સિંગતેલ-કપાસિયાના આસમાની ઊંચા ભાવને ડામવા ગુજરાત સરકારે સ્ટોક મર્યાદા લાદી

ગુજરાત, તા. 24 ફેબ્રુઆરી, 2022
ગુજરાતમાં સિંગતેલ-કપાસિયા તેલના આસમાની ઊંચા ભાવને પગલે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. કેન્દ્ર સરકારના આદેશને પગલે રાજ્ય સરકારે પણ હવે તાત્કાલિક ધોરણે ખાદ્યતેલ-તેલીબિયાં ઉપર સ્ટોક લિમિટ લાદી છે.
ગુજરાત રાજયમાં અન્નર, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના વિભાગે સીંગતેલ-કપાસિયા તેલના ભાવને કાબૂમાં રાખવા માટે સ્ટોક લિમિટ લાગુ કરી છે. છૂટક અને જથ્થાબંધી વેપારી તથા મોટા ડીલર તથા પ્રોસેસર માટે સરકારે આ સ્ટોક મર્યાદા લાગુ કરી છે.
ખાદ્યતેલો પરની સ્ટોક મર્યાદા અંતર્ગત રીટેલ વેપારીઓ મહતમ 30 કવીન્ટલ સુધીનો સ્ટોક રાખી શકશે. જયારે હોલસેલ વેપારીઓ 500 કવીન્ટલ રાખી શકશે. ડેપો ધરાવતા મોટા વપરાશકારો 1000 કવીન્ટલ રાખી શકશે. જયારે તેલ ઉત્પાદકો સ્ટોરેજ કેપેસિટીના 90 દિવસનો સ્ટોક રાખી શકશે.
તેલીબિયા માટે પણ સ્ટોક મર્યાદા લાગુ કરવામાં આવી છે. રીટેલ વેપારીઓ માટે 100 કવીન્ટલ, હોલસેલ વેપારીઓ માટે 2000 કવીન્ટલની સ્ટોક મર્યાદા રહેશે. જયારે પ્રોસેસરો સ્ટોરેજ કેપેસિટીના 90 દિવસનો સ્ટોક રાખી શકશે.
આ આદેશમાં તમામ પ્રકારના ખાદ્યતેલ અને તેલીબિયાને આ સ્ટોક હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સ્ટોક લિમિટ ઓર્ડરમાં એવી ચોખવટ કરવામાં આવી છે કે નિકાસ માટેના જથ્થાને સ્ટોક મર્યાદા લાગુ નહીં પડે, આ જ રીતે આયાત કરવામાં આવેલ ખાદ્યતેલના આયાતકારને પણ છુટછાટ રહેશે. વેપારીઓને નિયમિત રીતે સ્ટોકની માહિતી આપવાની રહેશે.
સ્ટોક લિમિટ ઓર્ડરના પાલન કરાવવાની સતા પુરવઠા અધિકારી તથા નાયબ મામલતદારોને આપવામાં આવી છે.




