Get The App

રાજકુમાર જાટ હત્યા કેસની તપાસમાં થતા વિલંબ અંગે હાઈકોર્ટ નારાજ, કામગીરી વધુ ઝડપી કરવા ટકોર

Updated: Dec 15th, 2025

GS TEAM

Google News
Google News
રાજકુમાર જાટ હત્યા કેસની તપાસમાં થતા વિલંબ અંગે હાઈકોર્ટ નારાજ, કામગીરી વધુ ઝડપી કરવા ટકોર 1 - image


Rajkumar Jat Case: રાજકુમાર જાટની હત્યા કેસમાં આજે (15 ડિસેમ્બર) હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં તપાસ અધિકારીએ કેસ સંબંધિત રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. રિપોર્ટમાં ગણેશ ગોંડલ સામે કરવામાં આવેલી તપાસનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ ફાઈલ ન થતાં હાઈકોર્ટ નારાજ થઈ હતી. મહત્વનું છે ગોંડલના રાજકુમાર જાટ કેસમાં આરોપી ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરના રોજ ગાંધીનગર FSLમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

નાર્કો ટેસ્ટ રિપોર્ટ ફાઇલ ન થતાં હાઈકોર્ટની નારાજગી 

સરકાર તરફથી કોર્ટને બાહેંધરી અપાઈ હતી કે સમગ્ર કેસ તપાસ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં લઈ પુરાવાઓ એકઠા કર્યા છે. જો કે હાઈકોર્ટે ગણેશ ગોંડલના નાર્કોટેસ્ટ રિપોર્ટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જેના જવાબમાં સરકારે સ્પષ્ટતા કરી હતી કે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ આગામી સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે 15 ડિસેમ્બરના રોજ હાઈકોર્ટમાં નાર્કો ટેસ્ટનો રિપોર્ટ દાખલ કરવાનો હતો પણ તેમાં વિલંબ થતાં હાઈકોર્ટે તપાસ પ્રક્રિયા વધુ ઝડપી કરવા મૌખિક ટકોર કરી હતી.

7 જાન્યુઆરીએ સીલ બંધ કવરમાં નાર્કો ટેસ્ટનો રિપોર્ટ કોર્ટમાં રજૂ થશે

મૃતક રાજકુમાર જાટના પરિવારજનોએ આ બનાવને અકસ્માત નહીં પણ હત્યા ગણાવીને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મામલે રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નાર્કો ટેસ્ટ કરાવવા માટે અરજી કરવામાં આવી હતી. આ અરજીના જવાબમાં ગણેશ જાડેજાએ કોર્ટ સમક્ષ નાર્કો ટેસ્ટ કરાવવા માટે સહમતિ આપી હતી, જેના આધારે કોર્ટે નાર્કો ટેસ્ટ કરાવવા માટે હુકમ કર્યો હતો. જોકે, રાજકુમારનું જે બસ હડફેટે મૃત્યુ થયાનું પોલીસે જાહેર કર્યું હતું, તે બસના ચાલક રમેશ મેરની ઉંમરને ધ્યાનમાં રાખીને અદાલતે તેના નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપી નહોતી. બીજી તરફ ગણેશ જાડેજાએ મંજૂરી આપતા તેનો નાર્કો ટેસ્ટ થયો હતો જેનો રિપોર્ટ તપાસ અધિકારી આવનારી 7 જાન્યુઆરીએ સીલ બંધ કવરમાં કોર્ટમાં રજૂ કરશે.

નાર્કો ટેસ્ટ શું છે, પુરાવા કોર્ટમાં કેટલા માન્ય?

જ્યારે પોલીસને લાગે છે કે આરોપી જૂઠું બોલે છે અને તપાસમાં સહયોગ કરી રહ્યો નથી ત્યારે પોલીસ નાર્કો ટેસ્ટની માંગ કરે છે. પણ કોઇ પણ આરોપીની મરજી વિરૂધ્ધ નાર્કો ટેસ્ટ થઈ શકતો નથી. નાર્કો ટેસ્ટમાં પહેલા મેડિકલ તપાસ બાદ જરૂરી દવાઓ આરોપીને આપવામાં આપે છે. જે બાદ અર્ધબેભાન અવસ્થામાં તેને કેસને લગતા જરૂરી સવાલો પૂછવામાં આવે છે. જેનું વીડિયો રેકોર્ડીંગ પણ કરવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા સિનિયર તબીબો અને અધિકારીઓની હાજરીમાં કરવામાં આવે છે. પણ આ ટેસ્ટના પરિણામો કોર્ટમાં સીધા પુરાવા તરીકે સ્વીકાર્ય નથી. જો કે, જો નાર્કો ટેસ્ટ દરમિયાન મેળવેલી માહિતીના પરિણામે નવા પુરાવા અથવા કેસને લગતી સામગ્રી મળી આવે છે, તો તે ભારતીય પુરાવા અધિનિયમ, 1872 ની કલમ 27 હેઠળ સ્વીકાર્ય છે.

શું હતી ઘટના? 

ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બંને ઘરે જતા રહ્યા હતા. જોકે, બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યારબાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરુ કરી હતી.'

આ પણ વાંચો: ગરીબોને નોકરી આપતી યોજના 'ખતમ' ! 'જી રામ જી' નામથી નવેસરથી શરુઆત કરવાની તૈયારી

આ દરમિયાન પોલીસને 3 માર્ચ, 2025ના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરુ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.