Get The App

ગાંધીનગરમાં વિધાનસભાને બોમ્બની ધમકી, કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં જઈને બેઠાં, કહ્યું- પ્રજાને મેસેજ આપવો જરૂરી

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
ગાંધીનગરમાં વિધાનસભાને બોમ્બની ધમકી, કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં જઈને બેઠાં, કહ્યું- પ્રજાને મેસેજ આપવો જરૂરી 1 - image

Gandhinagar News : ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આજે સનસનાટી મચી ગઈ છે. અનામી ઇમેલ દ્વારા મળેલી આ ધમકીમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિધાનસભા સહિત રાજ્યના અનેક મહત્વના ઠેકાણે બોમ્બ મૂકવામાં આવ્યા છે. આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે, તે પૂર્વે જ આ પ્રકારની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ ભારે દોડધામ મચી ગઇ છે. 

સવારે 9 વાગ્યે બેઠક પહેલા ધમકી

આજે સવારે 9 વાગ્યે મળનારી વિધાનસભાની બેઠક આ ધમકીને પગલે તાત્કાલિક અસરથી મોકૂફ રાખવામાં આવી છે. ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ તમામ ધારાસભ્યો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી આખું સંકુલ ખાલી કરાવાયું હતું. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે.

પોલીસની વિવિધ ટીમોનો ખડકલો

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS), બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ આખા સંકુલને ઘેરી લઈને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઇમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે અંગે સાયબર ક્રાઈમની ટીમ તપાસ કરી રહી છે. હાલ સમગ્ર ગાંધીનગરમાં હાઈ-એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

કોંગ્રેસી ધારાસભ્યોની માગ

ગાંધીનગર ખાતે વિધાનસભામાં ઇમેલની ધમકી મળ્યા બાદ ભાજપના મંત્રીઓને ધારાસભ્યો સ્વર્ણિમ સંકુલ 1 - 2 ખાતે જવાની સૂચના આપવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્યો મેં કોઈ સૂચના વિધાનસભા ધ્વારા આપવામાં આવી ન હતી. ભાજપના ધારાસભ્ય વિધાનસભામાં થી ભાગતા નજરે પડ્યા હતા, જ્યારે એક મંત્રી પોતાની કેબીનમાંથી ભાગ્યા હતા.

કોંગ્રેસ ધારાસભ્યોએ સ્થળ ન છોડ્યું

આ બાબતે કોંગ્રેસ પક્ષના સિનિયર ધારાસભ્ય અને પક્ષના દંડક શૈલેષ પરમારે જણાવ્યું હતું, "આ ફેકુ સરકારમાં ફેક ઇમેઇલ મળ્યા છે, અમે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો એ સ્થળ છોડ્યું નથી, ગૃહ કોઈ સંજોગોમાં છોડવું ન જોઈએ આવા ઈમેલથી , આતો સરકાર ડરી ગઈ છે તો પ્રજામાં કેવો મેસેજ જાય. તેમણે જણાવ્યું હતું કે વિધાનસભામાં પત્રકારો, પોલીસ અને કોંગ્રેસના ધારાસભ્ય સિવાય તમામ લોકોએ ખાલી કરી દીધી."

ગૃહની કાર્યવાહી ખોરંભે ચડી

ઇમેઇલ ધમકી મળતાની સાથે જ ગૃહની કાર્યવાહી શરૂ થાય એ પહેલા જ અધિકારીઓને કર્મચારીને સૂચના આપવામાં આવી હતી ત્યારબાદ તેઓ એ વિધાનસભામાં પોતાના કેબિન છોડી દીધા હતા. વિધાનસભા ખાતે ચેકિંગ ગેટ આગળ માત્ર ધારાસભ્યોને જવાની સૂચના હતી ત્યારે તેમના સ્ટાફને તેમની સાથેના જવા દેવા માટે પોલીસે જણાવેલ હતું.

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી

અમદાવાદમાં બોર્ડની પરીક્ષાના અંતિમ દિવસે સનસનાટી મચી ગઈ છે. શહેરની જાણીતી શાળાઓને ઈ-મેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર હરકતમાં આવ્યું છે. ખાસ કરીને મેમનગરની મહારાજા અગ્રસેન સ્કૂલ, ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલ અને શાંતિ એશિયાટિક સ્કૂલ જેવી સંસ્થાઓને નિશાન બનાવીને આ ધમકીભર્યા મેઇલ મોકલવામાં આવ્યા છે.

પોલીસની ટીમો શાળાએ પહોંચી

આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો તાત્કાલિક શાળાઓ પર પહોંચી ગઈ હતી. વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ આ મેઇલ ક્યાંથી અને કોણે મોકલ્યો છે તે જાણવા માટે સાયબર ક્રાઈમની મદદ લઈ રહી છે અને વાલીઓને ગભરાવાને બદલે સતર્ક રહેવા અપીલ કરી છે.

ગાંધીનગરમાં વિધાનસભાને બોમ્બની ધમકી, કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં જઈને બેઠાં, કહ્યું- પ્રજાને મેસેજ આપવો જરૂરી 2 - image