Get The App

સાણંદમાં કરુણ ઘટના: ચરલ ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી બે કિશોરીના મોત, 2નો આબાદ બચાવ

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
સાણંદમાં કરુણ ઘટના: ચરલ ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી બે કિશોરીના મોત, 2નો આબાદ બચાવ 1 - image


Sanand Ahmedabad News: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચરલ ગામ પાસેથી એક હૃદયદ્રાવક ઘટના બની છે. જ્યાં તળાવમાં નહાવા પડેલી બે કિશોરીઓના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

સાણંદમાં તળાવમાં ડૂબી જવાથી બે કિશોરીઓના મોત

મળતી માહિતી મુજબ, સાણંદના ચરલ ગામ પાસે ભંગાર કોલોનીમાં રહેતા અને રસોઈકામ કરી ગુજરાન ચલાવતા બિહારના શ્રમિક પરિવારની ચાર કિશોરીઓ આજે(9 એપ્રિલ, 2026) બપોરના સમયે તળાવે કપડાં ધોવા માટે ગઈ હતી. જેમાં કપડાં ધોયા બાદ કાજલ, ચાંદની, રાગિણી અને સંજના નામની ચારેય કિશોરીઓ તળાવમાં નહાવા પડી હતી.

આ દરમિયા તળાવના ઊંડા પાણીમાં ચારેય કિશોરીઓ ડૂબવા લાગી હતી. ડૂબવાની ઘટનામાં બે કિશોરીનો આબાદ બચાવ થયો હતો, પરંતુ કમનસીબે કાજલ અને ચાંદની નામની બે કિશોરીઓ પાણીમાં ગરકાવ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ: 'બાળક તમારું નથી' કહી સાસરિયાએ જમાઈને આપી જાનથી મારવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ

સમગ્ર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો સ્થળે દોડી પહોંચ્યો હતો. પોલીસે બંને કિશોરીઓના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સાણંદ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. આ મામલે સાણંદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વતનથી દૂર રોજગારી માટે આવેલા શ્રમિક પરિવાર પર આભ તૂટી પડતા ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.