ગુજરાતમાં એક આખા ગામના લોકોનું ધર્માંતરણ કરાવી હિન્દુમાંથી મુસ્લિમ બનાવી દેવાયા

Gujarat Mass Religion Conversion: ગુજરાતના ઇતિહાસમાં એક આખા ગામના મોટાભાગના લોકોને હિન્દુમાંથી મુસ્લિમ બનાવી ઇસ્લામ અંગીકાર કરાવી ધર્માંતરણ કરાવવાનો ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનારો કેસ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો. મુસ્લિમ સમુદાયના લોકોએ ભરુચ જિલ્લાના આમોદ ગામના મોટાભાગના લોકોને ઓછામાં ઓછા 37 થી વઘુ કુટુંબોના 100થી વધુ લોકોને બહુ પ્રિ-પ્લાનિંગ ખતરનાક ષડયંત્રના ભાગરુપે મુસ્લિમમાં ધર્માંતરણ કરી દેવાયું હતું. આ વાતનો ખુલાસો ત્યારે થયો જયારે આ કેસના આરોપીઓએ પોતાની વિરુદ્ધની ફરિયાદ રદબાતલ ઠરાવવા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ક્વોશિંગ પિટિશન દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન આરોપીઓના પાકિસ્તાન-કાશ્મીર અને વિદેશ કનેકશન ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના ધર્માંતરણ કરાવવાના ષડયંત્રનો પર્દાફાશ થતા હાઇકોર્ટ ચોંકી ઉઠી હતી. આખરે જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈએ લેન્ડમાર્ક જજમેન્ટ સાથે આરોપીની ક્વોશિંગ પિટિશન ફગાવી દીધી હતી.
આ પણ વાંચોઃ સાસણ જંગલ સફારી માટે ઓનલાઈન બુકિંગ હવેથી કેન્સલ નહીં થઇ શકે, જાણો કેમ લેવાયો નિર્ણય
હાઇકોર્ટનું લેન્ડમાર્ક જજમેન્ટ
ખૂબ જ સંવેદનશીલ અને રાષ્ટ્રની સલામતીની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વના એવા આ કેસનું લાઇવ સ્ટ્રીમીંગ પણ હાઇકોર્ટે તેની સંવેદનશીલતા અને ગુપ્તતાના કારણે બંધ રખાવ્યું હતું. જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈએ આ કેસમાં બહુ જ ગંભીર અને માર્મિક અવલોકનો સાથેનો ચુકાદો જાહેર કરતાં આ કેસ માત્ર એક વ્યકિતના ધર્માંતરણનો નથી પરંતુ રાષ્ટ્રીય કક્ષાના એક બહુ મોટા અને ખતરનાક ષડયંત્રનો ભોગ હોવાનું ઠરાવ્યું હતું. હાઇકોર્ટે તપાસ કે ટ્રાયલ સામે સ્ટે આપવાની આરોપીઓની માંગણી પણ ધરાર ફગાવી દીધી હતી અને તેઓને કોઈપણ પ્રકારની રાહત આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતુ કે, આ કેસમાં ચાર્જશીટ થઈ ગયેલા તમામ આરોપીઓએ ટ્રાયલનો સામનો કરવો જ પડશે. જે બે આરોપીઓ મૌલવી અને ફેફડાવાલા સામે ચાર્જશીટ બાકી છે, તેમની અરજી પણ હાઇકોર્ટે ફગાવી દીધી હતી.
