| AI તસવીર |
Teacher Recruitment News: શિક્ષણ સહાયક ભરતીના ઉમેદવારો માટે મોટું અપડેટ સામે આવ્યું છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી-2024 અંતર્ગત શાળા ફાળવણી ન થયેલ તથા પ્રતિક્ષાયાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો તા. 10 થી 12 ડિસેમ્બર, 2025 સુધીમાં ઓનલાઈન શાળા પસંદગી કરી શકશે. ઉમેદવારો પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર શાળા પસંદગી આપી શકશે.
તા. 10 થી 12 ડિસેમ્બર સુધી શાળાની પસંદગી થઈ શકશે
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી-2024 અંતર્ગત મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી ના થયેલ હોય તેવા (List-A) મુજબ તથા તા. 23 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર કરવામાં આવેલી પ્રતિક્ષાયાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો આવતીકાલ તા. 10 થી 12 ડિસેમ્બર, 2025ની રાત્રે 11:59 કલાક સુધીમાં શાળા પસંદગી કરી શકશે
ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર પસંદગીનો મોકો
જે અન્વયે ઉમેદવારોએ વેબસાઇટ https://gserc.in/ પર પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી અગ્રતાક્રમ અનુસાર શાળાઓની અમર્યાદિત સંખ્યામાં શાળા પસંદગી કરવાની રહેશે, તેમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા સત્તાવાર રીતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
PMl-2માં સમાવિષ્ટ તમામ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી ઓનલાઇન શાળા પસંદગી બાદ તા. 27 જૂન, 2025ના રોજ મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ખાલી રહેતી જગ્યાઓ પર પ્રતિક્ષા યાદીના ઉમેદવારોની યાદી તા. 23 સપ્ટેમ્બર, 2025ના રોજ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
નામ. હાઈકોર્ટમાં દાખલ થયેલ SCA NO.13456/2025ના સંદર્ભે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિની તા.13 નવેમ્બર, 2025ની બેઠકમાં શિક્ષણ સહાયક ભરતી- 2024માં મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી થયેલ નથી તેવા ઉમેદવારોને શાળા પસંદગીની તક આપવી તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અનુસંધાને વિષયવાર-માધ્યમવાર સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-2024ના આવા મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી ના થયેલ હોય તેવા ઉમેદવારોની યાદી (List-A) વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.


