સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરતે દેશનું સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મેળવી લીધું છે પરંતુ હવે પાલિકા તંત્રની બેદરકારીના કારણે શહેરના કેટલાક વિસ્તારમાં કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તેમાં પણ કતારગામ ઝોનમાં આવેલા સિંગણપોર ટ્રાન્સફર સ્ટેશન પર પાલિકાની ગંભીર બેદરકારીના કારણે રસ્તા પર કચરાના ઢગ પડ્યા હોવાથી સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો ઉભો થવા સાથે ટ્રાફિક સમસ્યા પણ થઈ રહી છે. પાલિકાની આ બેદરકારી સ્વચ્છતા સર્વેક્ષણમાં નડતરરૂપ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
પાલિકાના કતારગામ ઝોનમાં વેડ રોડ પરનું ટ્રાન્સફર સ્ટેશન સ્થાનિકો અને વાહન ચાલકો માટે આફત બની રહ્યું છે. આ જગ્યાએ નબળી કામગીરી હોવાથી ટ્રાન્સફર સ્ટેશનની દિવાલને અડીને કચરના ઢગ જોવા મળી રહ્યાં છે. લાંબો સમય સુધી આ કચરાના ઢગ હોવાથી રોડ બ્લોક થાય છે અને વાહનો નીચે કચરો આવતો હોવાથી રોડ પર ફેલાઈ રહ્યો છે. આ ગંદો ગંધાતો કચરો આસપાસ ફેલાતા સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.
આ ટ્રાન્સફર સ્ટેશનની આજુબાજુ ખુલ્લામાં પડેલો કચરો, દુર્ગંધ, માખી-મચ્છરનો ઉપદ્રવ થતો હોવાની ફરિયાદ થઈ રહી છે. આ ઉપરાંત રસ્તા પર પડેલા કચરાના ઢગલાના કારણે ટ્રાફિક સમસ્યા થઈ રહી છે. આવી સમસ્યાનો તાકીદે નિકાલ કરવા માટે સ્થાનિકો માંગણી કરી રહ્યાં છે.
સુરત પાલિકા દ્વારા શહેરના કચરા નિકાલ માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આધુનિક મશીનરી, વાહનો અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોવા છતાં વેડરોડ જેવા વિસ્તારમાં જોવા મળતા આવા દ્રશ્યો પાલિકાની કામગીરી અને મોનીટરીંગ વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સ્વચ્છતાની હરીફાઈમાં અગ્રસ્થાને રહેલા શહેરમાં જો ટ્રાન્સફર સ્ટેશન આસપાસ જ કચરો બેરોકટોક ફેલાય રહ્યો છે જેના કારણે પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.









