અમરેલીમાં ખાખીને લજવતો વધુ એક કેસઃ પોલીસકર્મી પર મહિલાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ

શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, અમરેલીના રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનમાં એક પોલીસ કર્મચારી સામે જ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિક્રમ ડાભી નામના પોલીસ કોન્સ્ટેબલ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે. આશરે 5 વર્ષ પહેલાં તેઓ ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. એક કેસને લઈને તપાસના કામે ગયેલા આ પોલીસકર્મી એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા. પોલીસકર્મીએ આ મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલાએ પોલીસ ફરિયાદમાં પોલીસકર્મી દ્વારા મૂંઢ માર માર્યા હોવાની પણ ફરિયાદ કરી છે.
આ પણ વાંચોઃ વડોદરામાં જુના પાણીગેટ પોલીસ સ્ટેશનથી હરણ ખાનના રોડ પરના દબાણો તોડવાનું શરૂ
હાલ, ડુંગર પોલીસે મહિલાના આરોપોના આધારે પોલીસકર્મી વિક્રમ ડાભી સામે દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો છે. જોકે, હજુ સુધી પોલીસકર્મી પકડાયો નથી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને પોલીસકર્મીને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પહેલાં પણ બે પોલીસકર્મી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
નોંધનીય છે કે, છેલ્લાં બે મહિનામાં આ ત્રીજો એવો કેસ છે, જ્યાં પોલીસ કર્મચારીની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. ચોથી જૂને અમરેલીમાં એક 14 વર્ષીય સગીરાએ એક પોલીસકર્મી પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. જે મામલે બાબરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ પર અપહરણ, દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. સગીરાએ આરોપી પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ પર આરોપ લગાવ્યો હતો કે, પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ છેલ્લા 4 મહિનાથી સગીરાને શારીરિક અપડલાં કરતો હતો. તેમજ તેની સાથે દુષ્કર્મ આચરતો હતો.
30 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ
ચોથી જૂને જ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહેશ સોલંકી નામના પોલીસ કર્મચારી વિરુદ્ધ 30 વર્ષીય મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, મહેશ સોલંકીએ લગ્નની લાલચ આપીને તેની સાથે બળજબરીપૂર્વક અને અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.
કાયદો અને વ્યવસ્થા પર ઊભા થયા પ્રશ્નો
છેલ્લાં બે મહિનામાં પોલીસ સામે દાખલ થતી આ ફરિયાદો ગુજરાતમાં મહિલા સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઊભા કરે છે. જો નાગરિકોના રક્ષણની જવાબદારી સંભાળનાર પોલીસ ભક્ષક બની જશે તો જનતા ક્યાં જશે? આ સિવાય આવા કેસો ગુજરાત પોલીસની કામગીરીનું શ્રેય લેતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી માટે પણ મોટા પ્રશ્નો ઊભા કરે છે. જો તેમના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવ્સથાનું સુકાન સંભાળનારી પોલીસ મહિલાઓ માટે અસુરક્ષિત સાબિત થાય છે, તો તેની જવાબદારી કોણ લેશે? શું આ અંગે ગૃહ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવશે?