Get The App

ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીજલાઈન નાખવાની મંજૂરીનો હુકમ રદબાતલ

Updated: Jun 17th, 2026

GS TEAM

Google News
Google News
Farmers land electricity pole dispute

Farmers land electricity pole dispute: ગુજરાતભરમાં ખેડૂતોની જમીનમાં બારોબાર જ તેમની રજૂઆતો સાંભળ્યા વિના વીજ કંપનીઓ દ્વારા વીજ લાઇન - વીજ થાંભલાઓ નાંખવાની કામગીરીના વિવાદે વેગ પકડ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લાના કમીયાળા ગામના ખેડૂતોના જમીનમાંથી ખેડૂતોને સાંભળ્યા વિના ટ્રાન્સમિશન લાઇન (વીજ લાઇન) નાંખવાના નિર્ણયના વિવાદમાં અસરગ્રસ્ત ખેડૂતો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા છે. જેની સુનાવણીમાં જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઇએ અરજદાર ખેડૂતોને સાંભળ્યા વિના અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ વિવાદીત હુકમને રદબાતલ ઠેરવ્યો હતો.

ખેડૂતોને સુનાવણીની તક આપવા હાઈકોર્ટનો આદેશ

હાઈકોર્ટે અરજદાર ખેડૂતોને સુનાવણીની તક આપી તેઓને સાંભળી 19મી જૂન સુધીમાં નિર્ણય લેવા પણ જિલ્લા મેજિસ્ટ્રેટને હુકમ કર્યો હતો. આ માટે હાઈકોર્ટે મેટર અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટને રિમાન્ડ બેક કરી હતી. હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, અરજદાર પક્ષ દ્વારા ઉઠાવાયેલા તમામ મુદ્દાઓ અને વાંધાઓ ધ્યાનમાં લઈ મોડામાં મોડા 23મી જૂન સુધીમાં હુકમ કરી દેવાનો રહેશે.

ખેડૂતો દ્વારા હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ

અરજદાર રામદેવસિંહ વણાર તથા અન્ય દ્વારા હાઈકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, જેટકો કંપની દ્વારા ધોલેરા સર એરિયામાં તેની ટ્રાન્સમીશન લાઇન નાંખવાની હતી, જેને લઈને ધોલેરાના કમીયાળા ગામે પણ ખેડૂતોની જમીનમાંથી ટ્રાન્સમીશન લાઇન નાંખવાની કામગીરી ગેરકાયદે રીતે હાથ ધરાઈ હતી. 

વીજ કંપનીની મનમાની સામે ખેડૂતોમાં રોષ

વીજ કંપની દ્વારા અરજદાર ખેડૂતોની જમીનમાંથી મનમાની રીતે વીજલાઇન નાંખવાની પ્રક્રિયા ધરાતાં ખેડૂતોની જમીન અને તેમના પાકને ગંભીર નુકસાનની દહેશત ઉભી થઈ હતી. આશ્ચર્યની વાત એ હતી કે, વીજ કંપની તરફથી તેઓને વીજ લાઇન નાંખવાની પ્રક્રિયા અંગે કોઇ સંબંધિત દસ્તાવેજો પણ પૂરા પાડવામાં આવ્યા ન હતા કે, તેને સુનાવણીની કોઇ તક પણ પૂરી પાડવામાં આવી ન હતી અને ખેડૂતોને સાંભળ્યા વિના જ બારોબાર વીજ કંપની સત્તાવાળાઓ તેમના ખેતરોમાંથી ટ્રાન્સમીશન લાઇન નાંખવાની કામગીરી કરી રહ્યા છે.

આ પણ વાંચો: વાવ-થરાદમાં શિક્ષણ કાર્ય ખાડે: જિલ્લામાં 1000 શિક્ષકોની ઘટ, લાંબા અંતરના અપડાઉનથી 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય!

વીજ કંપની સત્તાવાળાઓની આ કામગીરી કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરૂદ્ધની અન્યાયી અને અયોગ્ય છે. વધુમાં, અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, આ સમગ્ર મામલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પણ ખેડૂતોને સાંભળ્યા વિના જ વીજ કંપનીની તરફેણમાં વીજ લાઇન નાંખવાની મંજૂરી આપતો હુકમ કરી દેવાયો હતો, જે હુકમ પણ ગેરકાયદે અને રદબાતલ થવાપાત્ર ઠરે છે કારણ કે, તેઓને જરૂરી દસ્તાવેજો જ પૂરા પાડવામાં આવ્યા ન હતા. કેસની સુનાવણી દરમિયાન વીજ કંપની તરફથી જરૂરી તમામ દસ્તાવેજો અરજદારોને પૂરા પાડવામાં આવ્યા હતા.