Gujarat

વેરાવળમાં આડેધડ ૧૨૦૦ વૃક્ષો કપાતા હાઇકોર્ટ નારાજ

By GS Team
23 Nov 20212 mins read
This article was originally published on 23 Nov 2021
વેરાવળમાં આડેધડ ૧૨૦૦ વૃક્ષો કપાતા હાઇકોર્ટ નારાજ

અમદાવાદ, મંગળવાર

વેરાવળમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ઉભું કરવા નગરપાલિકા દ્વારા ૧૨૦૦ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવતા ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની રિટ કરવામાં આવી છે. જેમાં આજે હાઇકોર્ટે નગરપાલિકાના પગલાં પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી અને કોમર્શિયલ કોમ્પલેક્ષની જમીન પર કોઇ પ્રકારની કામગીરી પર સ્ટે ફરમાવ્યો છે.

નગરપાલિકાએ કોમર્શિયલ કોમ્પલેક્ષ માટે ૧૨૦૦ વૃક્ષો કાપતા રિટ, કોમ્પલેક્ષના બાંધકામ પર સ્ટે

અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે નગરપાલિકા દ્વારા દસ વર્ષ પહેલાં અહીં વૃક્ષો વાવનામાં આવ્યા હતા અને આ જમીનને શહેરી જગલ તરીકે ઓળખ આપવામાં આવી હતી. હવે ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ફેરફાર કરી અહીં ઓડિટોરિટમ અને કોમર્શિયલ કોમ્પલેક્ષનું બાંધકામ કરવાનો નિર્ણય કરાયો હતો. ટાઉન પ્લાનિંસ સ્કીમમાં આ મોડિફિકેશન એટલે કે ફેરફારને રાજ્ય સરકારની મંજૂરી મળે તે પહેલાં જ નગરપાલિકા દ્વારા વર્ક ઓર્ડર જારી કરવામાં આવ્યો છે અને ૧૨૦૦ વૃક્ષોને પણ હટાવવામાં આવ્યા છે. આ જગ્યા પર આરક્ષિત અને બિનઆરક્ષિત બન્ને પ્રકારના વૃક્ષો હતા.

જ્યારે રિટ દાખલ કરવામાં આવી ત્યારે ૪૦૦ વૃક્ષો જ હટાવાયા હતા પરંતુ કેસની પેન્ડન્સી દરમિયાન ૧૨૦૦ વૃક્ષો હટાવી દેવામાં આવ્યા છે. જેથી હાઇકોર્ટે રાજ્ય સરકાર અને નગરપાલિકાને ટકોર કરી હતી કે આવી રીતે વૃક્ષો શા માટે દૂર કરવામાં આવ્યા? આ વૃક્ષો બિનઆરક્ષિત હતાં કે નહીં તે બાદમાં નક્કી કરવામાં આવશે પરંતુ વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે તે ન ભૂલવું જોઇએ. કોર્ટે હાલ આ જમીન પર કોઇ પ્રકારની કામગીરી પર સ્ટે ફરમાવ્યો છે.