સુરતમાં સરકારી શાળાના બાળકોની બેન્ચો ઉપાડીને કોલેજના સ્ટુડન્ટ્સને આપી દીધી, વાલીઓ ભડક્યાં
Surat School News: સુરતના લિંબાયતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ઈશ્વરનગરમાં સંચાલિત એક કોલેજને ભાઠેનામાં ટ્રાન્સફર કરી દેવાનો નિર્ણય લેવાયો હતો. જોકે અહીં સર્વ શિક્ષા અભિયાન હેઠળ નગર પ્રાથમિક શિક્ષક સમિતિના બાળકોની બેન્ચો છીનવીને કોલેજના વિદ્યાર્થીઓને ફાળવી દેવાનો મામલો સામે આવ્યો છે. જેના કારણે પ્રાથમિક શાળાના બાળકોને નીચે બેસીને ભણવાનો વારો આવતા વાલીઓ પણ ભડક્યાં છે.
કેમ્પસમાં આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
સુરતની પ્રજા લાંબા સમયથી સરકારી કોલેજની માંગણી પુરી કરી રહી હતી ત્યારે સરકારે મોટા ઉપાડે લિંબાયતમાં સરકારી કોલેજની જાહેરાત કરી હતી. જોકે, સરકારે જગ્યાની ફાળવણી પણ કરી ન હોવાથી ભાજપના શાસકોએ સુરતની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ભોગ લઈને લિંબાયત ઈશ્વર નગરના એક કેમ્પસમાં કોલેજ માટે એક બે નહીં પણ 15 ઓરડા ફાળવી દીધા હતા.
નેતાઓના આદેશથી શાળાના શિક્ષકો પણ લાચાર
આ ઓરડા આપવાનો નિર્ણય શાસકોનો છે અને તેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો ને ભારે મુશ્કેલી પડી હતી. ફરિયાદ એવી હતી કે નેતાઓના આદેશથી શાળાના વર્ગખંડ આપી દેવામાં આવતા શિક્ષકો પણ લાચાર બની ગયાં છે. કોલેજના ભોગે હવે પ્રાથમિક શિક્ષણ માટે આવતા વિદ્યાર્થીઓને ઓછી જગ્યામાં ભણવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. એક વર્ગમાં એક કરતાં વધુ વર્ગના વિદ્યાર્થીઓને બેસવાની ફરજ પાડવામાં આવી રહી છે. વાલીઓ અને શિક્ષકોની ફરિયાદબાદ હાલમા આ કોલેજ માટે ભાઠેમાં જગ્યા ફાળવી દેવામાં આવી હોવાના અહેવાલ છેપરંતુ હજી પણ ગરીબ વિદ્યાર્થીઓના ભોગે સરકારી કોલેજને સુવિધા આપવા માટેના ધખારા યથાવત જોવા મળી રહ્યાં છે.
ગરીબ બાળકોનો વિચાર કર્યા વિના જ બેન્ચો કોલેજમાં શિફ્ટ કરી દેવાઈ
અધિકારીઓ દ્વારા ઈશ્વર નગર અને અન્ય શાળાઓ જેમના ક્રમાંક છે 47, 66, 140, 146, 246, 247 મળીને કુલ 370 બેન્ચ કોલેજને ફાળવવા માટે 19 જુનના રોજ આદેશ કરવામાં આવ્યો હતો. આ પત્રના બીજા જ દિવસે 20 જૂનના રોજ ગરીબ બાળકોનો વિચાર કર્યા વિના જ બેન્ચ કોલેજમાં શિફ્ટ કરી દેવામા આવી હતી. આ નિર્ણય સામે વાલીઓમાં ભારે આક્રોશ છે. આ વિસ્તારના સમાજ સેવક રૂપેશ દેશમુખ કહે છે, પ્રાથમિક બાળકોનો હક્ક છીનવી કોલેજના બાળકોને ગેરકાયદે રીતે શાળા અને બેન્ચો આપવામાં આવેલ છે જે યોગ્ય નથી.
ગરીબ બાળકો હવે જમીન પર બેસી અભ્યાસ કરી રહ્યાં છે
આ નિર્ણયના કારણે બેન્ચ પર બેસતા ગરીબ બાળકો હવે જમીન પર બેસી અભ્યાસ કરી રહ્યાં છે જે ઘણી જ દુઃખની વાત છે. આ બેન્ચ સર્વ શિક્ષા અભિયાન હેઠળ સમિતિના વિદ્યાર્થીઓ માટે આવી હતી તો કોલેજને શા માટે ફાળવી દેવામાં આવી તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી.