Get The App

માર્ચ એન્ડિંગ છતાં ગોધરા પાલિકાનો વહીવટ રામભરોસે, રૂ. 23 કરોડના વેરા સામે વસૂલાત માત્ર એક કરોડ!

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
માર્ચ એન્ડિંગ છતાં ગોધરા પાલિકાનો વહીવટ રામભરોસે, રૂ. 23 કરોડના વેરા સામે વસૂલાત માત્ર એક કરોડ! 1 - image


Godhra Municipality: નાણાકીય વર્ષ પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પંચમહાલની ગોધરા નગરપાલિકાનો વેરા વસૂલાત વિભાગ ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. શહેરના વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે પાલિકા બાકી વેરા વસૂલવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. કુલ 23 કરોડ રૂપિયાના બાકી વેરા સામે પાલિકા અત્યાર સુધી માત્ર 1 કરોડ રૂપિયાની જ વસૂલાત કરી શકી છે.

કચેરીઓ અને માલેતુજારો પણ વેરા ચૂકવવામાં નિષ્ફળ

આશ્ચર્યની વાત તો એ છે કે, સામાન્ય જનતા પાસે વેરાની કડક ઉઘરાણી કરતું તંત્ર સરકારી શાળાઓ, કચેરીઓ અને ગોધરાના માલેતુજારો સામે લાચાર જણાઈ રહ્યું છે. અનેક સરકારી સંસ્થાઓ અને મોટા માથાઓએ વર્ષોથી વેરો ચૂકવ્યો નથી, છતાં પાલિકાનો વસૂલાત વિભાગ તેમની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યો છે.

આ પણ વાંચો: વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના 35થી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ, કેમિકલ-પ્લાસ્ટિકના જથ્થાએ આગને બનાવી વિકરાળ

વર્તમાન અને માજી સભ્યોના પણ વેરા બાકી!

પાલિકાના વહીવટમાં સૌથી મોટો વિરોધાભાસ એ છે કે, જે સભ્યો શહેરના વિકાસની વાતો કરે છે, તેવા પાલિકાના કેટલાક વર્તમાન અને માજી સભ્યો પર પણ બાકી વેરાનો મોટો બોજ છે. જવાબદારો જ જ્યારે વેરો ન ચૂકવતા હોય, ત્યારે સામાન્ય નાગરિકોમાં પણ વહીવટી તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

વધુ ટીમો બનાવી કાર્યવાહીના સંકેત

આ ગંભીર નિષ્ફળતા અંગે ગોધરા પાલિકાના વસૂલાત વિભાગના અધિકારી સલીમ પઠાણે જણાવ્યું હતું કે, 'બાકી રહેતી રૂ. 22 કરોડની વસૂલાત માટે હવે વધુ ટીમો તૈયાર કરવામાં આવશે. આગામી દિવસોમાં વેરા વસૂલાતની કામગીરીમાં ગતિ લવાશે. જો કોઈ પણ વ્યક્તિ આ કામગીરીમાં રૂકાવટ ઊભી કરશે અથવા વેરો ભરવામાં આનાકાની કરશે, તો તેની સામે કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.'