ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે આપી મંજૂરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે ગાંધીનગરની 16 વર્ષીય સગીરાના 16 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપી છે. સગીરાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય તેમજ સામાજિક અસરોને ધ્યાનમાં રાખીને અદાલતે આ માનવીય અભિગમ અપનાવ્યો છે. નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 24 દુષ્કર્મ પીડિતાઓને હાઈકોર્ટે ગર્ભપાત માટેની મંજૂરી આપી છે.
તબીબી રિપોર્ટના આધારે લેવાયો નિર્ણય
સગીરા ગર્ભ રાખવા માંગતી ન હોવાથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટના આદેશ અનુસાર ગાંધીનગરની હોસ્પિટલ દ્વારા સગીરાની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. આ તપાસનો રિપોર્ટ હકારાત્મક આવતા 17મી માર્ચે હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી હતી.
કોર્ટે આ પ્રક્રિયા માટે સિનિયર ડોક્ટરોની એક વિશેષ પેનલની રચના કરવા સૂચના આપી છે. પ્રક્રિયા દરમિયાન ગર્ભપાત પૂર્વે સગીરાને તેનાથી થતા સંભવિત જોખમો વિશે માહિતગાર કરવામાં આવશે. જો ગર્ભપાત દરમિયાન બાળક જીવિત જન્મે, તો સગીરા અને બાળક બંનેની યોગ્ય કાળજી રાખવી પડશે. જો સગીરા બાળક રાખવા ન માંગતી હોય, તો 'જુવેનાઇલ જસ્ટિસ એક્ટ' મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાઈકોર્ટે ડોક્ટરોને આદેશ આપ્યો છે કે ગર્ભના DNA સેમ્પલ સુરક્ષિત રાખીને તપાસ અધિકારીને સોંપવામાં આવે, જે કેસમાં પુરાવા તરીકે કામ લાગશે.
ડભોડા પોલીસ મથકે નોંધાયો છે ગુનો
ઉલ્લેખનીય છે કે, સગીરા સાથે થયેલા દુષ્કર્મ મામલે ડિસેમ્બર 2025માં ગાંધીનગરના ડભોડા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. સગીરા પર થયેલા આ અત્યાચાર બાદ તેનું ભવિષ્ય ન બગડે અને તેને સામાજિક કલંકનો સામનો ન કરવો પડે તે હેતુથી હાઈકોર્ટે આ મહત્વનો હુકમ કર્યો છે.









