વન વિભાગની પોલ ખુલવાનો ડર? ગીરમાં સિંહોના મોત અંગેનો રિપોર્ટ જાહેર કરવા મુદ્દે સરકારનું ભેદી મૌન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gir Lion Deaths: ગુજરાતનું ગૌરવ અને એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન એવું ગીર અત્યારે ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. કેમકે, સિંહોના ટપોટપ મૃત્યુ થતાં મામલો છેક પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) સુધી પહોંચ્યો છે. છેલ્લા એક જ સપ્તાહમાં 8થી વધુ સિંહોના રહસ્યમય મોતને લીધે વન્યજીવ પ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો છે. સૌથી ગંભીર સવાલ એ છે કે, ગીરના રાજાનું મોતનું રહસ્ય હજુ અકબંધ રહ્યું છે. સિંહોનું મૃત્યુ કેમ થયું તે મુદ્દે સરકાર હજુ સુધી કોઈ સત્તાવાર ફોડ પાડવા તૈયાર નથી. આ મામલે વન વિભાગે કેમ હોઠ સીવી લીધા છે તે સમજાતું નથી.
સરકાર કેમ રિપોર્ટ જાહેર નથી કરતી?
પ્રાથમિક અહેવાલો મુજબ આ મોત પાછળ ઘાતક 'કૅનાઇન ડિસ્ટેમ્પર વાયરસ' (CDV) જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સિંહોના મૃત્યુને પગલે વન વિભાગે 10 થી વધુ સિંહોને કડક ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા હતા. આ ઉપરાંત ચેપ ન લાગે તે માટે કેટલાક સિંહોને ક્વોરેન્ટાઇન પણ કરવા પડ્યા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે, વન વિભાગની સાથે સિંહોને બચાવવા માટે 'વનતારા'ની સ્પેશિયલ ટીમને પણ મેદાનમાં ઉતારવી પડી હતી. એટલું જ નહીં, ખુદ પ્રધાનમંત્રી કાર્યાલયે પણ આ બાબતે વિગતો મંગાવી સમગ્ર ઘટના પર નજર રાખી હતી.
વનવિભાગનું ભેદી મૌન
હવે સરકારની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે તેનું કારણ એ છે કે, સિંહોના મોતના ચોક્કસ કારણો જાણવા માટે લોહીના નમૂનાઓ તાત્કાલિક ગાંધીનગરની હાઇટેક લેબમાં મોકલવામાં આવ્યા હતા. આ વાતને આજે દિવસો વીતી ગયા હોવા છતાં, સરકાર હજુ સુધી કોઈ ફોડ પાડવા તૈયાર નથી. લેબોરેટરીનો રિપોર્ટ શું આવ્યો? સિંહોનો ભોગ ક્યા ચોક્કસ વાયરસે લીધો? આ તમામ સવાલો પર સરકારે જ નહીં, વનવિભાગે પણ રહસ્યમય મૌન સેવી લીધું છે.
ગીરના સિંહો આખી દુનિયામાં ગુજરાતની ઓળખ છે, ત્યારે તેમની સુરક્ષા બાબતે આટલી ગુપ્તતા કેમ રાખવામાં આવી રહી છે? વન્યજીવ નિષ્ણાતો આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર પોતાની નિષ્ફળતા અને વન વિભાગની પોલ ખુલી જવાની બીકે વાયરસની વિગતો છુપાવી રહી છે. જો સિંહોના મોતનું કારણ કૅનાઇન ડિસ્ટેમ્પર વાયરસ જ છે, તો ભૂતકાળની ઘટનાઓમાંથી સરકારે કોઈ પાઠ કેમ ન શીખ્યો? રસીકરણ અને આગોતરા પગલાં કેમ ન લેવાયા તે સવાલ ઉઠ્યા છે. ટૂંકમાં, વનવિભાગની આ ઢીલી નીતિને કારણે આજે સિંહોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.








