Gujarat

એક જ પરિવારના ત્રણ સભ્યોએ વૃદ્ધનીે માથામાં પાઇપના ફટકા મારી હત્યા કરી

By GS TEAM
26 Apr 20262 mins read
એક જ પરિવારના ત્રણ સભ્યોએ વૃદ્ધનીે માથામાં પાઇપના ફટકા મારી હત્યા કરી

અમદાવાદ,શનિવાર

શહેરના જમાલપુરમાં આવેલી તાનગર વાડમાં એક પરિવારના ત્રણ સભ્યોએ  સામાન્ય તકરારની અદાવત રાખીને મારામારી કરીને ૭૫ વર્ષના વૃદ્ધને માથામાં પાઇપના ઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે.

આ બનાવની વિગતો એવી છે કે જમાલપુરમાં આવેલી મોટી પોળ તાનગર વાડમાં રહેતા જરગુલખાન પઠાણે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના ઘર પાસે રહેતા સલીમખાન પઠાણના બાઇક સાથે તેમના સ્કૂટર અથડાવાના મામલે તકરાર થઇ હતી. આ સમયે સલીમખાને ધમકી આપી હતી.  જો કે શનિવારે સાંજે જરગુલખાનના પિતા મહેબુબખાન પઠાણ નમાઝ પઢી પરત આવી રહ્યા હતા ત્યારે સલીમખાન પઠાણ, તેના પિતા ઇકબાલખાન અને  ઇકબાલખાનની પત્ની હનીફાએ મહેબુબખાન પઠાણને રોક્યા હતા અને મારામારી કરી હતી. આ સમયે જરગુલખાન તેમના પિતાને બચાવવા માટે ગયા હતા. 

પરંતુ, સલીમખાને મહેબુબખાનને માથામાં પાઇપ મારતા તે નીચે પટકાયા હતા અને જરગુલખાનને પણ માર માર્યો હતો. આ દરમિયાન ત્રણેય જણા ધમકી આપીને નાસી ગયા હતા. બીજી તરફ મહેબુબખાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે હત્યાનો ગુનો નોંધીને સલીમખાનની ધરપકડ કરીને અન્ય બે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓનું કહેવુ છે કે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે કોઇ અન્ય બાબતને લઇને તકરાર ચાલતી હતી. જે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.