Get The App

ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને ચેતવણી, કહ્યું- ધ્વનિ પ્રદૂષણ રોકો અથવા કન્ટેમ્પ્ટનો સામનો કરો

Updated: Jun 18th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને ચેતવણી, કહ્યું- ધ્વનિ પ્રદૂષણ રોકો અથવા કન્ટેમ્પ્ટનો સામનો કરો 1 - image

Gujarat High Court News: ગુજરાતમાં લાઉડસ્પીકર્સ અને ડીજે (DJ)ના કારણે ફેલાતા બેફામ ધ્વનિ પ્રદૂષણ મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે રાજ્યના વહીવટી તંત્ર અને પોલીસ સત્તાધિકારીઓને ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે, 'જો તેઓ ધ્વનિ પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન અને રાજ્ય સરકારના જાહેરનામાની ચુસ્ત અમલવારી કરવામાં નિષ્ફળ જશે, તો તેમની સામે અદાલતી અવમાનના (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ)ની સીધી કાર્યવાહી કરવામાં આવશે.'

બે દાયકા જૂના સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું છડેચોક ઉલ્લંઘન

કોર્ટમાં દાખલ કરાયેલી એક કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ આકરા આદેશો આપ્યા હતા. અરજીકર્તા પંચાલે કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર રહીને ધારદાર દલીલો કરી હતી કે, 'દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) દ્વારા બે દાયકા (20 વર્ષ) પહેલાં ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ અંગે સ્પષ્ટ અને કડક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હોવા છતાં, સ્થાનિક સત્તાધિકારીઓ અને પોલીસની રહેમનજર હેઠળ નિયમોનું સતત અને છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે.'

નિયમો માત્ર કાગળ પર 

અરજીકર્તાએ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, 'સત્તાધિકારીઓ ધ્વનિની નક્કી કરાયેલી ડેસિબલ મર્યાદા અને સાઉન્ડ લિમિટર્સ (અવાજ મર્યાદિત કરતા સાધનો) લગાવવાની કાયદાકીય જરૂરિયાતને સદંતર નજરઅંદાજ કરી રહ્યા છે. વ્યાપારી અને ધાર્મિક પ્રસંગોએ લાઉડસ્પીકર્સ અને મોટા ડીજે ટ્રકોને નિયમો વિના આડેધડ મંજૂરીઓ આપી દેવામાં આવે છે.'

હાઈકોર્ટે પણ આ બાબતે ગંભીર નોંધ લેતા સ્વીકાર્યું હતું કે, 'ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા સાઉન્ડ લિમિટર્સ ફરજિયાત કરતું જાહેરનામું અને ગૃહ વિભાગના તાજેતરના પરિપત્રો-SOPs અસ્તિત્ત્વમાં હોવા છતાં, તેમનો વાસ્તવિક અમલ મોટાભાગે માત્ર કાગળ પર જ રહ્યો છે અને જમીની સ્તરે કોઈ નક્કર કામગીરી દેખાતી નથી.'

રાત્રિના સમયે નિયમો તોડનારાઓ સામે પગલાં ન લેનાર પોલીસ સામે થશે કાર્યવાહી

સુનાવણી દરમિયાન અદાલતે એક કડક મૌખિક અવલોકન (પેરા 10) માં સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જે પોલીસ અધિકારીઓ અને અન્ય સંબંધિત સત્તાધિકારીઓ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે — ખાસ કરીને રાત્રિના કલાકો (Noisy Hours) દરમિયાન અથવા બેફામ સ્પીકરો વગાડતા ડીજે ટ્રકોના કિસ્સામાં — ત્વરિત પગલાં લેવામાં નિષ્ફળ જશે, તેમણે વ્યક્તિગત રીતે અદાલતી અવમાનનાની કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.

18મી જૂન, 2026 સુધીમાં કમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કરવા આદેશ

ગુજરાત હાઈકોર્ટે આ સંવેદનશીલ મામલે રાજ્યમાં અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા અને સામાન્ય નાગરિકો તેમજ અશક્ત દર્દીઓ-વૃદ્ધોને આ જીવલેણ ધ્વનિ પ્રદૂષણથી બચાવવાના પોતાના દ્રઢ સંકલ્પને દોહરાવ્યો છે. અદાલતે રાજ્ય સરકારને કાયદાના પાલન અંગે અત્યાર સુધી શું પગલાં લેવાયા તેનો વિગતવાર કમ્પ્લાયન્સ રિપોર્ટ (પાલન અહેવાલ) આગામી 18 જૂન, 2026 સુધીમાં કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે આખરી આદેશ કર્યો છે. હાઈકોર્ટની આ લાલ આંખ બાદ હવે પોલીસ વિભાગ અને જીપીસીબી (GPCB) એક્શન મોડમાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.