Get The App

GST ઑર્ડરમાં AI દ્વારા સર્જેલા 'બનાવટી' ચુકાદાનો ઉપયોગ, ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
GST ઑર્ડરમાં AI દ્વારા સર્જેલા 'બનાવટી' ચુકાદાનો ઉપયોગ, ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ 1 - image

Gujarat High Court : સુપ્રીમ કોર્ટ દ્વારા વકીલોને અરજીઓ તૈયાર કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર નિર્ભર રહેવા સામે સાવધ કર્યાના એક અઠવાડિયા પછી, ગુજરાત હાઇકોર્ટે પણ એક "ચિંતાજનક ટ્રેન્ડ" તરફ ઇશારો કર્યો છે. કોર્ટે નોંધ્યું છે કે, અર્ધ-ન્યાયિક (Quasi-judicial) આદેશોમાં AI દ્વારા જનરેટ કરાયેલા અને શંકાસ્પદ કેસ લૉ(ચુકાદાઓ)નો સહારો લેવામાં આવી રહ્યો છે.

શું છે સમગ્ર મામલો?

'મરહાબા ઓવરસીઝ પ્રાયવેટ લિમિટેડ' સાથે સંકળાયેલા એક કેસમાં હાઇકોર્ટે જોયું કે જીએસટી (GST) ઑર્ડરમાં ટાંકવામાં આવેલા કેટલાય ચુકાદાઓ ક્યાંય અસ્તિત્વમાં જ નથી અથવા તેને ચકાસી શકાય તેમ નથી. કેટલાક ચુકાદાઓ તો ખોટી કોર્ટના નામે ચડાવી દેવામાં આવ્યા હતા.

ખોટા સંદર્ભ: એડિશનલ કમિશ્નરના ઑર્ડરમાં એવા ચુકાદાઓનો ઉલ્લેખ હતો, જે શોધવા છતાં મળ્યા નહોતા. કેટલાક ચુકાદા ગુજરાત હાઇકોર્ટના હોવાનું ટાંકવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવમાં તે સુપ્રીમ કોર્ટ અથવા અન્ય કોર્ટના હતા.

AI પર આંધળો વિશ્વાસ: હાઇકોર્ટે અવલોકન કર્યું કે, કમિશ્નરે અસલી ચુકાદાઓ વાંચ્યા વિના જ AI-જનરેટેડ ટાંકેલા સંદર્ભોનો આંધળો ઉપયોગ કર્યો હોય તેવું લાગે છે.

ગાઇડલાઇન્સની જરૂરિયાત: વરિષ્ઠ વકીલ સૌરભ સોપારકર અને પાર્થ ભટ્ટે કોર્ટને વિનંતી કરી હતી કે અર્ધ-ન્યાયિક સત્તાધિકારીઓ માટે ચોક્કસ માર્ગદર્શિકા (Guidelines) નક્કી કરવી જોઈએ જેથી તેઓ અસ્તિત્વમાં ન હોય તેવા AI ચુકાદાઓનો ઉપયોગ ન કરે.

હાઇકોર્ટનું કડક વલણ

જસ્ટિસ એ.એસ. સુપૈયા અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચે આ રજૂઆતને ગ્રાહ્ય રાખતાં કહ્યું કે આ એક ચિંતાજનક બાબત છે. કોર્ટે જણાવ્યું હતું કે: "કમિશ્નર દ્વારા રૅકોર્ડ કરવામાં આવેલા તારણો અને કારણો ક્ષતિગ્રસ્ત અને ભ્રામક છે. એવું જણાય છે કે કમિશ્નરે વાસ્તવિક ચુકાદાઓ વાંચ્યા વિના જ AI-જનરેટેડ ટાંકેલા સંદર્ભો અને કેસને અનુસર્યા છે."

કોર્ટે વધુમાં ઉમેર્યું કે, આ એક યોગ્ય કેસ છે. જેમાં અર્ધ-ન્યાયિક સત્તાધિકારીઓ જ્યારે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો સંદર્ભ આપે ત્યારે તેમના માટે કેટલાક માપદંડો (Parameters) નક્કી કરવાની જરૂર છે.

આગામી સુનાવણી

હાઇકોર્ટે આ મામલે વધુ સુનાવણી 13 માર્ચ પર મુલતવી રાખી છે. તે દિવસે જીએસટીના કાઉન્સિલને આ ગંભીર મુદ્દા પર કોર્ટને સંબોધન કરવા માટે કહેવામાં આવ્યું છે.

કોર્ટમાં સુનાવણી

ગુજરાત હાઇકોર્ટના આ ઓરલ ઑર્ડર મુજબ, બંને પક્ષો તરફથી વકીલો હાજર રહ્યા હતા. જેમાં પિટિશનર (અરજદાર) તરફથી એસ. એન. સોપારકર(સિનિયર ઍડ્વૉકેટ), પાર્થ એચ. ભટ્ટ, ખ્યાતી એ. ચગ, સુદીપ બિસ્વાસ હાજર રહ્યા હતા. જ્યારે રિસ્પોન્ડન્ટ (સામાવાળા) તરફથી મિસ્ટર અંકિત શાહ (રિસ્પોન્ડન્ટ નં. 2 અને 3 માટે) તથા મિસ્ટર પ્રદીપ ડી. ભાટે (રિસ્પોન્ડન્ટ નં. 1 માટે) હાજર રહ્યા હતા.