Gujarat

બાવળામાં ગટરના ખોદકામમાં બે સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી

By GS TEAM
4 Apr 20261 min read
બાવળામાં ગટરના ખોદકામમાં બે સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી

- ગેસ કંપનીનો સ્ટાફ અને ફાયર બ્રિગેડ દોડી આવ્યું 

- હાઇવે પર પેટ્રોલ પંપ અને સોસાયટી વિસ્તારમાં ગેસ લિકેજ થતાં નાસભાગ,હાઇવે પર ટ્રાફિક જામ 

બગોદરા : બાવળા શહેરમાં નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા ગટર લાઇનના ખોદકામ દરમિયાન જેસીબી મશીનથી ગેસ પાઇપલાઇન તૂટી જવાના બે કિસ્સા સામે આવ્યા છે. હાઈવે પરના પેટ્રોલ પંપ પાસે અને એક સોસાયટી વિસ્તારમાં ગેસના ફુવારા હવામાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો. 

બાવળા શહેરમાં આજે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. નગરપાલિકા દ્વારા ગટર લાઇનની કામગીરી માટે જેસીબી વડે કરવામાં આવી રહેલા ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇન તૂટી ગઈ હતી. પ્રથમ ઘટના બાવળા હાઈવે પર પ્રવિણ પેટ્રોલ પંપ પાસે બની હતી. જ્યાં અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં ગેસ લીકેજ થતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. બીજી ઘટના શહેરના એક રહેણાંક સોસાયટી વિસ્તારમાં પાઇપલાઇન તૂટતા પ્રેશર સાથે ગેસના ફુવારા હવામાં ઉડવા લાગ્યા હતા. 

સ્થાનિકોના આક્ષેપ મુજબ, ખોદકામ કરતી વખતે ગેસ લાઇનનું ધ્યાન રાખવામાં આવ્યું ન હતું. ઘટનાની જાણ થતા જ ગેસ કંપનીના ટેકનિશિયનો અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી.

સાવચેતીના ભાગરૂપે વિસ્તારનો ગેસ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે, કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક ખોરવાયો હતો.