Get The App

'વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું': ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
'વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું': ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ 1 - image

Gandhinagar Property Tax Bill: અમદાવાદની સરહદે આવેલા વૈષ્ણોદેવી સર્કલ અને આસપાસના વિસ્તારો, જે ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ છે, ત્યાંના રહીશોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ છે કોર્પોરેશનની ગંભીર બેદરકારી. જે બિલ જુલાઈ-ઓગસ્ટમાં મળવા જોઈએ, તે છેક માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયે મોકલીને તંત્રએ રહીશો પર 'વ્યાજની પેનલ્ટી'નો બોજ ઝીંકી દીધો છે.

તંત્રની ઊંઘ ઉડી અને રહીશોના ખિસ્સા પર તરાપ

મળતી માહિતી મુજબ, કોર્પોરેશનના અધિકારીઓની અણઆવડતના કારણે જુલાઈ 2025ના પ્રોપર્ટી ટેક્સના બિલો સમયસર તૈયાર જ થયા નહોતા. માર્ચ મહિનો (નાણાકીય વર્ષનો અંત) આવતા જ જાગેલા તંત્રએ ઉતાવળે બિલો છાપીને વિતરણ શરૂ કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, બિલ મોડા મોકલ્યા હોવા છતાં તેમાં ગત મહિનાઓનું ચઢત વ્યાજ ઉમેરી દેવામાં આવ્યું છે. આનાથી સામાન્ય રહીશ આપોઆપ 'ડિફોલ્ટર' બની ગયો છે અને તેણે વ્યાજ ભરવાની ફરજ પડી રહી છે.

બિલોમાં વિગતોનો અભાવ: ક્યાં ભરવો ટેક્સ?

માત્ર વ્યાજ જ નહીં, આ બિલોમાં અનેક વહીવટી છબરડાઓ પણ સામે આવ્યા છે. બિલમાં માત્ર કોર્પોરેશનની કચેરીનું સરનામું છે. ઓનલાઈન પેમેન્ટ કે એપ્લિકેશન દ્વારા નાણાં ભરી શકાશે કે કેમ, તેની કોઈ સ્પષ્ટતા નથી. બિલમાં ટી.પી. (TP) નંબર કે એફ.પી. (FP) નંબર જેવી પ્રાથમિક વિગતોનો પણ ઉલ્લેખ કરવાની તસ્દી લેવાઈ નથી. બિલમાં દર્શાવેલ વ્યાજ અને જ્યારે રહીશ ભરવા જાય ત્યારે તે દિવસ સુધીનું ગણાતું વ્યાજ અલગ હોવાથી રહીશો પર વધારાનું આર્થિક ભારણ આવી રહ્યું છે.

'વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું': ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ 2 - image

સોસાયટીઓ દ્વારા બહિષ્કારની ચીમકી

ગાંધીનગરના આ નવા વિસ્તારોના રહીશોમાં તંત્રની આ 'લૂંટ' સામે ભારે કચવાટ છે. અનેક એપાર્ટમેન્ટ અને સોસાયટીના રહીશોએ એકત્ર થઈને નિર્ણય લીધો છે કે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. જો વ્યાજની રકમ માફ કરવામાં નહીં આવે અને પારદર્શક રીતે બિલો ફરીથી ઇસ્યુ નહીં કરાય, તો આ ગેરવ્યાજબી બિલોનો સામૂહિક બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતનું અર્થતંત્ર તો પાટે પણ જાહેર દેવાનો આંકડો ચોંકાવનારો, CAG રિપોર્ટ જાહેર

ગાંધીનગર કોર્પોરેશનની બેદરકારીને કારણે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે, તંત્રની ભૂલનું વ્યાજ જનતા કેમ ભોગવે? 8 મહિના સુધી બિલો કેમ ન છપાયા? ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં રહીશોને માર્ગદર્શન આપવા માટે પત્રિકા કે લિંક કેમ ન અપાઈ?