Get The App

મનપા અને નપાના પરિણામ: અમદાવાદ, સુરત સહિત તમામ 15 મનપામાં ભાજપની જીત, નપામાં પણ દબદબો

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
મનપા અને નપાના પરિણામ: અમદાવાદ, સુરત સહિત તમામ 15 મનપામાં ભાજપની જીત, નપામાં પણ દબદબો 1 - image

Gujarat Local Body Election Results: ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાજ્યભરમાં પ્રચંડ જીત મેળવી છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 10,005 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. ગત 26 એપ્રિલે થયેલા 57 ટકા મતદાન બાદ આજે(28 એપ્રિલ) આવેલા પરિણામોમાં તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપે 'ક્લીન સ્વીપ' કરીને વિરોધ પક્ષોને પરાસ્ત કર્યા છે. નગરપાલિકાઓના પરિણામોમાં પણ ભાજપે વિજયી કૂચ જાળવી રાખી છે. 84 નગરપાલિકાઓમાંથી ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે મોટાભાગની નગરપાલિકાઓ પર કબજો જમાવ્યો છે.

Read in English | Live: Congress opens account in Mehsana, BJP leads on 580 seats in Municipal corporation elections

 મહાનગરપાલિકાના પરિણામ 

મહાનગરપાલિકાની આ બેઠકો પર ભાજપની ક્લીન સ્વીપ 

ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો અનેક મહાનગરપાલિકાઓમાં ભાજપે વિપક્ષને એક પણ બેઠક જીતવા દીધી નથી. મોરબી, પોરબંદર, મહાનગરપાલિકામાં ભાજપે તમામ 52-52 બેઠકો પર વિજય મેળવીને ઈતિહાસ રચ્યો છે. તેવી જ રીતે નડીયાદમાં પણ તમામ બેઠકો પર ભગવો લહેરાયો છે. સુરેન્દ્રનગરમાં 52 માંથી 51 બેઠકો અને નવસારીમાં 52 માંથી 50 બેઠકો જીતીને ભાજપે વિપક્ષના સૂપડાં સાફ કરી દીધા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) માટે આ પરિણામો રકાસ સમાન સાબિત થયા છે, જ્યાં મોટાભાગની પાલિકાઓમાં વિપક્ષને બે આંકડા સુધી પહોંચવામાં પણ ફાંફા પડ્યા છે.

અન્ય બેઠકો પર પણ ભાજપની સ્પષ્ટ બહુમતી

રાજ્યના મોટા શહેરોમાં પણ ભાજપનો વિજય રથ અવિરત રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકોમાંથી 158 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે કોંગ્રેસ માત્ર 32 બેઠકો પર સમેટાઈ ગઈ છે. સુરતમાં 120 માંથી 115 બેઠકો ભાજપે જીતી છે. આ ઉપરાંત રાજકોટ (65 બેઠકો), વડોદરા (67 બેઠકો) અને જામનગર (59 બેઠકો)માં પણ ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે.

બિનહરીફ બેઠકોનો દબદબો

કુલ 1044 બેઠકોમાં જોવા મળ્યું છે કે 43 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. સૌથી વધુ બિનહરીફ બેઠકો કરમસદ-આણંદ (12) અને પોરબંદર (11)માં જોવા મળી છે. કુલ 1001 ચૂંટાયેલી બેઠકોમાંથી 894 બેઠકો સાથે ભાજપ મોખરે છે, જ્યારે કોંગ્રેસ માત્ર 95 બેઠકો મેળવી શકી છે. અપક્ષ અને અન્ય ફાળે માત્ર 12 બેઠકો આવી છે.

વિપક્ષનું નબળું પ્રદર્શન અને અન્યની સ્થિતિ

ગાંધીધામ અને વાપી જેવી મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસે 11-11 બેઠકો મેળવીને થોડો સંઘર્ષ બતાવ્યો છે, પરંતુ તે સત્તા મેળવવા માટે અપૂરતો છે. જામનગર અને સુરત જેવી બેઠકો પર 'અન્ય' પક્ષોએ 2 થી 5 બેઠકો મેળવીને પોતાની હાજરી નોંધાવી છે. અપક્ષ ઉમેદવારો માત્ર કરમસદ-આણંદ અને વડોદરામાં 1-1 બેઠક જીતવામાં સફળ રહ્યા છે. આ ચૂંટણી પરિણામોએ ગુજરાતમાં ભાજપની પકડ વધુ મજબૂત કરી છે અને વિપક્ષ માટે આત્મમંથનનો સમય લાવી દીધો છે.

 નગરપાલિકાના પરિણામ 

નગરપાલિકા ચૂંટણીમાં પણ ભાજપનું પ્રભુત્વ: અનેક બેઠકો પર ક્લીન સ્વીપ

નવસારી નગરપાલિકામાં ભાજપે તમામ 24 બેઠકો કબજે કરીને વિપક્ષના સૂપડા સાફ કરી દીધા છે. તેવી જ રીતે રાજકોટ નગરપાલિકામાં પણ 44 માંથી 44 બેઠકો મેળવી અને નવસારી નગરપાલિકામાં 24 માંથી 24 બેઠકો મેળવીને ભાજપે શાનદાર ક્લીન સ્વીપ કર્યું છે. આ પરિણામો દર્શાવે છે કે શહેરોમાં ભાજપ સામે વિપક્ષી મોરચો સાવ નબળો સાબિત થયો છે.

મોટાભાગની નગરપાલિકાઓમાં ભાજપને સ્પષ્ટ બહુમતી

રાજ્યની મહત્વની નગરપાલિકાઓમાં ભાજપે ભવ્ય બહુમતી હાંસલ કરી છે. આણંદમાં 184 માંથી 105 બેઠકો, અમરેલીમાં 184 માંથી 128 બેઠકો અને કચ્છમાં 172 માંથી 119 બેઠકો જીતીને ભાજપે સત્તા કબજે કરી છે. ગીર સોમનાથ, બોટાદ, સુરત અને મહેસાણા જેવી નગરપાલિકાઓમાં પણ ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી વિજેતા બન્યા છે, જેના કારણે બોર્ડ બનાવવાનો માર્ગ મોકળો થયો છે.

જામનગર અને આણંદમાં વિપક્ષનો સંઘર્ષ: આ બેઠકો પર ભાજપની હાર

નગરપાલિકાઓના પરિણામોમાં કેટલીક જગ્યાએ ભાજપે હારનો સ્વાદ પણ ચાખવો પડ્યો છે. જામનગર નગરપાલિકામાં 28 બેઠકોમાંથી કોંગ્રેસે 16 બેઠકો મેળવીને જીત હાંસલ કરી છે, જ્યારે ભાજપ માત્ર 9 બેઠકો પર અટકી ગયું છે. આ ઉપરાંત ખેડા, આણંદ અને પંચમહાલમાં અપક્ષ ઉમેદવારોએ પણ ભાજપના રથને રોકવામાં સફળતા મેળવી છે. ખાસ કરીને પાટણમાં 31 અને ખેડામાં 20 અપક્ષ ઉમેદવારોની જીત ચર્ચાનો વિષય બની છે.

રેકોર્ડબ્રેક બિનહરીફ બેઠકો અને અન્ય પક્ષોની સ્થિતિ

નગરપાલિકાની કુલ 2624 બેઠકોમાંથી 385 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેમાંથી 370 બેઠકો એકલા ભાજપના ફાળે ગઈ છે. સૌથી વધુ બિનહરીફ બેઠકો મહેસાણા (62) અને સુરેન્દ્રનગર (28)માં જોવા મળી છે. અન્ય પક્ષોની વાત કરીએ તો, અમરેલીમાં 11 અને અમદાવાદમાં 8 બેઠકો પર અન્ય પક્ષોના ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે કોંગ્રેસ ભરૂચ (47) અને કચ્છ (35) જેવી બેઠકો પર પોતાની આબરૂ બચાવવામાં સફળ રહી છે.

મહાનગરપાલિકાના વિગતવાર આંકડા 

નગરપાલિકાના વિગતવાર આંકડા 

 Gujarat Local Body Election Results Updates 

અમદાવાદ મનપા, નપા, જિ.પં. અને તા.પં.નું સંપૂર્ણ પરિણામ
મનપા અને નપાના પરિણામ: અમદાવાદ, સુરત સહિત તમામ 15 મનપામાં ભાજપની જીત, નપામાં પણ દબદબો 2 - image

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન: ભાજપનો દબદબો યથાવત, કોંગ્રેસના દેખાવમાં સુધારો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 192 બેઠકોના જાહેર થયેલા પરિણામોમાં સત્તાધારી પક્ષ ભાજપે 160 બેઠકો સાથે પોતાનો ગઢ મજબૂત રાખ્યો છે, જે ગત ટર્મની સરખામણીએ 1 બેઠકનો વધારો દર્શાવે છે. બીજી તરફ, મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસે 32 બેઠકો મેળવીને ગત પરિણામો કરતા 7 બેઠકોનો ફાયદો મેળવ્યો છે, જે ગત વર્ષની દ્રષ્ટિએ થોડું સારું પરિણામ સૂચવે છે. જો કે આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર નાના પક્ષોમાં જોવા મળ્યો છે, જેમાં AIMIMનો સંપૂર્ણ સફાયો થયો છે.

પંચમહાલ: કુલ 2 નગરપાલિકાઓની 72 બેઠકોનું ફાઈનલ પરિણામ, શહેરા નપામાં ભાજપનો વ્હાઈટ વોશ, તમામ 28 બેઠકો જીતી

