Get The App

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, 1536 ફોર્મ પરત ખેંચાયા, 11344 ઉમેદવારોના ફોર્મ રદ

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, 1536 ફોર્મ પરત ખેંચાયા, 11344 ઉમેદવારોના ફોર્મ રદ 1 - image


Gujarat Local Body Election 2026: ગુજરાતમાં આગામી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હવે 26,196 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. જણાવી દઈએ કે, 1536 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, 11,344 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે, 313 ઉમેદવારો બિનહરીફ થયા છે.

કુલ 1536 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા સામે આવ્યું છે કે રાજ્યભરમાંથી કુલ 1536 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. સૌથી વધુ તાલુકા પંચાયતમાં 773 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, જ્યારે મહાનગરપાલિકામાં 124 ઉમેદવારો ચૂંટણી જંગમાંથી બહાર નીકળ્યા છે.

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, 1536 ફોર્મ પરત ખેંચાયા, 11344 ઉમેદવારોના ફોર્મ રદ 2 - image
તા.15 એપ્રિલ 2026, 8:00 PM વાગ્યા સુધીના આંકડા

313 બેઠકો પર બિનહરીફ વરણી

આ વખતની ચૂંટણીમાં રસપ્રદ વાત એ છે કે કુલ 313 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જેમાં સૌથી વધુ નગરપાલિકામાં 276 બેઠકો પર કોઈ જંગ ખેલાશે નહીં. જોકે, જિલ્લા અને તાલુકા પંચાયતમાં એક પણ બેઠક બિનહરીફ થઈ નથી, જે દર્શાવે છે કે ગ્રામીણ સ્તરે રસાકસી ભારે રહેવાની છે.

26,196 ઉમેદવારો વચ્ચે જામશે ખરાખરીનો જંગ

ફોર્મ પરત ખેંચાયા અને બિનહરીફ બેઠકો બાદ હવે રાજ્યમાં કુલ 26,196 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 26 એપ્રિલે યોજાનાર મતદાનમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતાધિકારનો ઉપયોગ થશે.

ઉલ્લેખનીય છે કે આ વખતની ચૂંટણીમાં ઓબીસી (OBC) અનામત બેઠકોના નવા રોટેશન મુજબ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તમામ બેઠકોનું પરિણામ ૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવશે.