Get The App

સિવિલ મેટરમાં નિર્દોષોને જેલ મોકલવાનો કેસ: 'વળતર અધિકારીઓના ખિસ્સામાંથી વસૂલાશે', ચીફ સેક્રેટરીનું હાઇકોર્ટમાં સોગંધનામું

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
સિવિલ મેટરમાં નિર્દોષોને જેલ મોકલવાનો કેસ: 'વળતર અધિકારીઓના ખિસ્સામાંથી વસૂલાશે', ચીફ સેક્રેટરીનું હાઇકોર્ટમાં સોગંધનામું 1 - image


Ahmedabad News: ગુજરાત હાઇકોર્ટે લેન્ડ ગ્રેબિંગ એક્ટના દુરુપયોગ મુદ્દે લાલ આંખ કર્યા બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. બે નિર્દોષ નાગરિકોને ગુના વગર અઢી મહિના સુધી જેલના સળીયા ગણવા મજબૂર કરનારા જવાબદાર અધિકારીઓ સામે હવે કડક કાર્યવાહીની તૈયારીઓ શરૂ થઈ છે. રાજ્યના ચીફ સેક્રેટરીએ (મુખ્ય સચિવ) હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરી ખાતરી આપી છે કે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

શું હતો સમગ્ર મામલો?

જમીન કબજા સંબંધિત એક વિવાદ જે ખરેખર સિવિલ (દીવાની) સ્વરૂપનો હતો, તેમાં કલેક્ટરની અધ્યક્ષતાવાળી કમિટીએ કાયદાની મર્યાદા ઓળંગીને ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ, 2020 હેઠળ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આ ગંભીર ભૂલના કારણે બે વ્યક્તિઓને અંદાજે 75 દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. હાઇકોર્ટે આ ઘટનાને બંધારણના આર્ટિકલ 21 (વ્યક્તિગત સ્વતંત્રતા)નું સીધું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

ચીફ સેક્રેટરીએ સોગંદનામામાં આપેલી ખાતરી

અન્યાયનો ભોગ બનેલા બંને વ્યક્તિઓને 3 સપ્તાહમાં કુલ રૂ. 10 લાખનું વળતર ચૂકવી દેવામાં આવશે. હાઇકોર્ટના આદેશ મુજબ, આ વળતરની રકમ સરકારી તિજોરીમાંથી નહીં, પરંતુ જે તે જવાબદાર અધિકારીઓના અંગત પગાર કે ખિસ્સામાંથી વસૂલવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ કેસમાં બેદરકારી દાખવનાર બંને અધિકારીઓ સામે કડક ખાતાકીય તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે. ભવિષ્યમાં સિવિલ મેટરમાં લેન્ડ ગ્રેબિંગના કાયદાનો આ રીતે દુરુપયોગ ન થાય તે માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ નવો પરિપત્ર જાહેર કરશે.

હાઇકોર્ટની ટકોર: 'પોતાની જમીન માટે લડનારાને જેલ મળે તે ગંભીર'-

ચીફ જસ્ટિસની ખંડપીઠે આ મામલે અત્યંત આકરી પ્રતિક્રિયા આપતા નોંધ્યું હતું કે, જે લોકો ન્યાયની આશામાં પોતાની જ જમીન માટે લડતા હોય તેમને જેલમાં ધકેલી દેવા એ તંત્રની મોટી નિષ્ફળતા છે. અગાઉ સરકારે આ મામલે બિનશરતી માફી માંગી હતી, પરંતુ કોર્ટની કડકાઈ બાદ હવે જવાબદારી નક્કી કરવા માટે સોગંદનામું કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ઉધના રેલવે સ્ટેશને ભાગદોડ: દેશભરમાં ટીકા છતાં રેલવેનું એ જ રટણ, 'લાઠીચાર્જ થયો જ નથી!'

આ કિસ્સો રાજ્યના વહીવટી તંત્ર માટે એક દાખલો બેસાડનારો સાબિત થશે. લેન્ડ ગ્રેબિંગના કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ કરતા અધિકારીઓ માટે હાઇકોર્ટનો આ આદેશ 'વોર્નિંગ બેલ' સમાન છે.