1. ગોધરા નગર પાલિકા

કુલ 11 વોર્ડ ની 44 બેઠકો

ભાજપ: 27

અપક્ષ: 17

કોંગ્રેસ: 00

આપ: 00

2. શહેરા નગર પાલિકા

કુલ 7 વોર્ડની 28 બેઠકો

ભાજપ: 28

કોંગ્રેસ: 00

આપ: 00

અપક્ષ: 00

સુરત મનપા વિપક્ષ વિહોણી રહેશે

સુરતમાં 1995 બાદ પ્રથમ વખત વિપક્ષ નેતાનું પદ ખાલી રહેશે. સુરત પાલિકાની 120 બેઠકમાંથી ભાજપને ફાળે 115 આપ ને 4 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. પાલિકામાં સત્તાવાર રીતે વિપક્ષને સ્થાન મળે તે માટે સાત બેઠક જરુરી છે પરંતુ બે પક્ષ મળીને પણ સાત બેઠક થઈ શકે તેમ નથી. તેથી પાલિકા કચેરી 1995 પછી ફરી એક વાર વિપક્ષી કેબિન વિનાની જોવા મળશે એટલું જ નહી પરંતુ વિપક્ષી નેતા ન હોવાથી વિપક્ષને ગાડી કે ફોન પણ મળી શકશે નહીં.

અમરેલી જિલ્લા નગરપાલિકા ચૂંટણી પરિણામો

1. બાબરા નગરપાલિકા

કુલ બેઠકો: 24

ભારતીય જનતા પક્ષ (BJP): 22

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC): 02

2. ધારી નગરપાલિકા

કુલ બેઠકો: 28

ભારતીય જનતા પાર્ટી (BJP): 22 (18 ચૂંટાયેલ + 04 બિનહરીફ)

આમ આદમી પાર્ટી (AAP): 06

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC): 0

3. અમરેલી નગરપાલિકા

કુલ બેઠકો: 44

ભારતીય જનતા પક્ષ (BJP): 30 (27 ચૂંટાયેલ + 03 બિનહરીફ)

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC): 13

અન્ય: 01

4. બગસરા નગરપાલિકા

કુલ બેઠકો: 28

ભારતીય જનતા પાર્ટી (BJP): 22

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC): 06

5. દામનગર નગરપાલિકા

કુલ બેઠકો: 24

ભારતીય જનતા પાર્ટી (BJP): 17 (14 ચૂંટાયેલ + 03 બિનહરીફ)

આમ આદમી પાર્ટી (AAP): 05

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC): 02

વડોદરામાં 3 નગરપાલિકા પર ભાજપને બહુમત જ્યારે 1 પર (ડભોઇ) કોંગ્રેસે બાજી મારી

મનપા અને નપાના પરિણામ: અમદાવાદ, સુરત સહિત તમામ 15 મનપામાં ભાજપની જીત, નપામાં પણ દબદબો 3 - image


શાહપુર વોર્ડનું પરિણામ

રશ્મિબેન દિપકભાઇ શાહ, ભારતીય જનતા પાર્ટી, 18574 મત મળ્યા

રેખાબેન બધાજી ચૌહાણ, ભારતીય જનતા પાર્ટી, 18515 મત મળ્યા

જીતેન્દ્રકુમાર ચુનીલાલ ચૌહાણ, ભારતીય જનતા પાર્ટી, 19000 મત મળ્યા

હિતેન્દ્ર બાબુભાઇ પરમાર, ભારતીય જનતા પાર્ટી, 17527 મત મળ્યા

ગોધરા નગરપાલિકામાં પ્રથમ વાર ભાજપની પૂર્ણ સત્તા

કુલ 11 વોર્ડના 44 ઉમેદવાર પૈકી 27 પર ભાજપના ઉમેદવાર જીત્યા, જયારે 17 પર અપક્ષનો વિજય, કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્યું, ગોધરા નગરપાલિકા પર સ્પષ્ટ બહુમતી સાથે ભાજપે પ્રથમ વાર સત્તા હાંસલ કરી

લાંભા વોર્ડમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના જાહેર થયેલા પરિણામો અનુસાર લાંભા અને દાણીલીમડા વોર્ડનું ચિત્ર સ્પષ્ટ થયું છે. આ પરિણામો મુજબ, લાંભા વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે; જેમાં અંજુ વિલાસ ઠાકોર 20,273 મતે, રાહુલભાઈ સતીષભાઈ ભરવાડ 19,498 મતે, ચાંદની તેજસ પટેલ 17,151 મતે અને ચન્દ્રકાન્ત ધીરજલાલ જોશી 16,765 મતે ચૂંટાઈ આવ્યા છે. 

દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસનો દબદબો

જ્યારે બીજી તરફ, દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો સંપૂર્ણ દબદબો જોવા મળ્યો છે. દાણીલીમડામાંથી શેહઝાદખાન નાસીરખાન પઠાણ 31,314 મતે, તસલીમબાનુ મોહંમદ ઇમરાન મકરાણી 31,285 મતે, મનોજભાઇ ખીમજીભાઇ રેવર 30,838 મતે તથા હીના મહેશભાઇ પરમાર 30,538 મતે વિજયી ઘોષિત થયા છે. આમ, લાંભામાં ભાજપ અને દાણીલીમડામાં કોંગ્રેસે પોતાની પેનલ સાથે જંગી મતોથી જીત હાંસલ કરી છે.


નવસારી મનપામાં કેસરીયો

નવસારી મનપાની પ્રથમ ચૂંટણીમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું છે. 52માંથી 50 બેઠક પર કબજો કર્યો છે. જ્યારે કોંગ્રેસે માત્ર 2 બેઠકથી સંતોષ રાખવો પડ્યો છે.

વડોદરા: વોર્ડ નં.1માં 31 મતનો તફાવત : કોંગ્રેસની રિકાઉન્ટિંગની માગ, હાઈકોર્ટ જવાની તૈયારી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 2026ની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં માત્ર 31 મતના તફાવતે રાજકીય ગરમાવો વધી ગયો છે. સામાન્ય બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર પુષ્પાબેન વાઘેલાને 13,341 મત મળ્યા હતા, જ્યારે અપક્ષ ઉમેદવાર હરીશ પટેલે 13,372 મત મેળવી માત્ર 31 મતે જીત નોંધાવી છે. આ પરિણામ બાદ કોંગ્રેસે ફરીથી મતગણતરી (રિકાઉન્ટિંગ) કરવાની માગ ઉઠાવી છે. પક્ષના મતે જો પુષ્પાબેનને 31 કરતા વધુ મતો મળે તો તેઓ આ બેઠક પર વિજેતા જાહેર થઈ શકે છે.

બીજી તરફ, સામાન્ય મહિલા બેઠક પર કોંગ્રેસના અમી રાવતને 11,920 મત મળ્યા છે, જ્યારે ભાજપના શ્વેતા શાહને 10,785 મત મળ્યા છે; એટલે કે અમી રાવત 1,000થી વધુ મતોની સરસાઈ ધરાવે છે. કોંગ્રેસનું ગણિત એવું છે કે જો રિકાઉન્ટિંગમાં પુષ્પાબેન વાઘેલાનો વિજય થાય તો અમી રાવતની લીડ સાથે કોંગ્રેસને વોર્ડ નં. 1માં સીધી બે બેઠકો મળી શકે. આ સમગ્ર મામલે કોંગ્રેસે હવે હાઈકોર્ટમાં રિકાઉન્ટિંગ માટે પિટિશન દાખલ કરવાની તૈયારી દર્શાવી છે.

રાજપીપળાના ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસના સૂપડાં સાફ 

રાજપીપળા નગરપાલિકાની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. રાજપીપળા નગરપાલિકામાં કમળ છવાયું છે. ભાજપે અહીં ઐતિહાસિક જીત મેળવી હતી. ભાજપને 28માંથી 25 બેઠક જીતી. જ્યારે 3 બેઠક અપક્ષના ફાળે. જ્યારે કોંગ્રેસ અને આપના સુપડા સાફ. ભાજપે પાલિકાની સ્થાપના બાદ પ્રથમ વખત સૌથી મોટી જીત મેળવી. કોંગ્રેસ 0 પર સમેટાઈ, ઇતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસની સંખ્યા 0 થઈ ગઇ હતી. 

કુલ બેઠક  - 28 

ભાજપ - 2 બિનહરીફ + 23= 25

કોંગ્રેસ -0 

આપ-0 

અપક્ષ- 3

ખાડિયામાં વર્ષો પછી ભાજપનો એક પણ ઉમેદવાર ન જીત્યો 

ખાડિયામાં વર્ષો પછી ભાજપનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી. અહીં કોંગ્રેસની પેનલ જીતી ગઈ છે. કોંગ્રેસની પેનલ 700 વોટના અંતરથી જીતી ગઈ હતી. આ ચારેય ઉમેદવારને મળેલા મત નીચે પ્રમાણે છે. 

ધ્રુવ કલાપી 6376 

બિરજુ ઠક્કર 6331

ઇલિયાસ પઠાણ 6323

મીનાબેન નાયક 6095

કમલમમાં પટાવાળા તરીકે કામ કરતાં રમેશ ભીલ જીત્યા

મહેસાણાના વૉર્ડ નંબર 13માંથી ભાજપ વતી ચૂંટણી લડનારા કમલમના પટાવાળા રમેશ ભીલની જીત થઈ છે.  

વડાલી નગરપાલિકામાં કોંગ્રેસનો પ્રચંડ વિજય

ભાજપના ગઢમાં સૌથી મોટું ગાબડું પડ્યું છે. 24 સીટો પૈકી 20 સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે. વડાલી નગરપાલિકામાં કોંગ્રેસનો પંજો લહેરાયો છે. કાર્યકરો સહિત ટેકેદારોમાં ખુશી વ્યક્ત કરી છે. વડાલી પાલિકામાં 4 સીટ પર ભાજપનો વિજય મેળવ્યો છે.

અમરેલી નગરપાલિકામાં 44 પૈકી 30 બેઠક પર ભાજપની જીત

અમરેલી નગરપાલિકામાં ભગવો લહેરાયો છે. ભાજપે 44 પૈકી 30 બેઠક પર જીત હાંસલ કરી છે.

• સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વૉર્ડ નંબર 23માં ભાજપની પેનલ જીતી

જામ ખંભાળિયા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

જામ ખંભાળિયા નગરપાલિકામાં ભાજપે 36માંથી 30 બેઠકો જીતીને મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. આમ આદમી પાર્ટીએ 5 બેઠકો સાથે ખાતું ખોલાવ્યું જ્યારે 1 બેઠક અપક્ષના ફાળે ગઈ છે. ભાજપે લગભગ વૉર્ડમાં પેનલ વિજય મેળવીને વિરોધ પક્ષોનો સફાયો કર્યો

વડોદરા કોર્પોરેશન ચૂંટણી: વૉર્ડ-1માં કોંગ્રેસનો ગઢ ધરાશાયી, અપક્ષ અને ભાજપનો વિજય

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2026ની ચૂંટણીના પરિણામોમાં વૉર્ડ નંબર 1માં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડતાં ભાજપ અને અપક્ષે મેદાન માર્યું છે. 2021માં આ વૉર્ડમાં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બની હતી, પરંતુ આ વખતે આંતરિક મતભેદો અને ટિકિટ વહેંચણીના વિવાદને કારણે પક્ષે ત્રણ બેઠકો ગુમાવવી પડી છે. આ ચૂંટણીમાં ભાજપના કુંદનબહેન ટેલર (12,535 મત) અને ભુરસીંગ રાઠવા (10,106 મત) વિજેતા થયા છે, જ્યારે કોંગ્રેસમાંથી માત્ર પુષ્પાબહેન વાઘેલા (13,341 મત) પોતાની બેઠક બચાવવામાં સફળ રહ્યા છે. સૌથી મોટો ઉલટફેર કોંગ્રેસના બળવાખોર ઉમેદવાર હરીશ પટેલે સર્જ્યો છે, જેઓ અપક્ષ તરીકે લડીને 13,372 મતોની જંગી લીડ સાથે વિજેતા બન્યા છે. બીજી તરફ, કોંગ્રેસના દિગ્ગજ નેતા અમીબહેન રાવતને 11,920 મત મળવા છતાં પરાજયનો સામનો કરવો પડ્યો છે, જે કોંગ્રેસ માટે મોટો આંચકો ગણાય છે.

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નગરપાલિકામાં ભાજપનો વિજય

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકામાં ભાજપે જંગી બહુમતી સાથે ભવ્ય વિજય નોંધાવ્યો છે અને ફરી એકવાર સત્તા જાળવી રાખી છે. કુલ 36 બેઠકોમાંથી ભાજપે 30 બેઠકો પર જીત મેળવી સ્પષ્ટ પ્રભુત્વ સ્થાપ્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી છે, જ્યારે 1 બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે. આ પરિણામોથી સમગ્ર જિલ્લામાં ભાજપનો દબદબો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે અને વિરોધ પક્ષોને મોટો ઝટકો લાગ્યો છે.

મોરબીમાં ભાજપનું ક્લિન સ્વિપ 

મોરબી મહાનગરપાલિકામાં તમામ 52 બેઠકો પર ભાજપ જીતી ગયો છે. આ સાથે કોંગ્રેસ અને અપક્ષના ખાતામાં એક બેઠક પણ આવી શકી નહોતી. 

વડોદરાના ડભોઈ નપામાં કોંગ્રેસ તો સુરત મનપામાં ભાજપ છવાયો 

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વૉર્ડ નંબર 21માં ભાજપની પેનલ જીતી

વડોદરા જિલ્લાની ડભોઈ નગરપાલિકા કોંગ્રેસે કબજે કરી, કોંગ્રેસ 25 બેઠક ભાજપ 15 બેઠક

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વૉર્ડ નંબર 16માં ભાજપની પેનલ જીતી

કરજણમાં મિયાગામ અને કંડારી બેઠક પર ભાજપનો કબજો

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વૉર્ડ નંબર 26માં ભાજપની પેનલ જીતી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વૉર્ડ નંબર 18માં ભાજપની પેનલ જીતી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 28, 30માં ભાજપની પેનલ જીતી

ઉનામાં ગાયિકા રાજલ બારોટ જીતી 

ઉના ન.પા.ની બેઠક પર ગાયિકા રાજલ બારોટની જીત

સુરતમાં અલ્પેશ કથીરિયાની પત્નીની જીત

સુરત મનપાની વૉર્ડ નં.3 બેઠક પર અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા કથીરિયાની જીત

નવસારી મનપામાં કેસરિયો

નવી મનપા બન્યા બાદ નવસારીમાં પહેલીવાર ચૂંટણીમાં આ વખતે કેસરિયો લહેરાયો છે. 52માંથી 50 બેઠક પર ભાજપે કબજો કર્યો છે. કોંગ્રેસને ફક્ત 2 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.

સુરતમાં આમ આદમી પાર્ટીનું હજું ખાતું નથી ખુલ્યું 

જોકે સુરતમાં ગત વખતની ચૂંટણીમાં સુરતમાં ચમત્કાર કરનાર આમ આદમી પાર્ટી હજી સુધી તેનું ખાતું પણ ખોલાવી શકી નથી. 

સુરતમાં 5 વર્ષે કોંગ્રેસનું ખાતું ખુલ્યું

5 વર્ષ બાદ સુરતમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે. અહીં વૉર્ડ નંબર 12ની બેઠક પર અરશદ ઝરીવાલાનો વિજય થયો છે. 

