Gujarat

પહેલાં પાસ મોંઘા કર્યા, હવે યુ-ટર્ન! ST બસમાં માસિક પાસ યોજનામાં સરકારે આપી રાહત; જાણો નવો નિયમ

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા દૈનિક મુસાફર પાસ યોજનાના નિયમોમાં લોકહિતલક્ષી સુધારો કરાયો છે. હવે મુસાફરોને 50% સુધીની ભાડા રાહત મળશે. 15 દિવસના ભાડામાં 30 દિવસ અને 45 દિવસના ભાડામાં 90 દિવસ મુસાફરી કરી શકાશે. આ નિર્ણયથી રાજ્યના 2.5 લાખથી વધુ નોકરિયાતો અને વેપારીઓને મોટો આર્થિક ફાયદો થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પહેલાં પાસ મોંઘા કર્યા, હવે યુ-ટર્ન! ST બસમાં માસિક પાસ યોજનામાં સરકારે આપી રાહત; જાણો નવો નિયમ

GSRTC Commuter Pass Scheme : ગુજરાતમાં એસ.ટી. બસમાં રોજિંદા અપડાઉન કરતા લાખો નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થી વર્ગના આર્થિક હિતને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(GSRTC) દ્વારા દૈનિક મુસાફર પાસ યોજનાના નિયમોમાં લોકહિતલક્ષી સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારા અંતર્ગત દૈનિક મુસાફર પાસ યોજનામાં ભાડા રાહત વધારીને 50 ટકા સુધી કરવામાં આવી છે. નિગમના આ નિર્ણયથી જાહેર પરિવહનનો ઉપયોગ કરતા મુસાફરોને સીધો આર્થિક ફાયદો પ્રાપ્ત થશે.

15 દિવસના ભાડામાં 30 દિવસ અને 45 દિવસના ભાડામાં 90 દિવસ મુસાફરી

એસ.ટી. નિગમે પાસ યોજનાના ભાડા માળખામાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. અગાઉ માસિક પાસ મેળવવા માટે મુસાફરે 18 દિવસનું ભાડું ચૂકવવું પડતું હતું, જેને ઘટાડીને હવે માત્ર 15 દિવસનું કરી દેવાયું છે. એટલે કે મુસાફરો હવે માત્ર 15 દિવસના ભાડામાં પૂરા 30 દિવસ સુધી મુસાફરી કરી શકશે. આ જ રીતે, ત્રિમાસિક પાસ ધારકો માટે અગાઉ 54 દિવસનું ભાડું વસૂલવામાં આવતું હતું, જેના સ્થાને હવે માત્ર 45 દિવસનું ભાડું ચૂકવીને સતત 90 દિવસ સુધી મુસાફરીનો લાભ મેળવી શકાશે.

રાજ્યના 2.5 લાખથી વધુ નોકરિયાતો અને વેપારીઓને સીધો લાભ

GSRTCના આ પ્રજાલક્ષી અને સુધારાત્મક નિર્ણયથી દૈનિક ધોરણે બસમાં અપડાઉન કરતાં આશરે 2.5 લાખથી વધુ નોકરિયાતો, શ્રમજીવીઓ અને નાના-મોટા વ્યવસાયી વર્ગને દર મહિને મોટો આર્થિક ફાયદો થશે. નિગમનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને આર્થિક બોજમાંથી મુક્તિ અપાવીને સલામત, સુવિધાજનક અને ગુણવત્તાસભર જાહેર પરિવહન સેવાનો મહત્ત્વપૂર્ણ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

અગાઉ કરાયો હતો વધારો હવે યુ ટર્ન

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 26 જૂન 2025માં સંચાલકીય ખર્ચ વધતાં ભાડામાં વધારો કરાયો હતો. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે(GSRTC) બસોમાં વધતા ભારણ અને સંચાલકીય ખર્ચને કારણે દૈનિક પાસ યોજનામાં સુધારો કરી મુસાફરો પર ભાડાનું ભારણ વધારવાનો નિર્ણય લીધો હતો. અને અગાઉ 15 દિવસના ભાડામાં 30 દિવસની મુસાફરી મળતી હતી, જેમાં સુધારો કરીને હવે 18 દિવસનું ભાડું ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે 45 દિવસના ભાડામાં 90 દિવસ મુસાફરીની યોજના સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી હતી. અને તેના બદલે હવે 36 દિવસનું ભાડું ચૂકવી 60 દિવસની મુસાફરીનો પાસ યોજના શરૂ કરી હતી. જે કે હવે સરકાર દ્વારા પહેલાની તમામ સ્કિમો ફરી શરૂ કરી દેવાઇ છે. 45 દિવસનું ભાડું ચૂકવીને 90 દિવસ મુસાફરી કરી શકાશે. ઉપરાંત 18 દિવસનાં બદલે હવે 15 દિવસનું ભાડું ભરી 30 દિવસ મુસાફરી કરી શકાશે.