Get The App

ગુજરાતની 8 મોટી દુર્ઘટના, જેમાં સરકારના 'કડક પગલાં' માત્ર કાગળ પર જ રહ્યા

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતની 8 મોટી દુર્ઘટના, જેમાં સરકારના 'કડક પગલાં' માત્ર કાગળ પર જ રહ્યા 1 - image


Gujarat Major Disasters: ગુજરાતમાં અવારનવાર મોટી દુર્ઘટનાઓ બનતી રહે છે અને કમનસીબે દર વખતે તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે આવે છે. જે અકસ્માતોને સહેલાઈથી ટાળી શકાયા હોત તેવી ઘટનાઓમાં પણ "કડક કાર્યવાહી" અને "કડક પગલાં" લેવાની ખાતરી સિવાય કશું મળતું નથી. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેવા વચનો આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા જુદી જ હોય છે.

ભૂતકાળની મોટી દુર્ઘટનાઓ અને તંત્રના 'કડક પગલાં'

ચાલો, ગંભીરા બ્રિજ દુર્ઘટના પહેલાં બનેલી કેટલીક મોટી ઘટનાઓ પર નજર કરીએ, જ્યાં તંત્રએ કડક પગલાં લેવાના આદેશ આપ્યા હતા:

કાંકરિયા રાઈડ દુર્ઘટના (2019): 

અમદાવાદના કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં જોયરાઈડ તૂટી પડતાં કેટલાક લોકોના મોત થયા હતા અને ઘણા ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં રાઈડની જાળવણી અને સુરક્ષા ધોરણો પર ગંભીર સવાલો ઉઠ્યા હતા. તે સમયે પણ જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ વડોદરા ગંભીરા બ્રિજ અકસ્માત: સાત કલાક પછી પણ અનેક લોકોની ભાળ મળી નથી

સુરત તક્ષશિલા આગકાંડ (2019): 

સુરતની તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 વિદ્યાર્થીઓના કરૂણ મોત થયા હતા. આ ઘટનામાં ઇમારતમાં ફાયર સેફ્ટીના નિયમોનો સરેઆમ ભંગ થયો હતો. આ આગકાંડ બાદ પણ ફાયર સેફ્ટીના નિયમોના કડક અમલની વાતો થઈ હતી.

ભરૂચ હોસ્પિટલ આગકાંડ (2021) 

ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ, જે કોવિડ-19ના દર્દીઓ માટે સમર્પિત હોસ્પિટલ હતી. આ આગમાં ઓછામાં ઓછા 16 કોવિડ-19 દર્દીઓ અને 2 નર્સો સહિત કુલ 18 લોકોના કરૂણ મોત થયા હતા. આગ હોસ્પિટલના COVID-19 વોર્ડમાં લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટપણે જાહેર કરવામાં આવ્યું ન હતું, પરંતુ ફાયર સેફ્ટીના નિયમો અને ઇલેક્ટ્રિકલ ખામીઓ પર સવાલો ઉઠ્યા હતા. આ ઘટના બાદ રાજ્યભરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ઓડિટ અને કડક નિયમોના પાલન માટે આદેશો આપવામાં આવ્યા હતા.


અમદાવાદ શ્રેય હોસ્પિટલ આગકાંડ (2020): 

કોવિડ મહામારી દરમિયાન ભરૂચ અને અમદાવાદની હોસ્પિટલોમાં આગ લાગવાથી દર્દીઓના મોત થયા હતા. આ ઘટનાઓએ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની ખામીઓને ઉજાગર કરી હતી, અને બંને કિસ્સામાં તપાસ અને કાર્યવાહીના આદેશ અપાયા હતા.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના (2022): 

મોરબીમાં મચ્છુ નદી પરનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતાં 130થી વધુ લોકોના મોત થયા હતા, જે એક ભયાવહ દુર્ઘટના હતી. પુલના સમારકામ અને જાળવણીમાં વ્યાપક બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી હતી. આ દુર્ઘટના બાદ પણ મોટા પાયે તપાસ અને કડક કાર્યવાહીના આદેશ અપાયા હતા.

વડોદરા હરણી બોટ કાંડ (2024): 

વડોદરાના હરણી તળાવમાં શાળાના બાળકોને લઈ જતી બોટ પલટી જતાં ઘણા માસૂમ બાળકો અને શિક્ષકોના મોત થયા હતા. બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો બેસાડવા, લાઈફ જેકેટનો અભાવ અને સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હતું. આ મામલે પણ સરકારે કડક પગલાં લેવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં સમિતિની સ્કુલની બહાર કચરાના ઢગલા, પાલિકાની ગંભીર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ખતરો

રાજકોટ ગેમઝોન દુર્ઘટના (2024): 

રાજકોટના એક ટીઆરપી ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 30થી વધુ લોકોના જીવ ગયા હતા. આ ગેમઝોન ગેરકાયદેસર રીતે ચાલતો હોવાનું અને ફાયર સેફ્ટીના કોઈ જ નિયમોનું પાલન ન કરતો હોવાનું બહાર આવ્યું હતું. આ દુર્ઘટના બાદ પણ રાજ્યભરના ગેમઝોન અને આવા સ્થળો પર કડક કાર્યવાહીના આદેશ અપાયા છે.

મહીસાગર નદી પર ગંભીરા બ્રિજ દુર્ઘટના (જુલાઈ 2025): 

વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 10થી વધુ લોકોના મોત થયા અને અનેક વાહનો નદીમાં ખાબક્યા. આ બ્રિજની જાળવણી અને ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે, અને ફરી એકવાર 'કડક પગલાં' લેવાની વાત થઈ રહી છે.

શું 'કડક પગલાં' માત્ર કાગળ પર જ રહે છે?

આ તમામ દુર્ઘટનાઓમાં એક પેટર્ન જોવા મળે છે. ઘટના બને છે, તંત્ર ઊંઘતું ઝડપાય છે, લાશો ઢગલાબંધ પડે છે, વિપક્ષ પ્રહારો કરે છે, અને છેવટે સરકાર દ્વારા "કડક કાર્યવાહી" અને "ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી" જેવા આશ્વાસનો આપવામાં આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે શું ખરેખર આ કડક પગલાં લેવાય છે? શું જવાબદારોને કાયમી ધોરણે સજા મળે છે? અને સૌથી અગત્યનું, શું આ ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ લઈને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે નક્કર પગલાં લેવાય છે? આશા રાખીએ કે ગંભીરા બ્રિજ દુર્ઘટના ઓછામાં ઓછું તંત્રને જગાડે અને ગુજરાત ફરી ક્યારેય આવી ભયાવહ ઘટનાઓનો સાક્ષી ન બને.

Tags :