સૌરાષ્ટ્રભરમાં ગેસ સિલિન્ડર બુકિંગ હૈયાહોળીઃ લાંબી કતારો

સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાએ બળતામાં ઘી હોમ્યું : જેતપુર, દ્વારકા, ખંભાળિયા, સાવરકુંડલા, જામનગર સહિતનાં સેન્ટરોમાં ઓનલાઇન બુકિંગ ઠપ્પઃ તંત્ર દ્વારા નિયમિત સપ્લાયનો દાવો
રાજકોટ, : કેન્દ્ર અને રાજ્ય સરકારની ખાતરીઓ છતાં સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાને કારણે ઘરેલું રાંધણ ગેસ માટે લોકો પેનિક બુકિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રભરમાં ઠેર - ઠેર, નાના - મોટા સેન્ટરોમાં ગેસ એજન્સીઓની બહાર સિલિન્ડર બુકિંગ માટે ગ્રાહકો રૂબરૂ ઉમટી રહ્યા છે. ત્યારે જેતપુર, દ્વારકા જિલ્લો, સાવરકુંડલા અને જામનગર સહિતનાં સેન્ટરોમાં ગેસ બુકિંગને લઇને ભારે અફરાતરફીનો માહોલ સર્જાયો છે.
જેતપુર પંથકમાં ગેસ સિલિન્ડરની અફવા સોશિયલ મીડિયામાં દાવાનળની માફક ફેલાતા લોકોએ ઓનલાઇન બુકિંગ કરવા ધસારો કર્યો હતો. જેના કારણે સર્વે જામ થઇ જતાં બુકિંગ થઇ શકતા ન હોવાથી લોકો ગેસ એજન્સીઓ પર ઉમટી પડયા હતા. જો કે ગેસ એજન્સી સંચાલકો જણાવી રહ્યા છે કે દરરોજ એક ગાડીની આવક છે એટલે અફવા પર ધ્યાન ન આપવું. આવી જ સ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવર્તી રહી છે. પાંચ દિવસથી પેન્ડિંગ માંગણી ન સંતોષાતા ગ્રાહકો એજન્સીઓ પર રૂબરૂ ધક્કા ખાઇ રહ્યા છે. જિલ્લાની 11 જેટલી ગેસ એજન્સી ઓવર એક સરખો માહોલ જોવા મળે છે.
બીજી તરફ સાવરકુંડલામાં પણ વહેલી સવારથી ગેસ એજન્સીઓની બહાર લાંબી લાઇને લાગી રહી છે. કાળઝાળ ગરમીમાં એજન્સીની બહાર છાંયાની કે પાણીની વ્યવસ્થાનાં અભાવે ગ્રાહકો પરેશાન થઇ રહ્યા છે. એજન્સી સંચાલકો જણાવી રહ્યા છે કે જેમ જેમ પુરવઠો આવતો જશે તેમ તેમ વિતરણ કરવામાં કરવામાં આવશે.
જ્યારે જામનગરમાં તો ઓટોમેટિક ગેસ બુકિંગ સેવાના ફોન આપમેળે જ કટ્ટ થઇ જતાં હોવાની ફરિયાદો સાથે ગ્રાહકો ગેસ એજન્સીઓનાં ચક્કર કાપતા થઇ ગયા છે. જો કે સંચાલકો રૂબરૂ બુકિંગની ના પાડીને ઓટોમેટિક ટેલિફોન સિસ્ટમ જ ફરજિયાત હોવાનું કહી ગ્રાહકોને વળાવી દેતાં હોવાની બુમરાણ પણ ઉઠી રહી છે. આમ સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલ તો એલ.પી.જી. સિલિન્ડરે હૈયાહોળી સર્જી હોવાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા ગેસની અછતની વાતને નકારી કાઢી ગેસ સપ્લાય નિયમિત હોવાનો દાવો કરાયો છે.








