હું કોર્પોરેશનનો એજન્ટ છું તેમ કહી..પીએમ આવાસના નામે 40 લાખની છેતરપિંડી

વડોદરાઃ કોર્પોરેશનના એજન્ટના નામે નિઝામપુરામાં ઓફિસ ચલાવતા એક ભેજાબાજે પીએમ આવાસ અપાવવાના નામે ૧૬ જણા સાથે રૃ.૪૦.૧૭લાખની ઠગાઇ કરતાં ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે.
સમતારોડ પર વૈકુંઠ ફ્લેટમાં રહેતાવર્ષા બેન પાઠકે પોલીસને કહ્યું છે કે,મારી પુત્રવધૂને નોકરી માટે ઇન્ટરવ્યૂ આવતાં સુભાનપુરા પંચરત્ન બિલ્ડિંગ સામે અમિત કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા હરશ જશુભાઇ ચૌહાણ (સુથાર ફળિયું,અકોટા ગામ) સાથે પરિચય થયો હતો.જો કે પુત્રવધૂએ બે જ દિવસમાં નોકરી છોડી હતી.
મકાન વેચવા અને લોન અપાવવાનું કામ કરતા હરીશ ચૌહાણે જાન્યુઆરી-૨૦૨૫માં ઝાંસી રેસિડેન્સી,સુભાનપુરા ખાતે પીએમ આવાસમાં બી-૩૦૩ અને બી-૩૦૪ નંબરના ફ્લેટ અપાવવાની વાત કરતાં હું અને મારા પતિએ તેના કહેવા મુજબ કુલ રૃ.૬.૮૩ લાખ ચૂકવ્યા હતા.ઠગે અમને સિક્કાવાળી ફાળવણી પાવતી આપી હતી.પરંતુ કબજો અને ચાવી આપવા માટે બહાના કાઢતો હતો.થોડા સમય બાદ તેણે ઓફિસ અને મોબાઇલ બંધ કરી દીધા હતા.
મહિલાએ કહ્યું છે કે,હરીશે અમારી જેમ જુદા જુદા વિસ્તારના બીજા ૧૫ જણા પાસે આવી જ રીતે એપ્લિકેશન ફી,ડિપોઝિટ,વીજ મીટરના જોડાણ જેવા કારણસર કુલ રૃ.૩૩.૩૪ લાખ પડાવી લીધા હતા.જેથી ગોરવા પોલીસે ફરાર થઇ ગયેલા ઠગની શોધખોળ હાથ ધરી છે.








