Gujarat

પાકિસ્તાની જાસૂસી નેટવર્ક અંગે ગુજરાત ATSએ કર્યા ખુલાસા, બે જાસૂસોની કરતૂતો ઉઘાડી પાડી

By GS TEAM
4 Dec 20252 mins read
TukuTouch Logo
ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ ટેક્નિકલ અને ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સના આધારે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સી (PIO) દ્વારા સંચાલિત એક મોટા દેશ વિરોધી જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં ગુજરાત ATSએ ગોવામાંથી એક નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમાર સુરેન્દ્રસિંહ અને દમણમાંથી એક મહિલા એજન્ટ રાશમની રવિન્દ્ર પાલની ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાની જાસૂસી નેટવર્ક અંગે ગુજરાત ATSએ કર્યા ખુલાસા, બે જાસૂસોની કરતૂતો ઉઘાડી પાડી

Gujarat ATS: ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડે(ATS) ટેક્નિકલ અને ફાયનાન્સિયલ ઇન્ટેલિજન્સના આધારે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સી (PIO) દ્વારા સંચાલિત એક મોટા દેશ વિરોધી જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં ગુજરાત ATSએ ગોવામાંથી એક નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમાર સુરેન્દ્રસિંહ અને દમણમાંથી એક મહિલા એજન્ટ રાશમની રવિન્દ્ર પાલની ધરપકડ કરી છે.

ખોટી ઓળખથી સુબેદારને ફસાવ્યો

તપાસમાં સામે આવ્યું છે કે PIO હેન્ડલરો સોશિયલ મીડિયા પર ખોટી ઓળખનો ઉપયોગ કરીને ભારતીય સુરક્ષા દળોના જવાનોને ફસાવતા હતા. PIOએ અંકિતા શર્માના ખોટા નામ હેઠળ નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમાર સિંહ સાથે 2022માં તેમના દીમાપુર પોસ્ટિંગ દરમિયાન સંપર્ક કર્યો હતો. અજયકુમારે PIOને આર્મીના યુનિટ, પોસ્ટિંગ, મુવમેન્ટ, અધિકારીઓની બદલીઓ વગેરે જેવી સંવેદનશીલ માહિતી નાણાકીય લાભના બદલામાં શેર કરી હતી.

PIOએ અજયકુમારના મોબાઇલમાં ટ્રોઝન માલવેર ફાઇલ પણ મોકલી હતી. આ માલવેર ઇન્સ્ટોલ થવાથી PIO હેન્ડલરો વોટ્સએપ વગર પણ તેના ડેટાનો સીધો એક્સેસ મેળવી શકે તેમ હતા.

આ પણ વાંચો: અમદાવાદ: NSUIની રેલીમાં નિયમોના ધજાગરા: કોંગ્રેસ નેતાઓ હેલ્મેટ વિના બાઈક પર દેખાયા



મહિલા એજન્ટ દ્વારા સેનાના જવાનોને ફસાવવાનું ષડયંત્ર

દમણ ખાતે રહેતી રાશમની રવિન્દ્ર પાલ આ નેટવર્કમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હતી. તે પાકિસ્તાની હેન્ડલરો અબ્દુલ સત્તાર અને ખાલીદ માટે એક મહત્ત્વપૂર્ણ માધ્યમ તરીકે કામ કરતી હતી. નાણાકીય લાભના બદલામાં, રાશમનીને 'પ્રિયા ઠાકુર' નામની ખોટી ઓળખ બનાવીને ભારતીય આર્મીના જવાનો સાથે મિત્રતા કરવા અને ગુપ્ત માહિતી મેળવવાની સૂચના આપવામાં આવી હતી. હેન્ડલરોએ રાશમનીને આર્મીની અમુક યુનિટ્સના યુદ્ધ અભ્યાસ અને મુવમેન્ટ અંગે ખાસ તપાસ કરવા જણાવ્યું હતું.

PIO હેન્ડલરો પાકિસ્તાનથી ઓપરેટ કરતા હતા

તપાસમાં આરોપીઓના મોબાઇલમાંથી આંતરરાષ્ટ્રીય નંબરોથી વોટ્સએપ કોલ અને નાણાકીય વ્યવહારોની વિગતો મળી આવી છે. IP એડ્રેસની ચકાસણીમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે આ જાસૂસી નેટવર્કના મુખ્ય હેન્ડલરો પાકિસ્તાનથી ઓપરેટ કરતા હતા (મુલ્તાન, સરગોધા અને લાહોર).

ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસની ટીમે અન્ય રાજ્યની એજન્સીઓની મદદથી 3-12-2025ના રોજ આ બંને આરોપીઓ સામે કલમ 61 અને 148 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાવતરામાં સંડોવાયેલા અન્ય ઇસમો સામે પણ વધુ તપાસ ચાલુ છે.