વાપી મનપામાં આપ-કોંગ્રેસને ઝટકો, અપક્ષની પેનલ જીતી 

વાપીથી આપ અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં એક અપક્ષની પેનલ પણ જીતી ગઈ છે.  

વિરમગામમાં ભાજપને બહુમતી મળી

અમદાવાદ જિલ્લાની રાજકીય રીતે અત્યંત મહત્ત્વની એવી વિરમગામ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી હાંસલ કરી લીધી છે. 36 બેઠકો ધરાવતી આ પાલિકામાં ભાજપે મેજિક ફિગર એટલે કે 19 બેઠકોનો આંકડો પાર કરી લેતાં સત્તામાં વાપસી નિશ્ચિત બની છે. વિરમગામમાં મત ગણતરી શરૂ થાય તે પહેલા જ ભાજપની રણનીતિ સફળ રહી હતી, જેમાં 13 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આજે જ્યારે અન્ય બેઠકોની મત ગણતરી હાથ ધરાઈ, ત્યારે ભાજપે વધુ 6 બેઠકો પર વિજય મેળવીને કુલ 19 બેઠકોનો આંકડો સ્પર્શી લીધો છે.

કોંગ્રેસના ગઢમાં ભાજપની જીત 

કોંગ્રેસનું ગઢ ગણાતી માળિયા મિયાણા નગરપાલિકામાં સમીકરણો બદલાયા છે. અહીં ભાજપે એન્ટ્રી મારી છે. વૉર્ડ 1, 2, 4 અને 6માં તો કોંગ્રેસનું વર્ચસ્વ હતું પણ વૉર્ડ 5માં 3 ભાજપ અને 1 કોંગ્રેસી ઉમેદવાર જીત્યા હતા.

અમદાવાદના બાપુનગર વૉર્ડમાં પેનલ તૂટી 

કોંગ્રેસના બે ઉમેદવારો જીતતા બાપુનગરમાં પેનલ તૂટી હતી. 

સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ

સુરતના વૉર્ડ નંબર 19ના મતદાન કેન્દ્રની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. કોંગ્રેસ નેતા અસલમ સાઇકલવાલાના પુત્રની હાર બાદ ભાજપના કાર્યકરોએ "પંચર.. પંચર.."ની બૂમો પાડી હતી, જેના કારણે મામલો ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી.


ધોળકા નગરપાલિકામાં ભાજપનો કેસરિયો

અમદાવાદ જિલ્લાની ધોળકા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ એકહથ્થુ શાસન સ્થાપિત કર્યું છે. 36 બેઠકો ધરાવતી આ નગરપાલિકામાં ભાજપે બહુમતીનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. ચૂંટણીની મત ગણતરી શરૂ થાય તે પહેલા જ ભાજપે 11 બેઠકો પર બિનહરીફ વિજય મેળવી લીધો હતો. આજે મત ગણતરી દરમિયાન વધુ 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થતાં, પક્ષે કુલ 21 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. હજુ પણ બાકીની બેઠકો માટે મત ગણતરી ચાલુ છે, પરંતુ ભાજપે બહુમતી હાંસલ કરી લેતાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોળકા નગરપાલિકા પર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે અને વિપક્ષી છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે.

શહેરા નગરપાલિકાની 11 બેઠકોની ચૂંટણીમાં ભાજપના તમામ બેઠકોની જીત થઈ

પંચમહાલના શહેરામાં ભાજપે દબદબો બતાવતા તમામ 11 બેઠકો પર કબજો જમાવી લીધો હતો. કોંગ્રેસના હાથમાં એક પણ બેઠક આવી શકી નહોતી.  

વડોદરામાં મત ગણતરી મોડી શરૂ થતાં હોબાળો 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બાદ આજે હાથ ધરાયેલી મત ગણતરીમાં વૉર્ડ નંબર એકમાં ઈવીએમ દ્વારા મત ગણતરી મોડી શરૂ થતાં ઉમેદવારો અને એજન્ટોએ હોબાળો મચાવ્યો હતો. વૉર્ડ નંબર એક, બે અને ત્રણની રૂમ નંબર 25માં મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. કુલ 78 બેલેટ પેપરની ગણતરી એક કલાક સુધી ચાલતા ઉમેદવારો અને એજન્ટોએ હોબાળો મચાવ્યો હતો. સવારે 10:05 વાગ્યે ઈવીએમ આવ્યા બાદ મત ગણતરી શરૂ થઈ હતી.

પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની હાર

આપમાંથી પક્ષપલટો કરીને આવેલા પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી પર હારી ગયા છે. ભેસાણ બેઠક પર તેમની 1500 વોટથી હાર થઈ.  

ગુજરાતમાં સપાની એન્ટ્રી, ખેડાના કઠલાલ નપાના વૉર્ડ નંબર 4માં જીત 

અખિલેશ યાદવની પાર્ટી સમાજવાદી પાર્ટી માટે એક સારા સમાચાર આવ્યા છે. ખેડાના કઠલાલ નગરપાલિકામાં વૉર્ડ નંબર 4માં તેમની પાર્ટીના ઉમેદવારે જીત મેળવી છે. 

નગરપાલિકાઓમાં ભાજપનો દબદબો કાયમ 

વાવ થરાદ નપામાં કેસરિયો, 9માંથી 7 બેઠક જીતી

મહેસાણા મનપાના વૉર્ડ 6માં ભાજપની પેનલ જીતી 

રાજકોટના વૉર્ડ 7 અને 10માં ભાજપની પેનલ જીતી 

કડી નપાના વૉર્ડ 2 અને 5માં કોંગ્રેસના ઉમેદવારો જીત્યા 

નવસારી મનપામાં ભાજપે સપાટો બોલાવ્યો, 50માંથી 14 પર જીત, વિપક્ષનું ખાતું હજુ નથી ખુલ્યું 

સુરતમાં મત ગણતરી કેન્દ્રની બહાર કોંગ્રેસ-ભાજપ કાર્યકરો બાખડ્યા   

શહેરા નગરપાલિકાની 11 બેઠકોની ચૂંટણીમાં ભાજપના તમામ બેઠકોની જીત થઈ

સુરતમાં ઉલટફેરની આશંકા 

સુરતમાં કોંગ્રેસ વૉર્ડ નંબર 19 પર લીડમાં છે. અહીં તેના 3 ઉમેદવારો જીત તરફ આગળ વધી રહ્યા છે. જ્યારે એક બેઠક જ ભાજપને મળતી દેખાઈ રહી છે. 

ગાંધીનગરની મોટી ભોયણી બેઠક પર કોંગ્રેસનો કબજો 

ગાંધીનગરમાં મોટી ભોયણી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબહેન ઠાકોર જીત્યા 

AAPને ઝટકો મનોજ સોરઠિયા હાર્યા 

સુરતમાં આપને મોટો ઝટકો લાગ્યો હતો. અહીં આપ ઉમેદવાર મનોજ સોરઠિયા હારી ગયા છે. 

ભુજ નપામાં AIMIMની એન્ટ્રી 

ભુજથી નપામાં AIMIM એન્ટ્રી થઈ છે. અહીં વૉર્ડ 1માં AIMIMના 3 ઉમેદવારો જીતી ગયા છે. જ્યારે અન્ય 1 બેઠક પર કોંગ્રેસને જીત મળી છે. 

ભાજપનો વિજયરથ આગળ વધ્યો, ઈટાલિયાના ગઢમાં આપ મજબૂત  

બહુચરાજી નપાના વૉર્ડ 1માં ભાજપની જીત 

નવસારી મનપાના વૉર્ડ 9માં ભાજપનો વિજય 

અમદાવાદ મનપાના જોધપુર વૉર્ડમાં ભાજપ વિજયી 

ઈટાલિયાના ગઢ સમાન વિસાવદરમાં આપનો દબદબો 

અમદાવાદના ગોતા વૉર્ડમાં ભાજપને લીડ 

કલોલ નપામાં વૉર્ડ નંબર 1 અને 7માં ભાજપ વિજયી 

ગોંડલ નપાના વૉર્ડ નંબર 2માં ભાજપની જીત 

ધારી નપાના વૉર્ડ 1માં આપનો સપાટો. અહીં ભાજપ એક તો આપ ત્રણ બેઠક જીત્યું.  

રાજકોટમાં વૉર્ડ 16માં કોંગ્રેસની પેનલ જીતી 

રાજકોટ મનપાના ઇતિહાસમાં સૌથી મોટું જંગલેશ્વર ડિમોલિશન બાદ ભાજપને નુકસાન થયું છે. અહીં વૉર્ડ 16માં કોંગ્રેસની પેનલ જીતી ગઈ છે. 

મનપા-નપામાં ભાજપનો દબદબો 

આણંદમાં બોરસદ નપાના વૉર્ડ 4માં ભાજપની જીત  

પાલનપુર નપાના વૉર્ડ 1માં ભાજપની પેનલ જીતી 

અંકલેશ્વર નપાના વૉર્ડ 1માં ભાજપની પેનલ જીતી 

મહેસાણા નપાના વૉર્ડ 1 અને 6માં ભાજપને લીડ 

તારાપુર નપાના વૉર્ડ 1માં ભાજપની પેનલ જીતી 

લુણાવાડા નપાના વૉર્ડ નંબર 5માં ભાજપની જીત 

વલસાડ મનપાના વૉર્ડ નંબર 1,5,9માં ભાજપની જીત 

કેશોદ નપાના વૉર્ડ 1માં ભાજપની જીત 

સુરતમાં મનપાના વૉર્ડ 14માં બે બેઠક પર આપ આગળ 

પોરબંદરમાં મનપાના વૉર્ડ નંબર 9માં ભાજપની જીત 

વડોદરા મનપાના વૉર્ડ 6માં કોંગ્રેસની પેનલને લીડ 

છોટા ઉદેપુરમાં શહેરા નપાના વૉર્ડ 2માં ભાજપની જીત 

દાંતામાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ 

દાંતામાં મણગતરી કેન્દ્ર પર કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી જેવી સ્થિતિ સર્જાઈ હતી. સરકાર સામે શંકા અને વ્યવસ્થા સામે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.

