Get The App

ગુજરાત બોર્ડના ગુજરાતી ભાષાના જ પેપરમાં અસંખ્ય ભાષાકીય ભૂલ, એક તો પ્રશ્ન જ ખોટો

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત બોર્ડના ગુજરાતી ભાષાના જ પેપરમાં અસંખ્ય ભાષાકીય ભૂલ, એક તો પ્રશ્ન જ ખોટો 1 - image

Gujarati Paper Errors: ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને હાલ ઉત્તરવહી મૂલ્યાંકન શિક્ષકો દ્વારા ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતી ભાષાના શિક્ષકોના ધ્યાને ધોરણ 12 સામાન્ય પ્રવાહના ગુજરાતી પ્રથમ ભાષાના પેપરમાં અસંખ્ય ભૂલો ધ્યાને આવી છે. ગુજરાત બોર્ડના જ ગુજરાતી ભાષાના પેપરમાં આટલી બધી ભૂલો હોય તો વિદ્યાર્થીઓ કઈ રીતે ગુજરાતી શીખશે અને ગુજરાતી વ્યાકરણનું જ્ઞાન વિદ્યાર્થીઓને કઈ રીતે આવશે તે મોટો પ્રશ્ન ઉઠ્યો છે.

ગુજરાતી ભાષાના જ પેપરમાં ભાષાકીય ભૂલ

મળતી માહિતી અનુસાર, 10મી માર્ચે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ ભાષાના પેપરોની પરીક્ષા હતી. જેમાં ગુજરાતી પ્રથમ ભાષાના પેપરમાં અસંખ્ય ભાષાકીય ભૂલો-વ્યાકરણ ભૂલો હોવાનું ધ્યાને આવ્યું છે. ઉત્તરવહી તપાસતા શિક્ષકોના જણાવ્યા મુજબ નાની-મોટી 70થી 80 જેટલી ભૂલો જોવા મળી છે. જેમાં ખાસ કરીને એક કવિતાની પંક્તિમાં ‘ઘોને’ બદલે ‘ધોન’ લખ્યું છે તો 46 નંબરના પ્રશ્નમાં તળપદા શબ્દોમાં ચિયોને જગ્યાએ ચિપો લખ્યું છે. જ્યારે પ્રશ્ન નંબર 1ના વિકલ્પોમાં ‘નૈષધને’ બદલે ‘નિષધ’ લખ્યું છે. આ ઉપરાંત 36 નંબરના પ્રશ્નમાં ‘રાજીપો’ ની જગ્યાએ ‘રાજીયો’ લખ્યું છે. 40 નંબરના પ્રશ્નમાં ‘નહોતી’ લખવાને બદલે ‘ન હોતી’ એવું લખ્યું છે.

વિભાગ-ડીમાં અર્થગ્રહણમાં કાવ્ય પંક્તિમાં ‘રસદાર’ ને બદલે ‘રસધર’ લખ્યું છે. પ્રશ્ન નં. 81માં આપેલ ગદ્યખંડમાં યક્ષપર્વને બદલે પક્ષપર્વ લખ્યું છે. વિભાગ-બીમાં 16 નંબરના પ્રશ્નમાં દીક્ષા આપવાનો આગ્રહ કોણે કર્યો તેવા પ્રશ્નને બદલે દીક્ષા કોણે આપી તેવું લખ્યું છે. આમ ઘણા પ્રશ્નોમાં શબ્દો જે હોવા જોઈએ તેના બદલે બીજા હોવાથી ખોટા અર્થ પણ થતા હોવાની ફરિયાદ છે.

આ પણ વાંચો: ફરવાનું સ્થળ રિવરફ્રન્ટ બન્યું 'સ્યુસાઈડ પોઇન્ટ'! છેલ્લા 10 વર્ષમાં 1628 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું

પેપર તપાસનાર શિક્ષકને 1 ભૂલ બદલ 100 રૂપિયા નો દંડ છે તો પેપર સેટરને દંડ થશે કે નહીં ?

આમ આવી મોટી ભૂલો ઉપરાંત અનેક જગ્યાએ બે શબ્દો વચ્ચે અંતર નથી તેનાથી પણ વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. અનુસ્વાર મુકવાથી માંડી નું, ના, ની સહિતની પણ અનેક વ્યાકરણલક્ષી ભૂલો છે. શિક્ષકોનું કહેવું છે કે પેપર તપાસનાર શિક્ષક જો એક ભૂલ કરે તો 100 રૂપિયાનો દંડ છે ત્યારે અહીં ગુજરાતી ભાષાનું પેપર તૈયાર કરનાર પેપર સેટરે અનેક ભૂલ કરી છો તો હવે બોર્ડ દ્વારા તપાસ કરીને તેને ભૂલ કરાશે કે નહીં? ગુજરાતી વિષય અને ગુજરાતી માધ્યમમાં ભણવાનો હેતુ જ વિદ્યાર્થીને ભાષાની સાચી સમજ આવે અને માતૃભાષાનું જ્ઞાન થાય તે માટેનો હોય છે. વિષય શિક્ષકોના જણાવ્યા મુજબ ધોરણ 12ના ગુજરાતીના એક પ્રશ્નમાં તો મોટી ભૂલ હોવાથી પ્રશ્ન જ ખોટો સાબિત થયો છે. જેથી વિદ્યાર્થીને 1 માર્કનું નુકશાન થાય તેમ હોવાથી એક માર્કનું ગ્રેસિંગ આપવું પડશે.