Gujarat

લીંબડીમાં સોની વેપારીઓએ અડધો દિવસ બંધ પાળી આવેદન પાઠવ્યું

By GS TEAM
25 Feb 20261 min read
લીંબડીમાં સોની વેપારીઓએ અડધો દિવસ બંધ પાળી આવેદન પાઠવ્યું

આરોપી સામે દાખલારૃપ કાર્યવાહી કરી પરિવારને ન્યાય આપો

હત્યારાઓને કડક સજા આપવાની માંગ સાથે સોની સમાજ, સમસ્ત વણિક સોશિયલ ગુ્રપ દ્વારા મામલતદારને આવેદન

લીંબડી - મોરબીમાં સોની યુવાનની હત્યાના સૌરાષ્ટ્રના સોની સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. બનાવના પગલે સોની સમાજમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે. હત્યાના વિરોધમાં આજે લીંબડી શહેરમાં સોની વેપારીઓએ અડધો દિવસ બંધ પાળી મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું.

મોરબીમાં સામાન્ય બાબતે ગત ૧૯મી ફેબુ્રઆરીના રોજ સોની યુવાનની હત્યા નિપજાવી હતી. આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. આજે લીંબડીમાં સોની બજારના વેપારીઓએ બંધ પાળ્યો હતો. લીંબડી શહેરના વીશા શ્રીમાળી સોની સમાજ તથાં નવ નાત વણિક સંગઠનના સોશિયલ ગુ્રપ ના અગ્રણીઓ દ્વારા ગૃહ મંત્રી તથાં જિલ્લા કલેકટરને સંબોદીને લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાને સેવાસદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી.

આ મામલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સોની સમાજના અગ્રણીઓ દ્વારા નિષ્પક્ષ અને ત્વરિત તપાસની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આરોપીઓને કડક સજા ફટકારી સમાજમાં દાખલો બેસે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં બપોર પછી સમસ્ત સોની સમાજે પોતાના ધંધા-રોજગાર સ્વયંભૂ બંધ રાખી શોક વ્યક્ત કર્યોે હતો. આ તકે મુકેશભાઈ માલવિયા, મુકેશભાઈ શેઠ અને રવિલાલભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં વેપારીઓ અને સમાજના અગ્રણીઓ હાજર રહી ન્યાયની માંગ કરી હતી.