સુરતમાં વરસાદી આફત બાદ અસરગ્રસ્ત વિસ્તારમાં પાલિકાની યુધ્ધના ધોરણે સફાઈ કામગીરી, 1962 કામદારોએ કરી સફાઈ
Surat Heavy Rain : સુરતમાં સોમવારથી શરૂ થયેલી વરસાદી આફત હજી પણ છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ અને ખાડીના પાણી ભરાયા છે. જે વિસ્તારમાંથી પાણી ઓસરવાનું શરૂ થયું છે તે વિસ્તારમાં પાલિકાએ સફાઈ સાથે આરોગ્ય લક્ષી કામગીરી શરૂ કરી છે. પાલિકાના બે હજાર જેટલા સફાઈ કામદારોએ 10 જેસીબી અને 27 ટ્રકનો ઉપયોગ કરી સફાઈ કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત 160 સર્વેલન્સ વર્કરોએ 29,046 વસ્તીનો સર્વે કરી 13,636 કલોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સોમવારથી સુરતમાં આકાશમાં વરસી રહેલી આફત હજી પૂરી થઈ નથી પરંતુ જે વિસ્તારમાંથી પાણી ઓસરવાનું શરૂ થયું છે તે વિસ્તારમા સફાઈ કરવા સાથે આરોગ્ય લક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદના કારણે શહેરના વરાછા ઝોન-એ ના સણીયા હેમાદ, પુણા, કાપોદ્રા, વરાછા ઝોન-બીના સરથાણા, સીમાડા, રાંદેર ઝોનમાં પાલનપુર અને પાલ, કતારગામ ઝોનના કતારગામ, ડભોલી, છાપરાભાઠા, ઉધના ઝોન-એના ઉધના સંઘ, સોનલ ભેદવાડ, મીરાનગર, ઉધના ઝોન-બીના કનસાડ ગામ, લિંબાયત ઝોનના મીઠી ખાડી, આંજણા, ઉમરવાડા, પરવત તેમજ અઠવા ઝોનના રસુલાબાદ વિસ્તારોમાં નીચાણવાળા ભાગમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ઓસરતા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પાલિકાની આ કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગના 228 સુપરવાઇઝરોના સઘન મોનિટરિંગ અને સુપરવિઝન હેઠળ 1962 સફાઈ કામદારો 10 જેસીબી, 27 ટ્રક વડે અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 94.67 મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરી, 5038 કિ.ગ્રા. જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા 9450 ફૂડ પેકેટ, 4620 પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અસરગ્રસ્ત વિસ્તારો તથા શેલ્ટર હોમમાં 48 રેપિડ રિસ્પોન્સ ટીમ મારફત 160 સર્વેલન્સ વર્કર દ્વારા 29,046 વસ્તીનો સર્વે કરી 13,636 કલોરીન ટેબ્લેટનું વિતરણ કરાયું હતું. તેમજ તાવના 36, ઝાડા-ઉલટી 10 અને અન્ય 109 દર્દી મળી કુલ 155 લોકોને સ્થળ ઉપર સારવાર આપવામાં આવી હતી. તેમજ આ વિસ્તારોમાં આરોગ્ય લક્ષી શિક્ષણ જેમ કે વ્યકિતગત સ્વચ્છતા, પાણીને ઉકાળીને પીવું કલોરીન યુકત પાણી પીવાની સમજણ અપાઈ હતી.