સરકારી વકીલે કરી દલીલ
આરોપી વરયાવા અબ્દુલ વહાબ મહેમૂદ તથા અન્યો દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી ક્વોશિંગ પિટિશનનો જોરદાર વિરોધ કરતાં સરકાર પક્ષ તરફથી સરકારી વકીલ હાર્દિક દવેએ કેસની બહુ ચોંકાવનારી અને સનસનીખેજ હકીકતો હાઇકોર્ટના ઘ્યાન પર મૂકી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભરુચ જિલ્લાના આમોદ ગામે સ્થાનિક હિન્દુઓને બહુ આયોજનપૂર્વક અને પદ્ધતિસર મુસ્લિમ બનાવી તેઓને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાનું એક ખતરનાક ષડયંત્ર વિદેશી તત્ત્વો અને સ્થાનિક આરોપીઓની મદદથી ચાલી રહ્યું હતું. છેલ્લા 15 વર્ષથી તેઓ હિન્દુ પરિવારોને ટાર્ગેટ કરી તેમને આર્થિક સહાય, મકાન બાંધી આપવા, નોકરી અપાવવી, અનાજ, કુલર સહિતની ચીજવસ્તુઓની લાલચો આપી તેમની જરુરિયાત અને મજબૂરીનો ફાયદો ઉઠાવી તેઓને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાના પ્રિ પ્લાનિંગ કાવતરાને અંજામ આપવામાં આવ્યો હતો. જેના ભાગરુપે આખા ગામના મોટાભાગના હિન્દુઓને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં બહુ પ્લાનિંગ અને ગોઠવાયેલી ચેઇન મુજબ, ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવી તેઓને મુસ્લિમ બનાવી દેવાયા હતા.
આ પણ વાંચોઃ નવરાત્રિમાં હિંસા બાદ બહિયલમાં તોફાની તત્ત્વોના ગેરકાયદે દબાણો તોડી પડાયા
વધુમાં જણાવાયું કે, આરોપીઓ વિરુદ્ધનો ગુનો એક રાષ્ટ્ર વિરુદ્ધનો અતિ ગંભીર, સંવેદનશીલ અને માફ કરી ન શકાય તેવો ગુનો છે. આરોપીઓ એફઆઇઆરમાં વિલંબનો જે બચાવ કરે છે, તે ટકી શકે તેમ નથી. કારણ કે, આટલા ગંભીર ગુનામાં વિલંબ કયારેય અવરોધ બની શકે નહીં. વળી, 25 જુલાઈ, 2022ના દિવસે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાર્યવાહી માટેની મંજૂરી આપી દેવાઈ હતી તેથી એ મુદ્દે પણ આરોપીઓનો બચાવ ટકતો નથી. આ ખતરનાક ષડયંત્ર રાષ્ટ્રીય કક્ષાના ઇસ્લામ ધર્મમાં હિન્દુઓને ધર્માંતરણ કરાવવાના એક બહુ મોટા અને વ્યાપક કાવતરાનો ભાગ છે, તેથી તેની સંવેદનશીલતા અને ગુનાની ગંભીરતા ખૂબ વધી જાય છે, તેથી હાઇકોર્ટે આરોપીઓની ક્વોશિંગ પિટિશન ફગાવી દેવી જોઇએ.
ખતરનાક ષડયંત્રમાં વિદેશી તત્ત્વો ઉપરાંત પાકિસ્તાન-કાશ્મીર કનેક્શનના ખુલાસા
ગુજરાત સહિત દેશભરમાં ભારે ચકચાર જગાવનારા આ કેસમાં વિદેશી તત્ત્વો ઉપરાંત, પાકિસ્તાન-કાશ્મીર કનેકશન સામે આવ્યું હતું. આ સિવાય હિન્દુઓને મુસ્લિમ બનાવવા ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાના ધર્માંતરણના કાવતરા માટે વિદેશથી મોટાપાયે ભંડોળ આવતું હોવા સહિતના અનેક મોટા ખુલાસાઓ સામે આવ્યા હતા. ત્યાર બાદ ખુદ જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઇ પણ આ ખતરનાક ષડયંત્રની મોડેસ ઓપરેન્ડી, તેના પ્રિ પ્લાનિંગ ઘટનાક્રમ અને લાંબા ગાળાના ટાર્ગેટ તેમજ બહુ પદ્ધતિસરના આયોજનને લઈ ચોંકી ઉઠયા હતા. હાઇકોર્ટે ધર્માંતરણના આ ખતરનાક ષડયંત્રને અતિશય ગંભીર, ચેતવણી સમાન અને રાષ્ટ્રની સુરક્ષા માટે ખતરારુપ ગણાવી ગંભીર અવલોકન કરતાં જણાવ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ આ કેસમાં બહુ ગંભીર અને પ્રથમદર્શનીય કેસ બને છે. આટલા ગંભીર ગુનામાં તેઓને કોઈપણ પ્રકારની રાહત આપી શકાય નહીં.
ધર્માંતરણ બાદ જેહાદ અને કટ્ટરતાવાદ શીખવાડવામાં આવતા
ધર્માંતરણના આ ખતરનાક ષડયંત્રમાં સ્થાનિક મુસ્લિમ આરોપીઓ અન્ય આરોપીઓની મદદથી હિન્દુ પરિવારોના સભ્યોને જુદા જુદા સ્થળોએ લઈ તેમને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવ્યા બાદ મુસ્લિમ તરીકેની બહુ પદ્ધતિસરની તાલીમ આપતા હતા. જેમાં હિન્દુ નાગરિકોને મુસ્લિમ નામો ધારણ કરાવી તેમને કલમાં વાંચતા અને બોલતા શીખવાડવામાં આવતું હતું. એટલું જ નહીં, તેમને જેહાદ અને ઉશ્કેરણીજનક ભાષણો, સાહિત્ય અને મટીરીયલ્સ મારફતે તેમના માઇન્ડવોશ કરી કટ્ટર મુસ્લિમ બનાવવાના કાવતરાને અંજામ આપવામાં આવતો હતો.
વિદેશથી ભંડોળ આપનાર ફેફડાવાલા FIR પહેલાં 25 વખત ભારત આવીને ગયો
જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ આ કેસના મુખ્ય ષડયંત્રકાર અને હાલ ભાગેડુ એવા વિદેશમાં રહેતા આરોપી અબ્દુલ આદમ પટેલ ઉર્ફે ફેફડાવાલા હાજીની ખતરનાક ભૂમિકાને લઈને ગંભીર અવલોકન કરતાં જણાવ્યું કે, આરોપી ફેફડાવાલા ધર્માંતરણના કેસમાં એફઆઇઆર થઈ તે પહેલાં વિદશથી અત્યારસુધીમાં 25 વખત ભારતમાં આવીને ગયો છે અને એફઆઇઆર નોંધાયા બાદ તે એકપણ વાર ભારત આવ્યો નથી. તેની વિરુદ્ધમાં સીઆરપીસીની કલમ-41 (એ) હેઠળ સમન્સ અને કલમ-70 હેઠળનું ધરપકડ વોરંટ પણ જારી થયેલા છે.
આ પણ વાંચોઃ સુરતના ઉધનામાં બનેવીએ સાળા-સાળીની ઘાતકી હત્યા કરી, લગ્ન કરવાની જીદમાં લોહિયાળ ખેલ!
કેવી રીતે પર્દાફાશ થયો આ ખતરનાક ધર્માંતરણના ષડયંત્રનો...?
આ ખતરનાક ધર્માંતરણના ષડયંત્રનો પર્દાફાશ કેવી રીતે થયો તેની હકીકત પણ બહુ રસપ્રદ અને સનસનીખેજ છે. આમોદ ગામના જ વતની પ્રવીણ વસાવાને આરોપીઓની ટોળકીએ ધર્માંતરણના કાવતરામાં ફસાવ્યા અને તેમને મુસ્લિમ બનાવી ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવી મુસ્લિમ નામ ધારણ કરાવી દીઘુ હતું. જો કે, આરોપીઓ જુદી જુદી જગ્યાએ તેમને જેહાદ અને કટ્ટરતાવાદના ભાષણો અને પ્રવૃત્તિઓમાં માઇન્ડવોશના ઇરાદે લઇ જતા હતા. આ દરમિયાન એક જેહાદી કાર્યક્રમમાં તેના ભાષણો સાંભળી એક હિન્દુ તરીકે પ્રવીણ વસાવાનું લોહી ઉકળી ગયુ હતુ અને તેમને ખ્યાલ આવી ગયો હતો કે, આ માત્ર આમોદ પૂરતી વાત નથી પરંતુ સમગ્ર દેશભરમાં હિન્દુઓને ધીરે ધીરે તબક્કાવાર મુસ્લિમ બનાવી ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાનું બહુ લાંબા ગાળાનું ષડયંત્ર અને આયોજન છે. પ્રવીણ વસાવાએ જયારે આખી વાતનો વિરોધ કર્યો ત્યારે આરોપીઓએ તેને પાકિસ્તાન-કાશ્મીર કનેકશનના હવાલા આપી તેમને મારી નાંખવાની ધમકી આપી અને ડરાવી મૂકયા હતા. જો કે, પ્રવીણ વસાવાના અંતરાત્માએ તેમને ઝંઝોળી નાંખતા આખરે તેમણે આ સમગ્ર ષડયંત્રને લઈ 15 નવેમ્બર, 2021ના દિવસે આમોદ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં અનેક ચોંકાવનારા અને સનસનીખેજ ખુલાસાઓ સામે આવ્યા હતા.
