ખેતીની જમીનની નોંધણી ટલ્લે ચઢી, ચાર દિવસમાં ત્રણ જુદા-જુદા પરિપત્રો, તંત્રના દરરોજ બદલાતા સૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| AI IMAGE |
Ahmedabad News: રેવન્યુ વિભાગમાં બદલાયેલા નિયમોની અમલવારી માટે નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરીના અધિકારીઓ ગોથે ચડ્યા છે. ખેતીની જમીનના દસ્તાવેજોની નોંધણી માટે ચાર દિવસમાં ત્રણ જુદા-જુદા પરિપત્ર કરી ત્રણેયમાં વિરોધાભાસી સૂચનાઓ અપાતા સબ રજિસ્ટ્રાર ઓફિસના કર્મીઓ તેમજ ખેડૂત ખાતેદારો મૂંઝાઈ ગયા છે. તેવામાં દસ્તાવેજોની નોંધણી સરળ બનાવવાના દાવા વચ્ચે ઉલટાનું પ્રક્રિયા ટલ્લે ચડી ગઈ છે.
25 વર્ષનાં રેકોર્ડ તપાસવા જણાવાયુ
પહેલાં બે પરિપત્રમાં ખરીદનાર ખેડૂતનો 25 વર્ષનો રેકોર્ડ ચકાસવા સૂચના, પણ હવે વેચનારની નોંધોની તપાસ થશે. નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી દર વર્ષે ખેતીની જમીનના દસ્તાવેજોની નોંધણી માટે જુદા-જુદા પરિપત્ર બહાર પાડી અવનવી જોગવાઈઓ કરાઈ રહી છે. તેવામાં આ વર્ષે તો ચાર દિવસમાં ઉપરાઉપરી ત્રણ પરિપત્ર બહાર પડાતા ખેડૂત ખાતેદારો પણ અવઢવમાં છે. પહેલાં પરિપત્રમાં ખેતીની જમીન ખરીદનાર વ્યક્તિ ખેડૂત હોવાના પુરાવા રૂપે તેની જમીનના રેવન્યુ રેકોર્ડમાં છેલ્લાં 25 વર્ષ દરમિયાન કરાયેલી તમામ નોંધોના ઉતારા દસ્તાવેજમાં રજૂ કરવા સબ રજિસ્ટ્રાર કચેરીઓને સૂચના અપાઈ હતી.
સમગ્ર મામલો ગૂંચવાયો
ત્યાર બાદ બીજા પરિપત્રમાં પણ આવી જ કંઈક સૂચના આપી સોગંદનામાનો ઉમેરો કરાયો હતો. જ્યારે આજે કરાયેલા ત્રીજા પરિપત્રમાં હવે માત્ર કબજેદારની કોલમની 25 વર્ષની તમામ નોંધ ધ્યાને લેવાનો ઉલ્લેખ કરાયો છે. એટલે હવે વેચનાર ખેડૂતની ખરાઈ કરાશે! જેનો કોઈ અર્થ રહેતો નથી. અગાઉ બે પરિપત્રની સ્પષ્ટતા માટે કરાયેલા આ સ્પષ્ટાત્મક પરિપત્રથી ઉલટાનો મામલો વધુ ગૂંચવાયો છે.
આ પણ વાંચો : ઈરાન યુદ્ધમાં સીઝફાયર છતાં ટ્રમ્પની વધી મુશ્કેલી, 85 સાંસદોએ માગ્યું રાજીનામુ, સત્તા ગુમાવશે?
કઈ તારીખે શું પરિપત્ર થયો?
4 એપ્રિલ: દસ્તાવેજ કરાવી લેનાર (ખરીદનાર) ના ખેડૂત ખાતેદારના પુરાવા રૂપે ગામ નમૂના નં. 6 ની તમામ નોંધના ઉતારા દસ્તાવેજનો ભાગ બનાવવા
6 એપ્રિલ: ખરીદનારના માતા-પિતાના ખાતે ચાલતી ખેતીની જમીનની 7-12 ની નકલ તથા ૬ નંબરની તમામ નોંધના ઉતારા રજૂ કરવા અથવા નિયત નમૂનાનું સોગંદનામું
7 એપ્રિલ: માત્ર કબજેદારની કૉલમની 25 વર્ષની તમામ નોંધો સમજવાની રહેશે
17-ડી ની નોટિસના ચૂંટણીલક્ષી નિર્ણયથી દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા પાંચેક ગણી ધીમી પડી!
સોદાની પ્રક્રિયા સરળ બનવાને બદલે ગૂંચવાડો
જમીનોના સોદાની પ્રક્રિયા સરળ બનાવી હોવાના મુદ્દે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જશ ખાટવા મહેસૂલ વિભાગ દ્વારા કોઈ પણ પૂર્વ આયોજન વગર વટહુકમથી જુના કાયદાઓમાં ફેરફાર કરાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને ગ્રામ્ય પ્રજાજનોને ખુશ કરવા માટે ઉતાવળે લવાયેલા 17-ડી ની નોટિસ રદ કરવાના નિર્ણયથી રેવન્યુ અને નોંધણી ખાતામાં અનેક મુશ્કેલીઓ પેદા થઈ છે. એક બાજુ સરકાર તે જ દિવસે પાકી એન્ટ્રી પાડવાના દાવા કરે છે. જ્યારે બીજી બાજુ ખેતીની જમીનના સોદામાં ખરીદનાર અને વેચનારની 25 વર્ષની તમામ નોંધો દસ્તાવેજમાં રજૂ કરવાની જોગવાઈ કરાઈ છે. જેથી નોંધણી પ્રક્રિયા સરળ બનાવવાને બદલે પાંચેક ગણી ધીમી પડી શકે છે.








