગળ પર જ રહ્યા
બોડેલી-છોટાઉદેપુર પુલ (28 ઑગસ્ટ 2024):
ભારે વરસાદને કારણે બોડેલી અને છોટાઉદેપુરને જોડતો લગભગ 50 વર્ષ જૂનો પુલ તૂટી પડ્યો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ચોટીલાના હબિયાસર ગામ પાસેનો પુલ ધરાશાયી (27 ઑગસ્ટ 2024):
સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં ભારે વરસાદને કારણે હબિયાસર ગામ પાસેનો પુલ ધરાશાયી થયો. આ પુલ 5થી વધુ ગામોને જોડતો હતો. આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.
મોરબીના હળવદમાં પુલ ધરાશાયી (26 ઑગસ્ટ 2024):
મોરબીના હળવદમાં માત્ર એક જ વર્ષ પહેલાં બનાવવામાં આવેલો પુલ ભારે વરસાદમાં ધરાશાયી થયો. નવા કોયબાથી જૂના કોયબાને જોડતો આ પુલ પણ નબળી ગુણવત્તાનું ઉદાહરણ બન્યો.
સુરત શહેરમાં ઉદ્ઘાટન પહેલાં જ નમી ગયો મેટ્રોનો પુલ (30 જુલાઈ 2024):
સુરત શહેરનાં સારોલી વિસ્તારમાં મેટ્રો ફ્લાયઓવરનો એક ભાગ ઉદ્ઘાટન થાય તે પહેલાં જ ક્ષતિગ્રસ્ત થઈને નમી ગયો હતો અને બ્રિજના સ્લેબમાં તિરાડ પણ પડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
આ પણ વાંચોઃ વડોદરા ગંભીરા બ્રિજ અકસ્માત: સાત કલાક પછી પણ અનેક લોકોની ભાળ મળી નથી
મહેસાણાના આંબેડકર બ્રિજમાં ગાબડું (14 ફેબ્રુઆરી 2024):
મહેસાણામાં આવેલો આંબેડકર બ્રિજનો એક ભાગ બેસી ગયો. આ બ્રિજના સમારકામ માટે તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેને અવગણવામાં આવી હતી.
પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ તૂટી પડ્યો (23 ઓક્ટોબર 2023):
પાલનપુર આરટીઓ સર્કલ નજીક નિર્માણાધીન ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડ્યો, જેમાં એક રિક્ષાચાલક સહિત ત્રણ વ્યક્તિ કાટમાળમાં દટાયા અને રિક્ષાચાલકનું મોત થયું હતું.
ખેડા જિલ્લાના બામણગામથી પરિએજને જોડતો બ્રિજ ધરાશાયી (4 ઑક્ટોબર 2023):
ખેડા જિલ્લાના પરિએજથી બામણ ગામને જોડતો કેનાલ પરનો બ્રિજ ધરાશાયી થયો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ બ્રિજ લાંબા સમયથી જર્જરિત હતો.
ધંધુસરનો 45 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી (5 જુલાઈ 2023):
ઉબેણ નદી પર આવેલો ધંધુસરનો 45 વર્ષ જૂનો બ્રિજ તૂટી પડ્યો. આ બ્રિજ આસપાસના 20 ગામના લોકો માટે જૂનાગઢ જવા માટેનો એકમાત્ર રસ્તો હતો.
મોરબીનો ઝૂલતો પુલ દુર્ઘટના (30 ઓક્ટોબર 2022):
મોરબી શહેરમાં મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડ્યો, જેના કારણે ઓછામાં ઓછા 141 લોકોના મોત થયા. સમારકામ બાદ ખુલ્લો મૂકાયાના માત્ર ચાર દિવસમાં જ આ દુર્ઘટના બની, જે પુલની જાળવણી અને સુરક્ષા નિયમોના ભંગનું સૌથી મોટું ઉદાહરણ છે.
રાજકોટના માધાપર ચોકડી પાસે બ્રિજ ધરાશાયી (25 જાન્યુઆરી 2022):
રાજકોટમાં દોઢસો ફૂટ રીંગરોડ પર માધાપર ચોક ખાતે બની રહેલા બ્રિજના કામ દરમિયાન એક પિયર (મોટા કદનો પીલર) ઉપર કોંક્રિટની કેપની કામગીરી ચાલુ હતી ત્યાં તે ધસી પડ્યો, જેમાં બે શ્રમિકો ઈજાગ્રસ્ત થયા.
આ પણ વાંચોઃ અમરેલીમાં ખાખીને લજવતો વધુ એક કેસઃ પોલીસકર્મી પર મહિલાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ
મુમતપુરા બ્રિજનો એક સ્પાન પડ્યો (21 ડિસેમ્બર 2021):
અમદાવાદના મુમતપુરા બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો. રિપોર્ટમાં પ્રોજેક્ટ કંપની રણજિત બિલ્ડકોન સામે સવાલો ઊભા કરાયા હતા.
મહેસાણા બાયપાસ હાઈવે પરનો બ્રિજ બેન્ડ થઈ ગયો (24 જાન્યુઆરી 2020):
મહેસાણા બાયપાસ હાઈવે પરનો ખારી નદી પરનો બ્રિજ માત્ર 6 વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હોવા છતાં બેન્ડ થઈ ગયો.
રાજકોટ જિલ્લાના આજીડેમ ચોકડી પાસે પુલ તૂટી પડ્યો (2020):
રાજકોટ જિલ્લામાં આજીડેમ ચોકડી પાસે પણ પુલ તૂટી પડવાની દુર્ઘટના બની હતી.
સુરતમાં પીપોદ ફ્લાયઓવર બ્રિજ (2019):
આ વર્ષે સુરતમાં પીપોદ ફ્લાયઓવર બ્રિજ પણ દુર્ઘટનાનો શિકાર બન્યો હતો.
અમદાવાદનો હાટકેશ્વર પુલ (બાંધકામ 2017, ક્ષતિગ્રસ્ત 2021-22):
2017માં રૂ. 40 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રાકોન દ્વારા 100 વર્ષના આયુષ્ય સાથે બનાવેલો હાટકેશ્વર બ્રિજ માત્ર ચાર વર્ષથી પણ ઓછા સમયમાં ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને તેને તોડી પાડવા માટે ટેન્ડર બહાર પાડવું પડ્યું હતું.
દમણગંગા પુલ દુર્ઘટના (28 ઓગસ્ટ 2003)
આ યાદી છેલ્લાં પાંચ વર્ષની હોવા છતાં, ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણની વાત કરવી જરૂરી છે, કેમકે ઇતિહાસની સૌથી કરુણ બ્રિજ દુર્ઘટનાઓમાંની એક દમણગંગા પુલ દુર્ઘટના પણ છે, જેને ભૂલી શકાય નહીં. આ દુર્ઘટનામાં 30 લોકો માર્યા ગયા હતા, જેમાંથી 28 શાળાના બાળકો હતા. આ ઘટનાના 18 વર્ષ બાદ તેના ચુકાદામાં જવાબદાર સરકારી અધિકારીઓ સહિત 3 આરોપીઓને દોષિત જાહેર કરી 2 વર્ષની સજાનો હુકમ સંભળાવ્યો હતો.
'વિકાસ'ના નામે ભ્રષ્ટાચાર અને બેદરકારીનું પુનરાવર્તન
છેલ્લાં પાંચ વર્ષમાં ઉપરાઉપરી બ્રિજ ધરાશાયી થવાની આ ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર જે "વિકાસ"ના દાવા કરે છે, તેની જાળવણી અને ગુણવત્તા પર કેટલું ધ્યાન અપાય છે. ભ્રષ્ટાચાર અને તંત્રની બેદરકારીને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, અને અનેક પરિવારોએ પોતાના વ્હાલસોયા ગુમાવ્યા છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે, સરકાર ફક્ત સહાયની રકમ ફાળવીને ફરી આ નાગરિકોને જીવના જોખમે જીવવા માટે છોડી દે છે, જ્યારે જવાબદારી નક્કી થતી નથી અને ગુણવત્તા નિયંત્રણના માપદંડો હજુ પણ કાગળ પર જ રહે છે.