Gujarat

હાર્ડવેરના વેપારીઓને બોગસ ચેક આપી ચૂનો ચોપડતી ટોળકી ઝડપાઇ

By GS TEAM
3 Feb 20262 mins read
હાર્ડવેરના વેપારીઓને બોગસ ચેક આપી ચૂનો ચોપડતી ટોળકી ઝડપાઇ

- ગૌશાળાનો શેડ બનાવવાના બહાને માલ મંગાવ્યા બાદ વેંચી નાખતી હતી

- 92 ગેલ્વેનાઇઝ પાઇપ, 423 પતરા તથા કોરા ચેક સાથે 3 શખ્સો રૂા.2.99 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

- અમરેલી-ભાવનગર જિલ્લાના વેપારીઓ પાસેથી માલ ખરીદી પાલીતાણામાં સસ્તા ભાવે વેચી રોકડી કરી લેતા હતા

અમરેલી: અલગ-અલગ જિલ્લાઓમાં સ્ટીલના વેપારીઓને સરકારી ગૌશાળા બનાવવા વસ્તુની જરૂરિયાત દર્શાવી, વેપારીને વિશ્વાસમાં લઇ, બોગસ ચેક અને ખોટા જીએસટી નંબર આપી લાખોની છેતરપિંડી કરતી ટોળકીને રાજુલા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન રૂા.૨,૯૯,૪૦૦નો મુદ્દામાલ રિકવર કરી ચાર પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

રાજુલા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, જૂની કાતર રોડ પર જૂની બારપટોળીના પાટિયા સામે સરકારી પડતર જગ્યામાં અમુક શખ્સો હાર્ડવેર સગેવગે કરી રહ્યા છે. પોલીસે તુરંત ઘટનાસ્થળે દરોડો પાડતા ચાર ઇસમો હાજર હતા, જેમાંથી એક શખ્સ પોલીસને જોઇને નાસી છૂટયો હતો, જ્યારે અન્ય ત્રણને ગેલવેનાઇઝ પતરા અને પાઇપોના જથ્થા સાથે દબોચી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

આ ટોળકીએ માત્ર ગીર સોમનાથ જ નહીં, પરંતુ અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ અનેક વેપારીઓને નિશાન બનાવ્યા હતા. ધોકડવા (ગીર સોમનાથ) બાપા સીતારામ સ્ટીલમાંથી રૂા.૨.૬૬ લાખના પતરા-પાઇપોની છેતરપિંડી, બગસરા ખોડિયાર આયરન ડેપોમાંથી રૂા.૪.૮૮ લાખનો માલ પડાવ્યો, ટીંબી જાફરાબાદ અંજની સ્ટીલના વેપારી સાથે રૂા.૫.૦૪ લાખની ઠગાઇ, મહુવા ભાવનગર મોદી સ્ટીલ અને બાપા સીતારામ ટ્રેડર્સ પાસેથી કુલ રૂા.૭.૬૯ લાખની મત્તા ખંખેરી હતી. તળાજા નેશનલ રૂફિંગ સોલ્યુશન પાસેથી રૂા.૨.૩૦ લાખની છેતરપિંડી. આ બધા બનાવમાં મળીને કુલ રૂા.૨૨.૫૯ની છેતરપિંડી કરી હોવાની માહિતી બહાર આવી હતી. આ ટોળકી વેપારીઓને ફોન પર સંપર્ક કરી 'સરકારી ગૌશાળાનો શેડ બનાવવો છે' તેમ કહી વિશ્વાસમાં લેતી હતી. ત્યારબાદ વી.કે. એન્ટરપ્રાઇઝ નામનો ખોટો ચેક અને ફેક જીએસટી નંબર આપી માલ મંગાવતા હતા. માલ કોઇ અવાવરું જગ્યાએ ખાલી કરાવી, બીજું વાહન મંગાવી છેતરપિંડીનો માલ પાલીતાણા વિસ્તારમાં સસ્તા ભાવે વેચી મારતા હતા.

રાજુલા પોલીસે પાલીતાણાના રહેવાસી પંકજ ઉર્ફે જીગો લાલજીભાઇ નવાડિયા, વિજય ઉર્ફે ખીર નરશીભાઇ પરમાર અને બાબુભાઇ રતિભાઇ ગોહિલની ધરપકડ કરી છે. જ્યારે અશરફ ઉર્ફે આપા ગફારભાઇ જુણેજાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓ પાસેથી ગેલવેનાઇઝ પાઇપ નંગ ૯૨ પતરા નંગ ૪૨૩ અને મોબાઇલ સાથે એક કોરો ચેક મળી કુલ રૂા.૨,૯૯,૪૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. પકડાયેલા મુખ્ય આરોપી પંકજ ઉર્ફે જીગો અગાઉ વાપી અને ભાવનગરમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. રાજુલા પોલીસને વેપારીઓ સાથે છેતરપિંડી કરતી ટોળકીને દબોચી લેવામાં સફળતા મેળવી હતી.