Gujarat

ગોધરાનો પ્રથમ સીએ ફાઈનલમાં12 મા ક્રમે, ઘરની કપરી આર્થિક સ્થિતિએ સફળતા માટે પ્રેરણા આપી

By GS TEAM
3 Nov 20251 min read
ગોધરાનો પ્રથમ સીએ ફાઈનલમાં12 મા ક્રમે, ઘરની કપરી આર્થિક સ્થિતિએ સફળતા માટે પ્રેરણા આપી

વડોદરાઃ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલી સીએ ફાઈનલ પરીક્ષાના આજે જાહેર થયેલા પરિણામમાં અમદાવાદના એક વિદ્યાર્થીએ ૧૦મો, સુરતના વિદ્યાર્થીએ સાતમો અને ગોધરાના વિદ્યાર્થી પ્રથમ અજમેરાએ દેશમાં ૧૨મો ક્રમાંક મેળવ્યો છે.

પ્રથમ  સીએનો અભ્યાસ કરવા માટે સાડા ચાર વર્ષ સુધી અમદાવાદમાં રહ્યો હતો અને ઈન્ટર્નશિપ કરી હતી.પ્રથમે કહ્યું હતું કે, મારા પિતા ગોધરાની કો ઓપરેટિવ બેન્કમાં ઉઘરાણીનું કામ કરે છે.ઘર ચલાવવામાં મદદ કરવા માટે માતા નાના મોટા ટયુશનો કરે છે.ઘરની કપરી આર્થિક સ્થિતિએ મને સફળતા મેળવવાની પ્રેરણા આપી હતી.હું અમદાવાદમાં જૈન ટ્રસ્ટની હોસ્ટેલમાં રહીને ભણ્યો હતો.જેથી ખર્ચ ઓછો આવે.માતા- પિતા પર ભારણ ના આવે તે માટે થોડી ઘણી લોન લીધી હતી અને સબંધીઓ પાસે પૈસા ઉછીના લીધા હતા.તેણે આગળ જણાવ્યું હતું કે, પરીક્ષાની તૈયારી સાથે છેલ્લી ઘડીનું રિવિઝન મહત્વનો ભાગ ભજવે છે.આ ઉપરાંત પરીક્ષાના ત્રણ કલાક દરમિયાન શાંત મગજ રાખવું અને સ્હેજ પણ દબાણ અનુભવ્યા વગર જવાબો લખવા જરુરી છે.મેં ઈન્ટરની જેમ ફાઈનલમાં પણ પહેલા જ પ્રયત્ને સફળતા મેળવી છે.હવે મારી ઈચ્છા સારી નોકરી મેળવવાની છે.જેથી પરિવારને પણ આર્થિક રીતે રાહત મળી શકે.