Get The App

ગુજરાત શેકાયું: અમરેલી 43.3°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, અમદાવાદમાં પારો 42ને પાર; હજુ રાહતના કોઈ સંકેત નહીં

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત શેકાયું: અમરેલી 43.3°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, અમદાવાદમાં પારો 42ને પાર; હજુ રાહતના કોઈ સંકેત નહીં 1 - image


Ahmedabad News : ગુજરાતમાં ઉનાળાનો અસલી મિજાજ જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો સામાન્ય કરતા 1થી 3 ડિગ્રી ઊંચો નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ(IMD)ના હાલના અહેવાલ મુજબ, શુક્રવારે અમરેલી અને રાજકોટમાં ગરમીએ માઝા મૂકી હતી, જ્યાં પારો 43 ડિગ્રીને પાર કરી ગયો છે.

ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

રાજ્યના મુખ્ય શહેરોમાં શુક્રવારે નોંધાયેલું મહત્તમ તાપમાન:

અમરેલી: 43.3°C

રાજકોટ: 43.1°C

અમદાવાદ: 42.1°C

વડોદરા: 41.6°C

ગાંધીનગર: 41.5°C

ભુજ: 41.4°C

સુરત: 40.0°C

રાત્રે પણ રાહત નહીં

માત્ર દિવસ જ નહીં, પણ રાત્રિના તાપમાનમાં પણ વધારો થયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ (27.0°C) નોંધાયું છે, જેના કારણે રાત્રે પણ અસહ્ય ઉકળાટ અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબકારા વધ્યા

દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારો વધશે

ભલે દ્વારકા (31.8°C) અને વેરાવળ (32.0°C) જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન ઓછું હોય, પરંતુ હવામાન વિભાગે અહીં હોટ ઍન્ડ હ્યુમિડ (ગરમ અને ભેજવાળા) પવનની ચેતવણી આપી છે. એટલે કે, અહીં તાપમાન ભલે ઓછું હોય પણ ભારે ભેજને કારણે પરસેવો અને બફારો વધારે પરેશાન કરશે.

તંત્રની નાગરિકોને સાવચેત રહેવા અપીલ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં કોઈ મોટી રાહત મળે તેવી શક્યતા નથી. આથી નાગરિકોને નીચે મુજબની તકેદારી રાખવા સલાહ આપવામાં આવી છે. બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું. વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહી લેતા રહેવું. સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરવા.