Gujarat

ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગનો સૂત્રધાર હસન અને હુસેન ૧૫ દિવસના રિમાન્ડ પર

By GS TEAM
16 Oct 20252 mins read
ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગનો સૂત્રધાર હસન અને હુસેન ૧૫ દિવસના રિમાન્ડ પર

વડોદરા : ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોના સામાનની ચોરી કરવી, લૂંટ કરવી તેમજ સરકારી કર્મચારી પર હુમલો કરવા સહિતના અસંખ્ય ગુના આચરનારી સંગઠીત સિગ્નલ ફળિયા ગેંગના સૂત્રધાર હસન તેમજ અન્ય એક આરોપીને ઝડપી લેવામાં આવ્યા બાદ આજે બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ન્યાયાધીશે બન્ને આરોપીના તા.૨૯મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પોલીસે ધરપકડ કરેલા આરોપી હસન ઉર્ફે ટકન સલીમ શેખ અને હુસેન સલીમ શેખ (બન્ને રહે.સિંગલ ફળિયા,ગોધરા)ને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા સ્પેશિયલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે, સિગ્નલ ફળિયાના નામથી જે ગેંગ બનાવવામાં આવી હતી, તેનો સૂત્રધાર હસન ઉર્ફે ટફન છે.આ ગેંગ દ્વારા ૩૧ ગંભીર પ્રકારના ગુના આચરવામાં આવ્યા છે, જેમાં લૂંટ, સ્નેચિંગ, સરકારી કર્મચારી પર હુમલો, દારૃ, પ્રોહિબિશન તેમજ ઢોરની ગેરકાયદેસરની હેરાફેરી સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે.

આ ગેંગ અન્ય કેટલા ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા છે, કાનૂની મદદ કોણ કરે છે અને આરોપીઓને આશ્રય કોણે આપ્યો છે તેની તપાસ કરવાની છે.બનાવમાં સંડોવાયેલા અને હાલ ફરારબે આરોપી ઇમરાન અને યાસીન ફરાર હોઇ તે બન્ને આરોપીઓની વિગતો મેળવવાની છે. આરોપીઓએ ગુનાઓ આચરી કેટલી સંપત્તિ ખરીદી છે તેની તપાસ કરવાની છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ ગુનાને અંજામ આપ્યા બાદ મધ્યપ્રદેશના મેઘનગર ખાતે રેલવે સ્ટેશન પાસેની એક ઝૂંપડપટ્ટીમાં જઈ ત્યાં મુદ્દામાલનો ભાગ પાડી વેચવા બાબતે નિર્ણય લેતા હતા.આરોપીઓના બેંક એકાઉન્ટની પણ તપાસ કરવાની છે.