Gujarat

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત, પત્નીએ પઠાણી ઉઘરાણી કરતાં 18 સામે નોંધાવી FIR

By GS TEAM
8 Mar 20262 mins read
TukuTouch Logo
કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે મૃતકની પત્નીએ 14 વ્યાજખોરો સહિત કુલ 18 શખસો સામે આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે સ્યુસાઈડ નોટ અને વીડિયો રેકોર્ડિંગના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત, પત્નીએ પઠાણી ઉઘરાણી કરતાં 18 સામે નોંધાવી FIR

Gandhidham News : કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે મૃતકની પત્નીએ 14 વ્યાજખોરો સહિત કુલ 18 શખસો સામે આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે સ્યુસાઈડ નોટ અને વીડિયો રેકોર્ડિંગના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

પઠાણી ઉઘરાણી કરતાં 18 સામે FIR

મળતી માહિતી મુજબ, આદિપુરના દિપેશ ત્રિપાઠી પાસે બાલાજી વેફર્સ કંપનીની એજન્સી હતી. દિપેશ કટારિયા એન્ટરપ્રાઈઝમાંથી માલનો ઓર્ડર લઈને ગાંધીધામમાં નિયત કરેલા રૂટના રીટેઈલ દુકાનદારોને માલ સપ્લાય કરતો હતો. પરંતુ કટારિયા એન્ટરપ્રાઈઝના મુદ્રાના વિપુલ એસ.આર. નામના વ્યક્તિ સાથે દિપેશને કોઈ કારણે વિખવાદ થતાં તેનો ધંધો ખોરવાઈ ગયો હતો. આ પછી વિપુલે કટારિયા એન્ટરપ્રાઈઝના માલિક રૂપેશભાઈ, કલ્પેશભાઈ અને અંકિતા સહિતના વ્યક્તિને દિપેશના માલ સપ્લાય મામલે કાનભંભેરણી કરતો હતો. તેમજ વિપુલે તેના મળતિયાને એજન્સી અપાવીને ગોડાઉન રખાવી આપતાં મૃતક દિપેશના ધંધાને માઠી અસર પડી હતી અને ધંધો સાવ ઠપ થતાં આર્થિક સંકળામણ ઉભી થઈ હતી. 

આ બધા વચ્ચે, મૃતક દિપેશે RTGSથી એડવાન્સમાં ડિપોઝીટ ભરીને માલનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ એન્ટરપ્રાઈઝ તરફથી માલ આપશે તેમ કહીને તારીખ પસાર કરાતાં અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીને પગલે અંતે હતાશામાં દિપેશે ગુરુવારે(5 માર્ચ) બપોરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. 

14 વ્યાજખોરોનો ત્રાસ

પોલીસ ફરિયાદ મુજબ, ધંધો ઠપ થતાં દિપેશ આર્થિક સંકળામણમાં આવી ગયો હતો. જેને લઈને તે વ્યાજખોરોના ચુંગાલમાં આવી ગયો હતો. દિપેશે કરણ આહીર નામના વ્યક્તિ પાસેથી પત્નીના સોનાના દાગીના ગીરવે મૂકી વ્યાજે રૂપિયા લીધા, જેમાં મૂડી કરતાં વધુ વ્યાજ ચૂકવ્યું છતાં કરણ દાગીના પરત આપતો ન હતો. એક દિવસે, દાગીના લેવા જતાં કરણના પિતા ડાયાલાલ અને આનંદ નામના વ્યક્તિએ દિપેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો: જામનગરના ધ્રોલમાં હોસ્ટેલમાં 11 સાયન્સની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, પરિવાર પર આભ તૂટ્યો

આ ઉપરાંત ભચાઉના નુટભા સોઢા, ભુજની વ્યાજખોર રોશની આનંદ ભટ્ટ, મુકેશ મિરાણી અને હરેશ મિરાણી, હિતેશ રાજકોટીયા, આદિપુરના પ્રકાશ મોદી નામના લોન એજન્ટ, ધર્મેન્દ્રસિંહ ભાટી (ધમો), ક્રિપાલસિંહ, ભીખુભાઈ, ચંદ્રસિંહ બાપુ નામના વ્યાજખોરોના સતત ત્રાસ અને પઠાણી ઉઘરાણીના કારણે દિપેશે આપઘાત કર્યો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સમગ્ર મામલે પોલીસે તમામ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.