Get The App

રાજ્યની આશ્રમ શાળાઓની કથળતી સ્થિતિ અંગે હાઇકોર્ટનું કડક વલણ, સરકારની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
Gujarat High Court


Gujarat High Court On Ashram Shala : ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યભરની આશ્રમ શાળાઓની કથળતી સ્થિતિ અને વ્યવસ્થાપન અંગે આજે(8 એપ્રિલ, 2026) મહત્ત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા ટકોર કરી હતી કે, સરકાર આશ્રમ શાળાઓ માટે ચોક્કસ નિયમો કેમ નથી ઘડતી? જો નિયમો હશે તો જ તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેનું પાલન કરશે.

રાજ્યની આશ્રમ શાળાઓની કથળતી સ્થિતિ અંગે હાઇકોર્ટનું કડક વલણ

હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, આશ્રમ શાળાઓને માત્ર નામ પૂરતી નહીં પરંતુ સુવિધા સજ્જ 'રેસિડન્શિયલ સ્કૂલ' (રહેણાંક શાળાઓ) બનાવવી જોઈએ. કોર્ટે સરકારને અરીસો બતાવતા કહ્યું કે, "તમે ત્યારે જ સફળ થયા કહેવાઓ જ્યારે પછાત વિસ્તારનો કોઈ વિદ્યાર્થી ભણી-ગણીને સનદી અધિકારી(IAS/IPS) બને." કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જો સરકાર આ શાળાઓ પર પોતાનું નિયંત્રણ રાખવા માંગતી હોય, તો સામે પક્ષે વિદ્યાર્થીઓને યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તમામ જરૂરી સગવડો આપવાની જવાબદારી પણ સરકારની જ છે.

સુનાવણી દરમિયાન અરજદાર તરફથી સિનિયર એડવોકેટે પાયાની મુશ્કેલીઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, આશ્રમ શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની સાથે બિન-શૈક્ષણિક સ્ટાફની પણ ભારે અછત છે. વર્ષોથી આ શાળાઓનું કોઈ યોગ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું નથી. સૌથી ગંભીર બાબત એ છે કે, વિદ્યાર્થીઓને પૂરતું મધ્યાહન ભોજન પણ મળતું નથી. જો છેવાડાના સમાજના બાળકોને પૌષ્ટિક મધ્યાહન ભોજન અને સારી સુવિધા મળે, તો જ તેમના વાલીઓ તેમને ભણવા માટે પ્રોત્સાહિત કરશે.

આ પણ વાંચો: ખેતીની જમીનની નોંધણી ટલ્લે ચઢી, ચાર દિવસમાં ત્રણ જુદા-જુદા પરિપત્રો, તંત્રના દરરોજ બદલાતા સૂર

બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ, હાઇકોર્ટે સરકાર અને અરજદાર બંનેને આગામી 3 સપ્તાહમાં વિસ્તૃત જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ જવાબમાં આશ્રમ શાળાઓનું માળખું કેવું હોવું જોઈએ અને તેમાં કઈ કઈ પાયાની સગવડો ઉમેરવાની જરૂર છે, તે અંગે સ્પષ્ટતા કરવાની રહેશે.