Gujarat

યુવકની બોથડ પદાર્થના ઘા ઝિંકી ઢીમ ઢાળી દીધાનું એફએસએલ રિપોર્ટમાં ખુલ્યું

By GS Team
4 Dec 20211 min read
This article was originally published on 4 Dec 2021
યુવકની બોથડ પદાર્થના ઘા ઝિંકી ઢીમ ઢાળી દીધાનું એફએસએલ રિપોર્ટમાં ખુલ્યું

હિંમતનગર, તા. 3

પોશીના મામીપીપળા ગામની સીમમાં ત્રણ મહિના પૂર્વે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકનું ગંભીર ઇજાથી મોત નિપજ્યું હોવાનું પ્રથમ તબક્કે નજરે પડતા પોલીસે એફએસએલમાં રિપોર્ટ કરાવતા બોથર્ડ પદાર્થના ઘા ઝિકીને યુવકનું ઢીમ ઢાળી દીધું હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે પોલીસે પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પોશીનાના મામાપીપળા ગામનો ભીમા જોરા પરમાર ગત તા.ર૩ના રોજ દાણબોર ગામે કામ અર્થે ગયો હતો જે સમયે સ્થાનિક ૩ શખ્સો સામે રાજસ્થાનના એક શખ્સે વચ્ચે દારૃ પીવા બાબતે બોલાચાલી થઈ હતી જેથી પાંચેય શખ્સોએ તેની અદાવત રાખી યુવકને મામાપીપળા ગામની સીમમાં ગડદાપાટુનો માર મારવાની સાથે પથ્થર જેવા બોથડ પદાર્થથી ઈજા કરી ફરાર થઈ ગયા હતા. હુમલામાં ગંભીર રીતે ઘાયલ સ્થાનિક યુવાનને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં સીમાડામાં મોત નિપજ્યું હતું.  આ મામલે પોલીસે જાણવા જોગ નોંધ લઈ તપાસ આદરી હતી જેમાં એફ.એસ.એલ. રિપોર્ટમાં મૃતકને બોથડ પદાર્થથી માર મારી મોત નિપજાવ્યાનું ખુલતાં પોશીના પોલીસે સમગ્ર બનાવને હત્યામાં પલટાતા પોલીસે વધુ તપાસ આદરી છે. આ હત્યાના બનાવને અંજામ આપવામાં મામાપીપળાના ચાર તેમજ રાજસ્થાનના એક શખ્સની સંડોવણી બહાર આવતા પોશીના પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.