ઉમરગામ નપાના વૉર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીતી 

ઉમરગામ નગરપાલિકામાં વૉર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય થયો છે. 

રાજકોટમાં કટ્ટર હરીફાઈ 

રાજકોટમાં વૉર્ડ નંબર 16 માં કોંગ્રેસ તો વૉર્ડ નંબર 7માં ભાજપ બેલેટ પેપરની મત ગણતરીમાં આગળ હોવાની જાણકારી સામે આવી છે

વાપી મનપામાં વૉર્ડ નંબર 9માં ભાજપની પેનલ જીતી 

વાપીથી ભાજપ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. અહીં ભાજપની વૉર્ડ નંબર 9ની પેનલ જીતી ગઈ છે. જેમાં ભૂપેન્દ્રભાઈ, મિતલબહેન, વિપુલચંદ્ર અને મિતેષ નામના ઉમેદવારો જીત્યા છે. 

વડોદરામાં ભાજપનું ખાતું ખુલ્યું 

વડોદરાના સાવલી નગરપાલિકામાં વૉર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય થયો. 

રાજકોટથી કોંગ્રેસ માટે ગુડ ન્યૂઝ 

રાજકોટ મનપાના વૉર્ડ નંબર 16માં કોંગ્રેસના ચારેય ઉમેદવાર આગળ  

આમોદ નપાના વૉર્ડ 1માં કોંગ્રેસ વિજયી 

આમોદ નગરપાલિકાના વૉર્ડ નંબર 1માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો જીત્યા. 

ગુજરાત કૉલેજ પર વિવાદ, ભાજપના કાર્યકરો બગડ્યા 

અમદાવાદમાં ગુજરાત કૉલેજના મત ગણતરી કેન્દ્ર પર વિવાદ થયો છે. ત્યાં કોંગ્રેસના કાર્યકરો ખેસ પહેરીને આવતાં ભાજપના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. તેમણે પોલીસ સામે પક્ષપાત કરવાનો આરોપ પણ મૂક્યો હતો. 

મત ગણતરી શરૂ, થોડીવારમાં વલણો થશે જાહેર

મત ગણતરી શરૂ થઈ ચૂકી છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. આંકડાઓ ટૂંક સમયમાં જાહેર થશે. 

મત ગણતરી શરૂ થતાં જ સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ગણાશે 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ થઈ ગયું છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની મત ગણતરી શરૂ કરવામાં આવશે. 9 વાગ્યાથી ગણતરી શરૂ થશે. 

ગુજરાતમાં ભાજપનો વિજય નક્કી, નેતૃત્વ વિહોણી કોંગ્રેસની બેઠકો વધશે 

ભાજપે 700થી વધુ બેઠકોનો તો મતદાન પહેલાં જ બિન હરીફ જીતી લીધી હતી. આજે ચૂંટણી પરિણામ આવી રહ્યા છે ત્યારે લોકોને અત્યારથી રાજકીય આકલન શરૂ કરી દીધું છે. એક તરફ ભાજપ અબ કી બાર બધી જ પારના નારા સાથે મેદાને છે તો બીજી તરફ વિપક્ષ અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. જોકે સત્તા અને પૈસાના જોરે ભાજપ વિપક્ષને ખરીદવામાં માહેર હોવાથી કોંગ્રેસ અને આપ માટે ગુજરાતમાં સત્તામાં આવવું મુશ્કેલ દેખાય છે. 

બુકીઓના મતે ચાર મહાનગરોમાં ફરી ભગવો 

જો બુકી બજારનું માનીએ તો આજે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકામાં ફરીથી ભગવો જ લહેરાવા જઈ રહ્યો છે. જોકે એક વાત એ છે કે આ ચારેય મનપામાં ભાજપ જીતશે તો ખરું પણ તેની બેઠકોમાં નક્કીપણે ઘટાડો થવાનો છે. એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં વિપક્ષનું જોર વધશે. 

ચૂંટણી પહેલાનું ઉમેદવાર અને બેઠકોનું ગણિત પણ સમજો 

મનપા અને નપાના પરિણામ: અમદાવાદ, સુરત સહિત તમામ 15 મનપામાં ભાજપની જીત, નપામાં પણ દબદબો 4 - image

ભાજપ સામે ગઢમાં સત્તા જાળવવાનો પડકાર 

ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક સોસાયટીના રહીશોએ પ્રચાર કરવા આવેલા ભાજપના ઉમેદવારો અને સમર્થકોને કાઢી મૂક્યા હતા અને તેમની સાથે ઝપાઝપી પણ કરી હતી. ભાજપ અહીં દાયકાઓથી સત્તામાં છે. ત્યારે આ વખતે એન્ટી ઈન્કમબન્સી ભાજપને નડી શકે છે. જે આપ અને કોંગ્રેસ જેવા પક્ષો માટે એક ચાન્સ બની રહેશે કે તેઓ ભાજપના સૌથી મજબૂત ગઢમાં ગાબડું પાડી શકે.