કયા કયા આરોપીઓની પિટિશનો હાઇકોર્ટે ફગાવી?
- અબ્દુલ આદમ પટેલ ઉર્ફે ફેફડાવાલા હાજી (રહે.લંડન, હાલ ભાગેડુ)
- વરયાવા અબ્દુલ વહાબ મહમૂદ (ભાગેડુ)
- સરફરાઝ સલીમ પટેલ
- શબ્બીર બેકરીવાલા ઉર્ફે પટેલ શબ્બીર મોહમ્મદ
- સમદ બેકરીવાલા ઉર્ફે પટેલ અબ્દુલ સમદ મોહમ્મદ
- હસન ઇસા ટીસલી
- ઇસ્માઇલ અછાડવાલા આકા ડેલાવાલા મૌલવી ઉર્ફે પટેલ ઇસ્માઇલ યાકુબ
- ઐયુબ બશીર પટેલ
- અબ્દુલ અઝીઝ પટેલ
- યુસુફ જીવણ પટેલ
- ઐયુબ બરકત પટેલ
- ઇબ્રાહીમ પૂના પટેલ
ધર્માંતરણ કેસમાં હાઇકોર્ટના મહત્ત્વના અવલોકનો
ગુજરાતના સૌથી મોટા ધર્માંતરણના કેસમાં જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈએ બહુ મહત્ત્વપૂર્ણ અવલોકનો કરતાં જણાવ્યું કે, આ માત્ર એક વ્યકિતના ધર્માંતરણનો કેસ નથી પરંતુ લાર્જર કોન્સ્પીરસી(મોટા વ્યાપક ગુનાઇત ષડયંત્ર)નો મોટો ભાગ છે. ધર્માંતરણના આટલા ગંભીર અને સંવેદનશીલ કેસની તપાસ અને ટ્રાયલને કેસના પ્રારંભિક તબક્કે રોકી શકાય નહીં. કારણ કે, આ કેસમાં આરોપીઓ સામે બહુ પ્રથમદર્શનીય ગંભીર ગુનો સ્પષ્ટ થાય છે.
આટલા ગંભીર અને સંવેદનશીલ કેસની તપાસ અને ટ્રાયલ પ્રારંભિક તબક્કે જ રોકી શકાય નહીં : હાઇકોર્ટ
હાઇકોર્ટે કેસની તપાસ અને ટ્રાયલની પ્રક્રિયાને લીલીઝંડી આપતાં વઘુમાં જણાવ્યું કે, ટ્રાયલ કોર્ટે પણ હાઇકોર્ટના આ અવલોકનોથી પ્રભાવિત થયા વિના કેસના ટ્રાયલની સુનાવણી કરવાની રહેશે. તપાસ એજન્સીએ પણ આ ગંભીર ગુના અને ષડયંત્રના મૂળ સુધી પહોંચી તપાસ હાથ ધરવી જોઇએ. આ કેસમાં વધુ કોઈ મટીરીયલ્સ કે પુરાવા મળે તો તપાસ એજન્સીએ પૂરવણી ચાર્જશીટ કે જરુરી રિપોર્ટ પણ સક્ષમ કોર્ટ સમક્ષ રજૂ કરવા જોઈએ. હાઇકોર્ટે વિદેશમાં વસતા અને આ કેસમાં ભાગેડુ એવા અબ્દુલ આદમ પટેલ ઉર્ફે ફેફડાવાલા હાજીની ભૂમિકાને લઈ ગંભીર ટીકા કરતાં જણાવ્યું હતું કે, આરોપી દ્વારા તપાસમાં સાથ સહકાર નહીં અપાવાના કારણે તપાસ પૂરી થઈ શકી નથી.